Abtak Media Google News

રાજય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પોલીસના વિવિધ કાર્યક્રમ નિહાળવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરીજનોને અનુરોધ

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજકોટ ઉપરાંત, જામનગર, દેવભૂમિ દ્વારકા અને અમદાવાદ પોલીસ બંદોબસ્તમાં જોડાશે

મધ્ય પ્રદેશની પોલીસ, કોસ્ટ ગાર્ડ, આર્મી પ્લાટુન, ચેતક કમાન્ડો, એસઆરપી, પોલીસના અશ્ર્વદળ અને શ્ર્વાનદળ મળી ૨૭ જેટલી પ્લાટુન વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે

રાજકોટમાં તા.૨૬મી જાન્યુઆરીના રાજયકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રેસકોર્ષ ખાતે રાજયપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે ત્યારે એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા પૂષ્પ વર્ષા કરવામાં આવશે, ધ્વજવંદન દરમિયાન મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં પોલીસની જુદી જુદી ૨૭ જેટલી પ્લાટુન દ્વારા વિવિધ પરેડ યોજવામાં આવશે તેમજ રાજકોટની જનતા અતિઆધૂનિક શસ્ત્ર નિહાળી શકે તે માટે શસ્ત્ર પ્રદર્શન સહિત ૧૪ જેટલા કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવી તમામ કાર્યક્રમ નિહાળવા અને માણવા માટે શહેરીજનોને અનુરોધ કર્યો છે.

તા.૨૬ જાન્યુઆરીએ સવારે ૮-૫૫ કલાકે રેસકોર્ષ ખાતે રાજયપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે ત્યારે એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા તિરંગા પર પૂષ્પ વર્ષા કરવામાં આવશે, મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પોલીસની જુદી જુદી ૨૭ ટીમ દ્વારા વિવિધ પરેડ યોજશે.

આતંકવાદ સામે મેદાને ઉતારવામાં આવેલી ચેતક કમાન્ડો, કલર પરેડમાં સમાવેશ કરાયેલી એસઆરપીના પ્લાટુન, રાજકોટ શહેરના મહિલા તેમજ પુરૂષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર જિલ્લા પોલીસ અને શ્ર્વાન દળ, અશ્ર્વદળ, એસઆરપીના અલગ અલગ ગ્રુપમાંથી આવેલા બ્રાસબેન્ડ અને પાઇપ બેન્ડ તેમજ રાજકોટ શહેર હોમગાર્ડ અને રાજકોટ ગ્રામ્ય જીઆરડી પ્લાટુન ઉપરાંત વન વિભાગ મહિલા પ્લાટુન, રક્ષા શક્તિ યુનિર્વસિટીના પુરૂષ અને મહિલા પ્લાટુન, એનસીસી, એનએસએસ, એસપીપીના પ્લાટુન, મધ્ય પ્રદેશ પોલીસ અને કોસ્ટ ગાર્ડ તથા આર્મીના પ્લાટુન મળી કુલ ૨૭ પ્લાટુનના ૯૦૦ મહિલા તથા પુરૂષ પોલીસ કર્મચારી દ્વારા માર્ચ પાસ કરવામાં આવશે ત્યાર બાદ ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવશે જેમાં ગુજરાત પોલીસ દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત દુર્ગા શક્તિ ટીમ અને સુરક્ષિતા એપ તથા સાયબર સુરક્ષા અંતર્ગત આઇ-વે પ્રોજેકટ, આસ્વસ્થ પ્રોજેકટ, વિશ્ર્વાસ પ્રોજેકટ અને સિટિઝન ફસ્ટ પ્રોજેકટ જેવા વિષય ઉપર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે. આ ઝાંખીઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી રજુ કરવામાં આવશે. તેમજ ગુજરાત પોલીસના સ્ટન્ટ કરતા જવાનો પણ બેન્ડ સાથે જોડાશે

ગુજરાત પોલીસના ૩૬૦ મહિલા અને પુરૂષ કર્મચારી દ્વારા ગરબા, ટીંબલી, તલવાર રાસ, ટીપણી જેવા ગુજરાતી નૃત્યનું નિર્દેશન સાથે ગુજરાત પોલીસના ૭૦ લાઇન બોય-ગર્લ્સ દ્વારા મલખમ, જીમ્નાસ્ટીક અને પોલીસના ૯૬ જેટલા મહિલા ને પુરૂષ કર્મચારીઓ દ્વારા મોટર સાઇકલ સ્ટન્ડ રજૂ કરવામાં આવશે. તેમજ પોલીસના સ્નેફર ડોગ, અશ્ર્વ દળ દ્વારા પણ વિવિધ કરતબો રજૂ કરવામાં આવશે તેમજ ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા “બસ ઇન્ટરવેન્સન કરવામાં આવશે જેમાં આતંકવાદી દ્વારા હાઇજેક કરાયેલી બસને માત્ર ત્રણ મીનીટના સમયમાં આંતકવાદીઓને ઠાર કરી મુસાફરોને રેસ્કયુ કરશે.

તા.૨૩ જાન્યુઆરીએ વિરાણી હાઇસ્કૂલ ખાતે સાંજે સાત કલાકે હિન્દી ફિલ્મની ગાયીકા નેહા ઠક્કરનો શો તેમજ તા.૨૪ જાન્યુઆરીએ સાંજે સાડા આઠ કલાકે દેશ ભક્તિના ગીત સાથે સંગિત સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવશે, તા.૨૪ જાન્યુઆરીએ સાંજે સાડા છ કલાકે રેસકોર્ષ ખાતે ફલાવર્સ શો અને સાંજે સાત કલાકે રેસકોર્ષ રીંગ રોડ ફરતે લાઇટીંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૪ને સાંજે છ કલાકે શસ્ત્ર પ્રદેર્શન અને મશાલ પ્રદર્શનનું ચૌધરી હાઇસ્કૂલ ખાતે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકાશે જેમાં આર્મી અને બીએસએફના અતિ આધૂનિક શસ્ત્ર રાજકોટવાસીઓ નિહાળી શકસે, તા.૨૫મીએ સાંજે સાત કલાકે માધ્વરાવ સિંધ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેગા ઇવેન્ટ યોજાશે, તા.૨૬મી સાંજે શસ્ત્ર પ્રદર્શનના સમાપ્ન સમયે સાંજે બીટીંગ રીટ્રીટ સેરેમની કરવામાં આવસે જેમાં પોલીસ અને એસઆરપીના જવાન દ્વારા મેગા આયોજન કરવામાં આવશે

રાજય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન રાજયપાલ, મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીના વિવિધ ૧૪ જેટલા કાર્યક્રમ યોજનાર છે તમામ વીવીઆઇપીઓના બંદોબસ્તને પહોચી વળવા માટે રાજકોટ પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની પોલીસની મદદ લેવામાં આવી છે જેમાં રાજકોટ શહેરના બે ડીસીપી, સાત એસીપી, ૧૮ પીઆઇ, ૫૩ પીએસઆઇ, સાત મહિલા પીએસઆઇ, ૫૯૦ કોન્સ્ટેબલ અને ૧૧૦ મહિલા કોન્સ્ટેલ જ્યારે અન્ય જિલ્લામાંતી ચાર એસપી, ૨૦ એસીપી, ૧૫ પીઆઇ, ૫૭ પીએસઆઇ, આઠ મહિલા પીએસઆઇ, ૩૦૦ કોન્સ્ટેબલ અને ૧૦૦ મહિલા કોન્સ્ટેબલ બંદોબસ્તમાં સ્ટેન્ડ ટુ રહેશે

પોલીસ વેલફેર માટે ગાયીકા નેહા કકકરનો કાર્યક્રમ

પોલીસ વેલફેર માટે અને રામનાથપરા પોલીસ લાઇનમાં જૂની જેલ પાસે પોલીસ પરિવાર માટે કોમ્યુનિટી હોલના ફંડ માટે સરકારની જરૂરી મંજુરીથી હિન્દી ફિલ્મ ગાયીકા નેહા કકકરના ટિકિટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. નેહા કકકરના કાર્યક્રમ થકી પોલીસને અંદાજે સવા કરોડનું ફંડ એકઠું થશે તેવો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આશાવાદ વ્યક્ત કરી એકત્ર થયેલું ફંડ પોલીસ વેલફેરમાં જમા કરાવવામાં આવશે તેમજ રામનાથપરા પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.