Abtak Media Google News

દેશભરની અલગ અલગ કોર્ટમાં રેરા સામે દાખલ થયેલી ૨૧ પીટીશનો

રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અમલમાં મુકાયેલા નિયમ રેરા સામે વિવિધ સ્થળોએ કોર્ટમાં અરજીઓ થઈ છે. રેરામાં ઘણા નિયમો બિલ્ડરો અને એજન્ટો માટે બોજા સમાન હોવાની રજૂઆતો અરજી દ્વારા કરવામાં આવી છે. આ તમામ અરજીઓની સુનાવણી કોઈ એક કોર્ટમાં કરવામાં આવે તેવી માંગ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી હતી.

સુપ્રીમ કોર્ટ કેન્દ્રની અરજી ઉપર સુનાવણી કરવા માટે રાજી થઈ હતી અને આ બાબતે સુપ્રીમ કોર્ટે રેરા સામેની તમામ પીટીશન દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાના આદેશો આપ્યા છે. સુપ્રીમના આ નિર્ણય બાદ હવે રેરા બાબતના તમામ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવશે.

દેશભરમાંથી રેરા સામે અલગ અલગ કોર્ટમાં ૨૧ પીટીશન દાખલ થઈ છે. આ તમામ પીટીશનને એક જ કોર્ટમાં ચલાવવાનો નિર્ણય મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાના વડપણની ખંડપીઠ દ્વારા કરવામાં આવ્યો છે. આગામી ૪ સપ્ટેમ્બરથી રેરા સામે થયેલી તમામ અરજીઓની સુનાવણી શ‚ થશે. લોકસભામાં રેરાનો ખરડો પસાર થયા બાદ ૧લી મેથી તેની અમલવારી શ‚ થઈ હતી. જેમાં ડેવલોપર્સ, એજન્ટ અને બિલ્ડરોને ૩૧ જુલાઈ સુધીમાં ફરજીયાતપણે રેરા એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ૩૧ જુલાઈ બાદ જો કોઈ પણ બિલ્ડરો કે એજન્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય તો તેને અયોગ્ય ગણાવવામાં આવશે.

રેરાની મર્યાદામાં આવતા પ્રોજેકટો અને નવા રજીસ્ટ્રેશનોમાં ઘણી છટકબારી રહી જતી હોવા ઉપરાંત અન્ય નિયમો બાબતે અસંતોષ હોવાથી અલગ અલગ પીટીશનો ફાઈલ કરવામાં આવી છે. જે હવે દિલ્હી હાઈકોર્ટમાં સાંભળવામાં આવશે અને તમામ પીટીશનોનો નિકાલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.