આસામમાં તમામ મદ્રેસા અને ધાર્મિક શિક્ષણ  આપતી સંસ્થાઓને લાગી જશે તાળા

સરકારી ખર્ચે ધર્મ શિક્ષણ ન આપી શકાય, સરકારી મદ્રેસા શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓને અન્યત્ર નીમી દેવાશે

આસામ રાજ્ય સરકારે તમામ મદ્રેસા અને ધર્મ શિક્ષણ સાથે સંકળાયેલા સરકારી સંસ્થાનોને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આસામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને શિક્ષણ મંત્રી હિંમત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનામાં રાજ્ય સંચાલીત તમામ મદ્રેસાઓને બંધ કરવા અંગે એક જાહેરનામુ બહાર પાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ સાથે સાથે રાજ્યમાં આશરે ૧૦૦ જેટલી સંસ્કૃત પાઠશાળાઓ પણ બંધ કરી દેવામાં આવશે.

શિક્ષણ મંત્રી હિંમત બિસ્વા સવિસ્તાર જણાવ્યું હતું કે, તમામ રાજ્યો સંચાલીત મદ્રેસાઓને નિયમીત સામાન્ય શિક્ષણ આપતી શાળાઓમાં તબદીલ કરી દેવામાં આવશે અને કેટલાક કિસ્સાઓમાં શિક્ષકોને રાજ્ય સંચાલીત શાળાઓમાં ફેરવી લેવામાં આવશે અને મદ્રેસાઓને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ માટે નવેમ્બર મહિનામાં સત્તાવાર રીતે નવેમ્બર મહિનામાં જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે.

મદ્રેસા એવા શૈક્ષણિક સંકુલો ગણાય કે જ્યાં માત્ર કુરાન અને ઈસ્લામીક કાયદાઓને ગણીત, વ્યાકરણ, કાવ્ય અને ઈતિહાસ સાથે ભણાવવામાં આવી રહ્યાં છે. શિક્ષણ અને સંશોધન વેબસાઈટ ધ ક્ધવેન્શન પર પ્રકાશીત એક અહેવાલ મુજબ ભારત સરકારને એવા અહેવાલો મળ્યા છે કે, ૪ ટકા મુસ્લીમ વિદ્યાર્થીઓ દેશના મદ્રેસા શાળાઓમાં ભણે છે. ભાજપની આગેવાની વાળી આસામ સરકારે ધાર્મિક સંસ્થાનો પર આવો ખર્ચ ન કરવા માટે મદ્રેસાઓને સામાન્ય શાળાઓમાં બદલવાનું અથવા તો મદ્રેસાના શિક્ષકોને અન્ય શાળામાં સ્થળાંતરીત કરવા અને મદ્રેસાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સમાચાર માધ્યમો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મારા મત મુજબ કુરાનનું શિક્ષણ સરકારી નાણાની કિંમત ઉપર ન આપી શકાય જો અમે આવું કરીએ તો આપણે બાયબલ અને ભગવદ ગીતા બન્ને પણ ભણાવવા જોઈએ. આ માટે અમે એક સમાનતા લાવવા માટે મદ્રેસા સિસ્ટમ રોકવા માંગીએ છીએ. રાજ્ય મદ્રેસા શિક્ષણ બોર્ડ અનુસાર આસામમાં ૬૧૪ સરકાર માન્ય મદ્રેસાઓ ચાલી રહ્યાં છે. જેમાંથી ૪૦૦ ઉચ્ચસ્તરીય મદ્રેસા છે. ૧૧૨ જુનિયર ઉચ્ચ મદ્રેસા છે અને બાકીના ૧૦૨ વરિષ્ઠ મદ્રેસા છે જેમાં ૫૭ છોકરીઓ માટે, ૩ છોકરાઓ માટે અને ૫૫૪માં કો એજ્યુકેશનથી ભણતર ચાલે છે અને ૧૭ મદ્રેસાઓ ઉર્દુ માધ્યમમાં ચાલે છે. આસામ સરકાર નવેમ્બર મહિનાથી જ રાજ્યના તમામ મદ્રેસાઓ બંધ કરી દેશે.

Loading...