Abtak Media Google News

એર માર્શલના બંગલા સામે એક ઓરડીમાં એક સન્યાસીનાન્ય: પંથા વિદ્યતે અયનાય ની સાધના કરતા હતા !

કર્મયોગી અને જ્ઞાનયોગી

લાઠીથી ચાવંડજતા રોડ ઉપર એકાદ કિલોમીટર દૂર એક રેલ્વે ક્રોસીંગ આવતું હતુ આ ફાટક સમાનવ હતુ એટલે કે ટ્રેનોની અવરજવર ના સમયે ગેટકીપર ફાટક બંધ ખોલ કરતો હતો. આ રેલવે ક્રોસીંગ ઉપરથી લાઠી ફોજદાર જયદેવને દિવસમાં એકાદ વખત તો પસાર થવું જ પડતું આથી કેટલીક વખત ટ્રેન આવતી હોય તોરોડ તરફનું ફાટક બંધ હોય જયદેવ જીપમાં બેઠો બેઠો આજુબાજુની જગ્યાનાં માહોલનું નિરીક્ષણ કરતો તેમાં તેને એક અતિશય આશ્ચર્યજનક હકિકત જાણવા મળી.

તે સમયે લાઠીમા આ રોડ ઉપર કલાપી હાઈસ્કુલ છેલ્લી હતી તે પછી ખેતરો અને જમીન જ હતી પણ આ રેલવેફાટક પહેલા ડાબીબાજુ પશ્ચીમદિશામાં એક વિશાળ જુનવાણી ઢબનું કિલ્લા જેવું બાંધકામ હતુ વચ્ચે મોટો પ્રવેશ દ્વાર તેના દરવાજા વિશાળ અને લાકડાના બનેલા પણ ડાબી બાજુના દરવાજામાં માણસોને આવવા જવાની બારી હતી. પરંતુ આ દરવાજાના બારીઓ સહિત લગભગ હંમેશા બંધ જ રહેતા જમાદાર સામંતસિંહ સોલંકીના કહેવા મુજબ વર્ષો પહેલા અહી લાઠી સ્ટેટનો પેલેસ બનતો હતો પરંતુ આઝાદી આવી જતા આ પેલેસનું જે અરધુ કામ થયેલુ તેટલુ જ રહ્યું બાકીનું પછી આગળ ચાલ્યું જ નહિ આ અધૂરા પેલેસમાં એક વર્યોવૃધ્ધ માજી અને નોકર ચાકર રહે છે. બાકીનાં સભ્યો બહારગામ રહે છે.

આ જ રેલવે ક્રોસીંગ પાર કરતા તુરત જ જમણી બાજુ પૂર્વ દિશામાં એક નાનુ એવું પાકુ મકાન હતુ પરંતુ તે આખા મકાનને લાલ કેસરી રંગથી રંગેલુ હતુ આ મકાન પણ લગભગ બંધ જ રહેતુ કયારેક એક સંત કે જેમણે સાવ ટકો કરાવી ભાગવા રંગના જ ધોતી ઝબ્બા પહેરતા જે સંન્યાસીનો પહેરવેશ હતો તેઓ દેખાતા પણ તે જગ્યાએ કોઈ મંદિર નહતુ આથી તે જગ્યાએ આમ જનતાની કોઈ અવર જવર પણ નહતી પરંતુ કયારેક કયારેક સાંજના સમયે બેચાર ઉમર લાયક નિવૃત માણસો ત્યાં બેસવા આવતા સામંતસિંહના કહેવા મુજબ આ દક્ષિણ ભારતીય સંત હતા કોઈની કોઈ જ પ્રકારની મદદ કે સેવા લેતા નથી તેઓ તેમના દૈનિક કાર્યક્રમમાં સતત ધાર્મિક શાસ્ત્રોનું વાંચન, ધ્યાન અને પોતાની દૈનિક કાર્યવાહી જ કરતા હોય છે. કયાંય જતા નથી જો કોઈને તેમને મળવું હોય તો સાંજના સમયે મલે છે. બાકી પ્રભુ ભજન ચાલે છે. એકલ વિર છે. એમ કહેવાય છેકે તેઓ તેમના પૂર્વાશ્રમમાં દક્ષિણ ભારતમાં કોઈ મોટા સરકારી અધિકારી હતા પરંતુ ધાર્મિક વૈરાગ્ય લાગતા સંન્યાસ લઈને અહી રહીને દુન્યવી બાબતોથી પર રહીને ને સાધના કર્યે જાય છે.

જયદેવ એક દિવસ ચાવંડ દરવાજે ટ્રાન્સપોર્ટ ઓફીસમા ઘનશ્યામસિંહ સાથે બેઠો હતો. તેમણે વાત કરી કે ઈન્ડીયન એરફોર્સના વેસ્ટર્ન કમાન્ડના એર માર્શલ જનકકુમારસિંહજી નિવૃત થઈને આવ્યા છે. તેઓ લાઠી રાજવંશના વારસ છે. પણ અપરિણીત છે. જે રેલવે ક્રોસીંગ પાસે અર્ધા પેલેસમાં માજી રહે છે. તે આ જનકકુમારસિંહજીના માજી છે. જનકકુમારસિંહજી નિવૃત થઈ ને અત્યારે ત્યાંજ રહે છે. ઘનશ્યામભાઈએ વધુમાં કહ્યું કે જનકકુમારસિંહજીને હજુ નોકરીમાં બે વર્ષ બાકી હતા અને હવે તેઓ એરચીફ માર્શલના પ્રમોશનમાં સીનીયોરીટીમાં સૌથી આગળ હતા અને હાલના એર ચીફ માર્શલ નિવૃત થાય પછી જનકકુમારસિંહજી જ એરચીફ માર્શલ એટલે કે ભારતીય વાયુસેનાના સર્વોચ્ચ અધિકારી બનવાના હતા પરંતુ અન્ય કોઈ એરમાર્શલ દ્વારા આ રોયલ અને રોયલ સ્વભાવવાળા જનકુમારસિંહજીને અગાઉના એર ચીફ માર્શલના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સાથેના સરકારી જાહેર કાર્યક્રમો દરમ્યાનના ફોટો આલ્બમ દર્શાવીને કહેલ કે જુઓ ભારતીય વાયુસેનાની પરંપરામાં એર ચીફ માર્શલ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે સજોડે જ કાર્યક્રમોમાં હોય છે. પરંતુ જયદેવ આ રીતે ફોટા આલ્બમ દર્શાવવાની બાબતને એક સુઅાયોજીત સાજીશ જ માનતો હતો આથી ખાનદાન એર માર્શલ જનકકુમાર સિંહ સાનમાં સમજી ગયા કે પોતે કુંવારા છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના કાર્યક્રમોમાં સજોડે કેવી રીતે જઈ શકે? મળી શકે? તેમ વિચારીને પોતાનો બે વર્ષનો ફરજ કાળ બાકી હોવા છતા ભારતીય વાયુસેનામાંથી સ્વેચ્છાએ જ આ ‘ખાતાની પરંપરા’ના માનખાતર નિવૃત્તિ લઈ લીધી. અને તેમના પછીના એર માર્શલ કે જે પરણીત હોય તેમના માટે માર્ગ મોકળો કરી દીધો.

આ સાંભળીને જયદેવે કહ્યું ‘અરર.. આમ હોય? ભગવાન શ્રી રામની વાયુસેનાના વડા પણ બજરંગ બલી હનુમાન પણ અપરિણીત જ હતાને!’ આમ સાચી પ્રથાતો જનકકુમારસિંહ એરચિફ માર્શલ બન્યા હોત તો. થઈ ગણાત. એક પરંપરા માટે જ સ્વેચ્છાએ વાયુ દળનુ સર્વોચ્ચ પદ ત્યજી દેવું તે ત્યાગ અને બલીદાનને જેવું તેવું તો ન જ કહેવાય ફકત કર્મયોગી વ્યકિત જ આ ત્યાગ અને હોદાની મમતા છોડી શકે. બાકી હાલમાં તો આપણને જાણવા મળે છે કે આવા ખાતાઓમાં પણ કેવા કેવા કોર્ટકેસો બને છે.

આટલા લાંબા એરફોર્સના કાર્યકાળ, સામે આવતુ આવું સેનાનું સર્વોચ્ચ પદ દેશની રક્ષા ખાતર ત્રિસ ત્રિસ વર્ષ કે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથેની સને ૧૯૭૧ની લડાઈમાં ભાગ લઈ પાકિસ્તાનના બે ટુકડા કરેલા તેમાં પણ સેવા લાભ આપેલ હોવા છતા એક સ્થિતપ્રજ્ઞની માપક હોદો કે માનની લાલસા વગર સ્વેચ્છાએ નિવૃત થવું એ ખૂબજ ઉચી માનસીક અને આધ્યાત્મીક સ્થિતિ દર્શાવે છે. આવી વિભૂતિ નિવૃત થઈ ને લાઠીમાં આવી જ ગઈ છે તો તેમનું જાહેર સ્વાગત અને સન્માન કરવાની ઈચ્છા છે ઘનશ્યામભાઈએ કહ્યું કાર્યક્રમ તમે ગોઠવો વ્યવસ્થા હું કરાવું છું જયદેવે અમરેલી પોલીસ વડા તરીકે નવા જ નિમણુંક પામેલ અજયકુમાર (આઈપીએસ)ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાતનાં લોકલાડીલા અને નામાંકિત પોલીસ અધિકારી આર.ડી. ઝાલા (આઈપીએસ નિવૃત) કે જેઓ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના ગઢીયા ગામે જ ફાર્મ હાઉસમાં નિવૃત જીવન ગાળતા હતા. તેમના મુખ્ય મહેમાન પદે લાઠી રામજી મંદિરમાં કાર્યક્રમ યોજયો લાઠીના ગ્રામજનોને આમંત્રણ આપી ભવ્ય સન્માન સમારોહ યોજાયો જયદેવ પ્રાસંગીક પ્રવચનમાં આ એરચીફ માર્શલના પ્રમોશન અંગેની વાતનો આડકતરો ઉલ્લેખ કરી જ દીધો કે લંકા સામેના યુધ્ધમાં ભગવાન શ્રી રામની વાયુસેનાના વડા બજરંગબલી હનુમાનજી પણ અપરણીત જ હતા.

ત્યારબાદ આ લાઠીના અર્ધા પેલેસ પાસેનાં ખેતરોમાં કોઈ હેલીપેડ વગર જ એરફોર્સના એક સાથે બબ્બે હેલીકોપ્ટરોમાં અધિકારીઓ ચારેક વખત જનકકુમારસિંહને મળવા માટે આવેલા પણ આ હેલીકોપ્ટરોને લેન્ડીંગ માટે કોઈ હેલીપેડ બનાવવાની જરૂર પડતી નહીં સાદા ખેતરોમાં જ ઉતરી જતા જયદેવને જનકકુમારસિંહ અગાઉથી જાણ કરતા તેથી જરૂરી પોલીસ બંદોબસ્ત રાખતો. ત્યાર પછી જયદેવ પ્રસંગોપાત અને વાર તહેવારે જનકકુમારસિંહજીને મળવા જતો તેમનું જીવન એકદમ સાદુ અને સરળ હતુ વાતચીત કરવાની તેમની પધ્ધતિ પણ અતિ વિનયી નમ્ર અને મીઠી હતી તેમની સાથે ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે નિવૃત્તી પછી કેટલીય દેશી અને વિદેશી એિવઅેશન કંપનીઓએ તેમને વિશાળ પગાર મુંબઈમાં બંગલા ગાડીઓ વિગેરેની દરખાસ્તો કરેલી પરંતુ આ નિત્તિમત્તાવાળા અધિકારીએ નમ્રતાથી આ પ્રસ્તાવનાઓની પણ ના પાડી દીધેલી તેમણે જયદેવ ને કહેલું કે હવે મારે માટે મારામાતુશ્રીની સેવા એજ જીવનની પરમ પ્રાપ્તી છે ને? જયદેવ તેમના જ્ઞાન અને નિ:સ્પૃહતાથી વિસ્મય પામી ગયેલો.

આથી જયદેવને મનુષ્યના જીવનમાં મુકિતની પ્રાપ્તી અંગેના ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણવેલા રસ્તાઓ યાદ આવ્યા

ત્રિષ્વેતેષ્વિતિ કૃત્ય હિ પુરૂષસ્ય સમાપ્ત તે

એષ:ધર્મ:પર: સાક્ષાદુપધર્મો અન્ય ઉચ્ચતે ॥

એટલે કે ત્રણ (માતા પિતા અને ગૂરૂ કે આચાર્ય) આ ત્રણ ની સેવાથી જ પુરૂષના તમામ કર્મ સંપન્ન થઈ જાય છે. આજ સાક્ષાત પરમ ધર્મ છે. તે સિવાયના અન્ય તમામ ઉપધર્મ છે.

વળી સંત તુલસીદાસજીએ રામચરિત માનસના અરણ્યકાંડમાં માતા અનસુયાએ સીતાજીને સ્ત્રિધર્મ અંગેનો ઉપદેશ આપેલો તે ચોપાઈ પણ સહજ રીતે યાદ આવે જ.

એક ઈ ધર્મ એક બ્રત નેમા  કાયં બચન મનપતિપદ પ્રેમા ॥

બીનુશ્રમ નારિ પરમ ગતિ લહઈ  પતિબ્રતધર્મ છાડિ છલ ગહઈ ॥

સ્ત્રીઓ માટે એક જ ધર્મ, એક જ વ્રત અને એક જ નિયમ છે. કે મન, વચન, કાયાથી પતિમાં જ પ્રેમ કરવો. છળનો ત્યાગ કરીને પતિવ્રત ધર્મનું પાલન કરનારી સ્ત્રિ શ્રમ કર્યા વગર (અનાયાસ) જ પરમ ગતિને પામે છે.

તે સામે હાલમાં શું સ્થિતિ છે? ભગવાન સહજાનંદસ્વામીના શિષ્ય અને સંતકવિ નિષ્કુળાનંદરજીએ તે સ્થિતિ નિચે મુજબ વર્ણવેલી છે.

પળમાં જોગી રે, ભોગી પળમાં,

પળમાં ગૃહીને ત્યાગીજી,

નિષ્કુળાનંદ એ નર તો વણ સમજયો વૈરાગીજી’

આ રીતે ઢોંગી કે વિક્ષીપ્ત મનવાળી વ્યકિત ગમે તે લાલચ અને લોભમાં આવી જાય. પરંતુ એર માર્શલ જનકકુમારસિંહજી એ નિવૃત્તિ પછીની એશો આરામની લકઝરીયસ જીંદગીની લોભામણી એવિએશન કંપનીઓની નોકરીની લાલચો ઠુકરાવીને જુના મકાનમાં જ રહીને આખર સુધી પોતાના વૃધ્ધ માતાની સેવા કરીને તેમણે તૈતરીય ઉપનિષદમાં જણાવ્યા મુજબ ખરા અર્થમાં ‘માતૃદેવો ભવ’ની સાધના કરી.

આરીતે આલાઠીના કવિકલાપીના ના રાજવંશી એરમાર્શલ જનકકુમારસિંહજી જયદેવની દ્રષ્ટીએ ખરા અર્થમાં ‘કર્મયોગી’ હતા.

લાઠીના આ રેલવે ક્રોસીંગના સામા છેડે પૂર્વદિશાએ એક નાના અમથા પણ સાદા મકાનમા રહેતા પેલા દક્ષિણ ભારતીય સંન્યાસી પણ બ્રહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે ‘આત્માર્થે પૃથ્વી ત્યજેત’ પ્રમાણે સમગ્ર સંસાર છોડીને અહિં લાઠીમાં આવી કોઈની પાસે કોઈ જ અપેક્ષા વગર સાદુ ધર્મમય જીવન જીવતાહતા આ સંન્યાસી સતત દક્ષિણ ભારતીય ભાષાનાં અને અમુક ઈગ્લીશ ભાષામાં લખાયેલ ધાર્મિક પુસ્તકો વાંચીને ધ્યાનમાં મશગુલ રહેતા.

જયદેવ જયારે આ રેલવે ફાટકને પાર કરતો અને ઓરડી તરફ તેનું ધ્યાન જતા તેને શ્રીમદ ભાગવત ગીતાનો પેલો ગુઢ શ્લોક યાદ આવતો કે.

યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી

યસ્યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને: ॥

આ શ્ર્લોકનું શબ્દશ: ભાષાંતર એવું છે કે ‘જે સર્વ પ્રાણીઓની રાત્રી છે તેમાં સંયમી કહેતા સંત જાગતા હોય છે. અને જયારે સર્વ પ્રાણીઓજાગતા હોય એટલે કે દિવસને આ સંત રાત્રી તરીકે જુએ છે!

પરંતુ આ શ્ર્લોકનો ધાર્મિક અર્થ એવા છે કે ‘સામાન્ય લોકો આધ્યાત્મિક જ્ઞાનમાં ઉંડા ઉતરતા નથી કે રસ લેતા નથી તેથી આ આધ્યાત્મિકતા તેમના માટે અંધા‚ કે રાત્રી છે. પંતુ સંયમી અને સંત પુરૂષો આધ્યાત્મિક જ્ઞાનમાં રમમાણ હોય છે એટલે કે તેઓ આ બાબતે જાગૃત હોય છે તે તેમનો દિવસ હોય છે.

જયારે સામાન્ય લોકો જે દુન્યવી ભોગો, એશો આરામમાં રતપ્રત હોયછે. તેમાં આ સંતો દ્રષ્ટી પણ નાખતા નથી એટલેકે તે ભોગો ને આ સંતો કાળરાત્રીરૂપે જુએ છે. જયદેવને આ દક્ષિણ ભારતીય સંન્યાસી આવા વિતરાગ ઋષિ જેવા જ લાગતા હતા

વળી સંન્યાસ શબ્દ આવ્યો એટલે જયદેવને યોગના મહર્ષિ પતંજલીનુંસુત્ર યાદ આવ્યું.

‘યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ: ॥

જેના મનના તમામ વ્યાપાર (વિચારો) બંધ થઈ ગયા છે. મન ફકત નિર્લેપ યા તો ૐ કાર માં મગ્ન હોય કાંતો શ્વાસો શ્વાસના માધ્યમથી જે ચેતનાની અનૂભૂતી થાય તેના ઉપર જ મગ્ન છે તે જ ‘યોગ’ છે.

વળી મનની વાત આવતા ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી મદભાગવત ગીતામાં પ્રબોધેલ જ્ઞાન

‘મન એવ મનુષ્યાણાં બંધન મોક્ષ કારણમ્ ॥

એટલે કે આ મન જ મનુષ્યના બંધન કે મોક્ષનું કારણ છે. જયારે હિન્દુધર્મ ના ઉધ્ધારક જગદ્ગૂરૂ શંકરાચાર્યજી એ મૂકિત માટે નો વેદોના સાર રૂપ શ્લોક કહેલ તે યાદ આવ્યો

અતીતાનુસન્ધાનં ભવિષ્યદવિચારણમ્

ઔદાસીન્યમપિ પ્રાપ્તે, જીવનમુકતસ્ય લક્ષણમ્ ॥

અર્થાત: ‘ભૂતકાળનું સ્મરણ નહિ, ભવિષ્યનો વિચાર નહિ, વર્તમાનકાળે ઉદાસીન ભાવે (દ્રષ્ટા ભાવે) રહેવું બસ સાધક જીવન મુકત (મોક્ષ) બની ગયો’

જયદેવને આવા આ સંતને મળવાની અને જ્ઞાનની વાતો કરવાની ખૂબજ ઈચ્છા હતી. કે જેઓ ઋગ્વેદના મહાવાકય ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ કે યજુર્વેદ ના મહાવાકય ‘અહં બ્રહ્માસ્મિ’ની સાધના કરતા હતા આ સંત માટે તો પેલા સુવાકય ‘નાન્ય: પંથા વિદ્યતેઅયનાય  ’ બ્રહ્મ જ્ઞાન સિવાય મોક્ષનો બીજો કોઈ રસ્તો જ નથી ’ મુજબ બ્રહ્મ જ્ઞાનની સાધના જ સર્વસ્વ હતી તેવા સંત ને જયદેવ મળી શકયો નહિ કેમ તે સંસારમાં પડેલો હતો અને તેનું કર્મ પણ પોલીસ ખાતાનું યુધ્ધ જેવું હતુ સમય મર્યાદાને કારણે જઈ શકયો નહિ અને એક દિવસ ઓચિંતા આ સંતનો દેહવિલય થઈ જીવન જયોતિ પરમ જયોતિમાં મળી ગઈ અને જયદેવને અફસોસ રહી ગયો.

પરંતુ ત્યાર પછી જયદેવની ભાવનગર બદલી થયેલી અને જયારે લાઠી કે અમરેલી મુદતે આવતા ર્સ્તામાં આ રેલવે ક્રોસીંગ પાસેનીભગવા રંગની ઓરડીને દૂરથી જોઈને જ મનોમન નમન કરીને મનમાં વેદોકત સૂત્ર ‘સા વિધ્યા યા વિમુકતયે  જે મુકિત (મોક્ષ) અપાવે તે જ વિધ્યા છે.’ તેના ઉપાસક મહાત્માને મળી નહિ શકાયાનો અફસોસ વ્યકત કરતો.

પરંતુ લાઠી અમરેલીથી પાછા આવતા આજ રેલવે ક્રોસીંગ ઉપરના લાઠી સ્ટેટના અધૂરા પેલેસમાં રહેતા ‘કર્મયોગી’ એરમાર્શલ જનકકુમારસિંહજીને અવશ્ય મળતો અને તેમના મીઠા વાર્તા લાપનો લહાવો લેતો સાથે સાથે આવી મહાન હસ્તિ આવા નાનકડા ગામમાં આ રીતે ગામથી દૂર એક સંન્યાસીની જેમ રહેતી હોય તેમના ત્યાગનો અને સાદાઈના મહત્વનું મનોમન રસપાન કરતો.

આમ આ લાઠીનું ચાવંડ રોડ ઉપર નું રેલવે ક્રોસીંગ જયદેવ માટે તો વેદોકત તિર્થસ્થાન હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.