દેશભરની ભાત-ભાત; જાત-જાતની સાંસ્કૃતિક કૃતિઓ જોઇ મુખ્યમંત્રી અભીભૂત!!!

71

રાજકોટના સ્કૂલ સંચાલકોએ ૨૧ હજાર વિદ્યાર્થીઓ અને ૧૫૦૦ શિક્ષકો દ્વારા દેશભક્તિના ગુણગાન ગાઇ વિક્રમ સર્જ્યો

રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા, સંચાલક મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ પોલ પર કાયમી લાઈટિંગનો શુભારંભ કરાવ્યો હતો.વિદ્યાર્થી કાર્નિવલ-૨૦૨૦ માં શહેરની ૩૧ જેટલી શાળાઓએ સમગ્ર ભારતના તમામ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા દેશભક્તિ ગીત સાથે કાર્નિવલ ખુલ્લો મુકયો હતો. મુખ્યમંત્રીની સાથે હજારો વિદ્યાર્થેઓએ આ ગીતનું ગાયન કરીને રાષ્ટ્રપ્રેમ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોસ પર ખુલ્લી જીપમાં ફરીને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિકકૃતિઓ નિહાળી હતી. રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ૨૯ શાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે શાળાઓના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની જુદી જુદી થીમ ઉપર કુલ ૩૧ સ્ટેજ પરથી તમામ રાજ્યોના લોકનૃત્ય અને લોકગીતો પરંપરાગત પરિવેશમાં રજૂ કરવામાં આવ્યા હતા. અત્રે સૌને વાકેફ કરવામાં આવ્યા હતા કે, ૨૧૦૯૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૫૦૦ થી વધુ શિક્ષકો દેશભક્તિ ગીત, સમુહ ગાનમાં ભાગ લઈ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં રાજકોટની ૧૫૦ થી વધુ શાળાઓએ ભાગ લઈ તેમાં દિવ્યાંગ બાળકોએ પણ સહભાગિતા નોંધાવી હતી. નવી પેઢીને દેશભક્તિ, વિવિધતામાં એકતા અને એક ભારત- શ્રેષ્ઠ ભારતની ભાવના કેળવવા શાળા સંચાલક મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા,મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ,  અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગથઠિયા, રાજકોટ શહેર ભાજપ મહિલામોર્ચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, ડી.વી. મહેતા,નાયબ મેયર અસ્વિનભાઇ મોલીયાકલેકટર રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ તેમજ શાળા સંચાલક મંડળના સભ્યો અને શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Loading...