Abtak Media Google News

જૂન માસમાં પ્રથમ બેન્ચ શરૂ કરવા તંત્રની કવાયત: દિલ્હી એઇમ્સની ટીમ અને પીએમએસવાયના જોઇન્ટ ડાયરેકટરે સ્થળ નિરિક્ષણ કર્યુ: જમીન સંપાદન, પાણી અને વીજળી સહિતના મુદે કરાઇ ચર્ચા

ગુજરાત માટે સૌથી મોટો પ્રોજેકટ ગણાતા રાજકોટને એઇમ્સ ફાળવવાના અને તાત્કાલિક શરૂ કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી અંતર્ગત દિલ્હી એઇમ્સની ટીમ અને પીએમએસવાયના જોઇન્ટ ડાયરેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે રાજકોટ જિલ્લા કલેકટર અને સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષકને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી તેમજ જમીન સંપાદન,પાણી અને વીજળી મુદે ચર્ચા કરી રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સાથે વીડિયો કોન્ફરન્સમાં વિવિધ મુદે ચર્ચા કરી હતી.શહેરના જામનગર રોડ પર પરાપીપળીયા નજીક એઇમ્સ શરૂ કરવા માટે જાહેરાત થયા બાદ ગુજરાતના સૌથી મોટા પ્રોજેકટ સમાન એઇમ્સ માટે જરૂરી જમીન સંપાદન કાર્યવાહી જિલ્લા કલેકટર દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ આરોગ્યને લગતી માહિતી માટે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મનિષ મહેતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા એઇમ્સ શરૂ થાય તે પૂર્વે પરાપીપળીયાથી નવા બની રહેલા એરપોર્ટ હીરાસર સુધી નવો એઇટ લાઇન માર્ગ બનાવવાની કાર્યવાહી રૂડાને સોપવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ એઇટ લાઇન માર્ગ પણ રાજકોટને મળી રહ્યો છે જેના કારણે એઇમ્સમાં સારવાર માટે વિમાન માર્ગે આવતા દર્દીઓ ઝડપથી એઇમ્સ સુધી પહોચી શકે તે અંગેની તકેદારી રાખવામાં આવી છે. દિલ્હી એઇમ્સ અને પીએમએસવાયના જોઇન્ટ ડીરેકટર ડો.સંજય રોય, મેડિકલ એજ્યુકેશનના એડીશનલ ડાયરેકટર ડો.આર.દિક્ષિત સહિતના અધિકારીઓની ટીમ છેલ્લા બે દિવસથી રાજકોટમાં પડાવ નાખી જિલ્લા કલેકટર અને તબીબી અધિક્ષકને સાથે રાખી જમીન સંપાદન, પાણી અને વીજળી સહિતના મુદે ચર્ચા કરી હતી તેમજ રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સાથે વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરી આગામી ફેબ્રુઆરી સુધીમાં ખાત મુર્હત કરવા અંગેની તૈયારી બતાવી છે. ફેબ્રુઆરીમાં ખાત મુર્હત થઇ જશે તો બે વર્ષમાં સૌરાષ્ટ્રના દર્દી માટે આર્શિવાદ સમાન ગણાતી એઇમ્સ કાર્યરત થાય તેમ જણાવવામાં આવી રહ્યું છે.પ્રાંત અધિકારી ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ૨૦૨૦માં રાજકોટને એઇમ્સની પ્રથમ બેન્ચ શરૂ કરવા માટે તખ્તો ગોઠવવામાં આવ્યો છે. અને એઇમ્સની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. ડિઝાઇન મંજુર થયા બાદ તાત્કાલિક એઇમ્સ તૈયાર કરવા માટે વિવિધ કોન્ટ્રાકટ આપી બે વર્ષમાં કામ પુરૂ કરવા તડામાર તૈયારી થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.