Abtak Media Google News

વેરાવળમાં બેડમીન્ટન, ટેનીસ, વોલીબોલ કોર્ટ તેમજ જીમ-યોગા, ઈન્ડોર ગેમ્સ સહિતના હોલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધુતનગર બસ સ્ટેન્ડ વેરાવળ સ્થિત રૂા.૪.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન અટલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તેમજ વીર સાવરકર સ્વિમિંગ પુલનું શાસ્ત્રોક્ત વિધિ સાથે તકતીનું અનાવરણ કરી લોકાપર્ણ કર્યુ હતું.

તમામ ગુજરાતીઓના તન મનના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, તમામ નગરપાલિકાઓમાં ઇન્ડોર તેમજ આઉટડોર રમતગમતના સુવિધાયુક્ત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Sport Complex 6

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોગ, જીમ તેમજ રમતગમતની પ્રવૃત્તિઓ થકી યુવાઓ તંદુરસ્તી સાથે ખેલ જગતમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરે તેવી નેમ મુખ્યમંત્રી રૂપાણીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ અંજલીબેન રૂપાણી સાથે સૌ પ્રથમ સ્વીમીંગ પુલનું ઉદઘાટન કર્યા બાદ જીમ્નેસીયમ તથા યોગા હોલનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ ઇન્ડોર ગેમ હોલ કે જ્યાં સ્નુકર, કેરમ, ટેબલ ટેનીસ, ચેસ જેવી રમતો ઉપલબ્ધ છે તે હોલનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ રૂપાણીએ સેન્ટ્રલી એસી બેડમિન્ટન કોર્ટ, ટેનીસ કોર્ટનું અને અંતમાં વોલીબોલ કોર્ટનું રીબીન કાપી લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ નગરપાલિકા અને પ્રસાશન ટીમને આ શાનદાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના નિર્માણ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં અને વેરાવળની રમતગમત પ્રેમી જનતાને આ કોમ્પલેક્ષ થકી વિવિધ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ કરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે ૬૧૯૦ ચો .મી. વિસ્તારમાં નિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વીર સાવકર સ્વીમીંગ પુલ, બેડમીન્ટન કોર્ટ, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, જીમ અને યોગા તેમજ ઈન્ડોર ગેમ્સની સુવિધા ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રાજ્ય બીજ નિગમના ચેરમેનક રાજસીભાઈ જોટવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, કલેકટર મહેન્દ્રસિંહ રહેવર, અગ્રણીઓ ગોવિંદભાઈ પરમાર, જગદીશભાઈ ફોફંડી, મહેન્દ્રભાઇ પીઠીયા, જેઠાભાઈ સોલંકી, નગરપાલિકાના ચીફ ઓફિસર જતિન મહેતા, નગરપાલીકાઓના પદાધિકારીઓ, અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

ખારવા સમાજના સમૂહ લગ્નમાં ૪૬ નવદંપતિને આશિર્વાદ આપતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ-સાગરપુત્ર ફાઉન્ડેશન આયોજિત ૯માં સમુહ લગ્નોત્સવમાં ૪૬ નવદંપતીને આશીર્વાદ આપતા કહ્યુ કે, સમુહ લગ્ન હાલના સમયની માંગ છે.

મુખ્યમંત્રીએ ખારવા સમાજની દિલેરી, સાહસિક્તા અને એકતાથી થતા સામાજિક કાર્યોને પ્રેરણાદાયી કહી ઉમેર્યુ કે, સમુહલગ્નથી આર્થિક નબળા પરિવારોની લગ્નના ખર્ચની સમસ્યાઓ દૂર થાય છે. સમુહ લગ્નમાં શ્રેષ્ઠીઓ જોડાય છે. સાગરપુત્ર ફાઉન્ડેશનના સમહુલગ્નના આયોજક ટીમને પણ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યાચઠ હતા.

મુખ્યમંત્રીએ સાગરપુત્રોના વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યુ કે, રાજ્ય સરકાર ખારવા સમાજની સાથે છે. સરકારે આ સમાજની ચિંતા કરી છે. સરકારની વિવિધ યોજનાઓ માછીમારોના કલ્યાણ માટે વિસ્તારવામાં આવી રહી છે તેમ જણાવી વેરાવળ સહિતના ગુજરાતના તમામ બંદરોની જાહોજલાલી પુન: સ્થાપિત થાય તે દિશામાં કામ આગળ વધી રહ્યુ છે તેમ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.