Abtak Media Google News

૮ કરોડ પ્રિ-પેઈડ ધારકોને મળશે લાભ: રૂ.૧૦નો ટોકટાઈમ ગ્રાહકોને મળશે

ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, એરટેલનાં જેટલા પણ પ્રિ-પેઈડ મોબાઈલ ધારકો છે તેઓનો ફોન આગામી ૧૭ એપ્રિલ સુધી અવિરત ચાલુ રહેશે અને આ તમામ ગ્રાહકોને રૂ.૧૦નો ટોકટાઈમ પણ મળવાપાત્ર રહેશે. એરટેલ દ્વારા તેના પ્રિ-પેઈડ વપરાશકર્તાઓ માટે પ્રિ-પેઈડ પેક વેલેડિટી કે જે ૮ કરોડ વપરાશકર્તાઓને અસરકર્તા છે તે માટેની સમય મર્યાદા વધારી ૧૭ એપ્રિલ કરવાનો નિર્ણય લીધેલ છે. સાથોસાથ આ તમામ વપરાશકર્તાઓને તમામ પ્રકારનાં ઈન્કમીંગ કોલ યથાયોગ્ય રીતે ચાલુ રહેશે ભલે તેમનો પ્લાનની અવધી સમાપ્ત થઈ ગઈ હોય. ભારતી એરટેલનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ સહાયનો લાભ ગ્રાહકોને જાહેરાત થતાનાં ૪૮ કલાક બાદ જ મળવાપાત્ર રહેશે.

એરટેલ દ્વારા પ્રિ-પેઈડ એકાઉન્ટ ધરાવતા ૮ કરોડ લોકોને ૧૦ રૂપિયાનો વધુનો ટોકટાઈમ પણ અપાશે અને સાથો સાથ તેઓ તેમનાં નજીકનાં સ્નેહી સંબંધી લોકોને એસએમએસ પણ મોકલી શકશે. માત્ર ભારતી એરટેલ જ નહીં પરંતુ બીએસએનએલ તથા એમટીએનએલએ પણ તેમનાં પ્રિ-પેઈડ મોબાઈલ ધારકો માટે વેલેડિટીને વધારવામાં આવી છે અને તેને ૨૦ એપ્રિલ સુધી કરવાનો પણ નિર્ધાર કર્યો છે. સાથો સાથ બીએસએનએલ અને એમટીએનએલ તેમનાં પ્રિ-પેઈડ ધારકો માટે ૧૦ રૂપિયાનો એકસ્ટ્રા ટોકટાઈમ આપવાનું પણ જણાવ્યું છે ભલે પછી તેમની મેઈન બેલેન્સ ઝીરો થઈ ગયેલ હોય.

આ કાર્ય કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કોરોનાનાં પગલે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે જેથી લોકો તેમનાં નજીકનાં સગાસંબંધીઓ સાથે સમય વિતાવે તે માટે તમામ ટેલિકોમ ઓપરેટરો દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એરટેલનાં સંપર્ક સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ જે પ્રિ-પેઈડ વપરાશકર્તાઓને રૂ.૧૦નો ટોકટાઈમ આપવામાં આવશે તે ક્રેડિટને કંપની દ્વારા રીકવર નહીં કરાય.

એરટેલનું માનવું છે કે આ સંકટનાં સમયમાં લોકો તેમનાં પરિવારજનો સાથે નિયમિત અંતરાળે ટેલીફોન મારફતે જોડાયેલા રહેવા જોઈએ જેથી તેઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. જયારે બીજી તરફ દેશમાં ઘણાખરા એવા લોકો છે કે જે ડેઈલી વેજ ઉપર કામ કરી રહ્યા છે ત્યારે તેમને પણ ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવે છે તેમ ભારતી એરટેલનાં ચીફ માર્કેટીંગ ઓફિસર શાશ્ર્વત શર્માએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.