Abtak Media Google News

મોડી રાત સુધી હિન્દી અને ગુજરાતી ગીતો લોકોએ મન ભરીને માણ્યા.

કાર્યક્રમની અદભુત સફળતા માટે નગરજનો, મીડિયાજગત વિગેરેનો આભાર માનતા મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપનાદીનની ઉજવણી અંતર્ગત બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદારના યાદગાર ગીતોનો કાર્યક્રમ રેસકોર્ષ સ્થિત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શનમા યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રી બિનાબેન આચાર્ય હતા. જયારે પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ કોમોડીટી એક્ષચેન્જના ચેરમેન રાજુભાઈ પોબરૂ, કૌશિકભાઈ શુક્લ, દીપકભાઈ મેઘાણી, ધીરેનભાઈ પારેખ, તથા વર્ષ ૧૯૭૫ થી ૧૯૮૦માં ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓના પરિવારજનો તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીલ્લા કલેકટર ડૉ.રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, અધિક કલેકટર પરિમલ પંડ્યા, નાયબ કમિશનર ચેતન નંદાણી, ચેતન ગણાત્રા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિવિશેષ તરીકે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે તરીકે ઉપસ્થિત રહી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હર હંમેશ લોકોને પ્રાથમિક સુવિધાના કામો હોવાની સાથો સાથ લોકોને મનોરંજન મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ કરેલી કામગીરી ખરેખર સરાહનીય છે. મહાનગરપાલિકા દ્વારા સ્થાપના દીનની ઉજવણીમાં દર વર્ષે એક થી એક ચઢીયાતા કાર્યક્રમો આપવામાં આવે છે જે અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પરંપરા મુજબ આજરોજ ૪૬માં સ્થાપના દિન પ્રસંગે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાને ૪૫ વર્ષ પુરા થયા છે તેમાં શહેરીજનોએ ૪૦ વર્ષથી વધુ સમય ભારતીય જનતા પક્ષને શાસનની ધુરા સોપેલ છે. ભારતીય જનતા પક્ષ “જ્યાં માનવી ત્યાં સુવિધા” સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે. શહેરમાં રોડ, રસ્તા, ગટર, પાણીની પ્રાથમિક સુવિધાની સાથે ઉપરાંત, જુદી જુદી ટુર્નામેન્ટો, સાંસ્કૃતિક કાર્યક્રમો, જુદી જુદી હરીફાઈઓ તરણ હરીફાઈ, મેરેથોન જેવા અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

શહેરીજનોની સુખાકારી માટે વિવિધ વિકાસ કામો ચાલી રહેલ છે. જેમ કે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મવડી તથા રૈયા ચોકડી ખાતે ઓવરબ્રિજની કામગીરી ગતિમાં છે. આ ઉપરાંત કે.કે.વી. ચોકમાં અન્ડરબ્રીજ, હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજ બનવવાની કાર્યવાહી ગતિમાં છે. વિશેષમાં, શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે ડી.આઈ પાઈપલાઈન નાખવાની કામગીરી પમ્પીંગ સેશન સહિતની સુવિધા માટેના કરોડો રૂપિયાના વિકાસ કામો ચાલુ છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ આવાસોની કામગીરી પણ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ આવાસો બનાવી લોકોને ફાળવવામાં આવેલ છે.

તાજેતરમાં જ રાજય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સ્કુલમાં રૂ.૨૬ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. શહેરના વિકાસમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા ખુબ જ સહયોગ મળી રહેલ છે. માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટની સતત ચિંતા કરી અનેક વિકાસલક્ષી યોજનાઓ લાવેલ છે. જેમાં ખાસ કરીને શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવા રૂ.૪૩૫ કરોડના ખર્ચે મચ્છુ ડેમથી આજી-૧ ડેમ સુધી ૩૧ કી.મી. સુધીની પાઈપલાઈન સમય મર્યાદા પહેલા નાખી આજી ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ હમણા જ આજી ડેમ-૧માં પાણીની જરૂર પડતા નર્મદાના પાણીથી ભરવામાં આવેલ છે. આ ઉપરાંત નવું રેસકોર્ષ, અટલ સરોવર, બસ સ્ટોપ, અદ્યતન ઇન્ટરનેશનલ એરપોર્ટ, હોસ્પિટલનું નવિનીકરણ વિગેરે પ્રોજક્ટ આપેલ છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલાં ફક્ત ચાર કે પાંચ દરવાજા વચ્ચે વસેલું અને એક થી વધારે સુધરાઈ ધરાવતું રાજકોટ આજે મહાનગરપ-સ્માર્ટ સિટી બની ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાની સ્થાપનાને ૪૫ વર્ષ પુરા થઇ ૪૬મા વર્ષમાં પ્રવેશ થયેલ છે ત્યારે આટલા વર્ષોની વિકાસ યાત્રામાં પ્રથમ નિયુક્ત મેયર રમેશભાઈ છાયા, તથા પ્રથમ ચૂંટાયેલ મેયર અને રાજકોટ શહેરની વિકાસ યાત્રાની કેડી કંડારવામાં જેનું મહત્વનું યોગદાન છે તેવા શ્રી અરવિંદભાઈ મણીયાર, વજુભાઈ વાળા, વિનોદભાઈ શેઠ, વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મેયરોનો હું ખુબ આભાર માનુ છું. જયારે લોકો આવાસ યોજનાથી પરિચિત પણ ન હતા ત્યારે રાજકોટ શહેરે હુડકો સ્કીમ હેઠળ આર્થિક પછાત વર્ગના લોકો માટે સૌપ્રથમ આવાસ યોજના બનાવેલ. જેને તે સમયે નેશનલ એવોર્ડ મળેલ છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી અને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવા લોકોને જણાવેલ હતું.

આ પ્રસંગે આભારદર્શન સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયાએ કરેલ હતું, જયારે મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત સમાજ કલાયન કમિટી સભ્ય હિરલબેન મહેતા, મીનાબેન પારેખ તથા દેવુબેન જાદવએ કરેલ હતું.

પ્લેબેક સિંગર એશ્વર્યા મજમુદાર તથા સાથી કલાકારોએ પોતાના સુરીલા કંઠે હિન્દી તથા ગુજરાતી ફિલ્મના યાદગાર ગીતો ગાઈ લોકોને ડોલાવ્યા હતા. તેમાં પણ સુવિખ્યાત ગુજરાતી ગીત “મન મોર બની થનગાટ કરે” ગીત પર લોકોને ખુબ ડોલાવ્યા હતા. સાજીંદાઓએ પણ તબલા, પર્ક્યુંસનમીક્ષ, ડ્રમ મીક્ષ, બાસ ગીટાર, લીડ ગીટાર, લીડ + એકોસ્ટિક ગીટાર, કીબોર્ડ મીક્ષ વિગેરે જેવા અદ્યતન મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટસથી ધૂમ મચાવી લોકોને સંગીતની રસ લહાણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.