મહાપાલિકાને વધુ ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવતું મ્યુ. ફાયનાન્સ બોર્ડ

૧૫માં નાણાંપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે રાજયની વિવિધ મહાપાલિકા અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે બીજા હપ્તા પેટે રૂ.૩૮૪.૫૦ કરોડની ગ્રાન્ટની ચૂકવણી

મહાનગરોની સાથે નગરપાલિકાઓને પણ ટેકનોલોજીથી સજજ કરવા સરકાર તત્પર: ધનસુખ ભંડેરી

રાજયનાં મહાનગરોની સાથે નગરપાલિકાઓનો વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ કરવા ૧૫૬ પાલિકાઓને અને રાજયની મહાપાલિકાઓને બીજા તબકકામાં રૂ.૩૮૪.૫૦ કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી છે.

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ એક યાદીમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપ સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે. હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલીકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલીકાના અને ૧૫૬ નગરપાલીકાઓમાં સેનીટેશન, સ્વચ્છતા, પાણી પૂરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃત્તિ, વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા રોડની જાળવણી, ફૂટપાથ સ્ટ્રીટ લાઈટ, સ્મશાનગૃહ, કબ્રસ્તાન, કોમ્યુનિટી એસેટની જાળવણી વગેરે જેવા કામો માટે ૧૫માં નાણાંપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ. ૩૮૪.૫૦ કરોડની ગ્રાંટની ચૂકવણી કરવામાંઆવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા રાજયમાં પારદર્શક સરકાર સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકારના મંત્ર સાથે અને સૌનો સાથ સૌના વિકાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક વિધ યોજનાઓની સાથોસાથ સુવિધાઓનાં કાર્યો વેગવંતા બનાવવામાં આવ્યા છે.

ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડ દ્વારા પાલિકાઓને સમયાંતરે ગ્રાંટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોનાં આરોગ્ય પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો ગટર, વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત મ્યુ. ફા.બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી રાજયની ૮ મહાનગરપાલીકા અને ૧૫૬ નગરપાલીકાઓને ૧૪માં નાણાં પંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ.૩૮૪,૫૦,૦૦૦,૦૦ બેઝીક ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.

૮ મહાનગરપાલીકાઓ જેમાં અમદાવાદ મહાનગપાલીકાને રૂ.૯૧.૦૦ કરોડ, સુરત મહાનગરપાલીકાને રૂ.૬૫.૫૦ કરોડ, વડોદરા મહાનગરપાલીકાને રૂ.૨૬ કરોડ, રાજકોટ મહાનગરપાલીકાને ૨૦ કરોડ, ભાવનગર મહાનગરપાલીકાને રૂ.૮.૭૪ કરોડ, જામનગર મહાનગરપાલીકાને રૂ. ૮.૩૪ કરોડ, જૂનાગઢ મહાનગરપાલીકાને રૂ.૪.૩૪ કરોડ ગાંધીનગર મહાનગરપાલીકાને રૂ.૧૫૫.૬૯ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલીકા તેમજ નગરપાલીકા સેનીટેશન, સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃત્તિઓ જેમકે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી જેવા પ્રાથમિક માળખાકીય તેમજ આંતરમાળખાકીય કામો માટે કરી શકશે.

Loading...