Abtak Media Google News

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરીત થયેલા લઘુમતિઓ માટે દસ્તાવેજના નિયમો પણ હળવા કરાયા

૧૨ની જગ્યાએ હવે ૬ વર્ષ સુધી ભારતમાં વસવાટ કરનાર વિદેશી પણ ભારતીય નાગરિકત્વ મેળવવાને પાત્ર ગણાશે

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરીત થઈ ભારતમાં વસી રહેલા લઘુપતિ સમાજના લોકોને નાગરિકત્વ આપવાની સત્તા દેશના ૧૬ કલેકટરોને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના કલેકટરોનો સમાવેશ પણ થયો છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં ૬ દશકા પુરાણા નાગરિકત્વ કાયદામાં સુધારો કર્યો હતો. હવે સ્થળાંતરીત થઈ ભારતમાં ૬ વર્ષથી વસવાટ કરતા વિદેશીને પણ ભારતનું નાગરિકત્વ અપનાવવામાં સરળતા રહેશે. અગાઉ આ નિયમ ૧૨ વર્ષના વસવાટનો હતો હવે દસ્તાવેજો મામલે પણ કેટલીક છૂટછાટ કેન્દ્ર સરકારે આપવાનો નિર્ણય લીધો છે.

નાગરિકત્વ એકટ ૧૯૫૫ હેઠળ હવે રાયપુર (છત્તીસગઢ), ભોપાલ અને ઈન્દોર (મધ્યપ્રદેશ), નાગપુર, મુંબઈ, પુના અને થાણે (મહારાષ્ટ્ર), જોધપુર, જેસલમેર અને જયપુર (રાજસ્થાન), લખનૌ (ઉત્તરપ્રદેશ) તથા વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હી સહિતના કલેકટરોને પણ સ્થળાંતરીત લઘુમતિઓને ભારતીય નાગરિકત્વ આપવા અંગેની સત્તા અપાઈ છે.

અત્યાર સુધી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુપતિ સમાજના સ્થળાંતરીતોને ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ભારતમાં ૧૨ વર્ષ સુધી વસવાટ કરવો ફરજીયાત હતો. ત્યારબાદ જ તેઓને નાગરિકત્વ આપવાની કાર્યવાહી થતી હતી.

સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે અને સમયગાળો ૧૨ વર્ષથી ઘટાડીને અડધો એટલે કે ૬ વર્ષનો કર્યો છે. અલબત આ સુધારાનો વિરોધ આસામ સહિતના અન્ય નોર્થ ઈસ્ટ રાજયો કરી રહ્યાં છે. પરિણામે સંસદીય સમીતી આ બીલ ઉપર વિચાર કરી રહી છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે નાગરિકત્વના નિયમમાં ધરખમ સુધારો કર્યો હતો. અન્ય દેશનું નાકરિકત્વ કરતા ભારતીય નાગરિકત્વ છોડવા ઈચ્છીતોને હવે આ મામલે ઘણી સ્પષ્ટતા કરવી પડશે. આ ઉપરાંત હવે સરકારે ભારતનું નાગરિકત્વ ઈચ્છતા વિદેશીઓ માટે દસ્તાવેજોના નિયમો પણ હળવા કર્યા છે.

હવેથી ભારતીય નાગરિકત્વ ઈચ્છતા લઘુમતિ સ્થળાંતરીત લોકો અરજી ઓનલાઈન પણ કરી શકશે. આ ઉપરાંત આ અરજીઓનું વેરીફીકેશન કલેકટર કરશે. જિલ્લા કક્ષાએ સેક્રેટરીને પણ આ પ્રકારની સત્તા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના પોર્ટલના માધ્યમથી ભારતીય નાગરિકત્વ મેળવવાની અરજી કરી શકાશે. કોઈ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ મેળવવા યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય પણ કલેકટરને કરવાનો રહેશે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરીત થતા લઘુમતિ લોકોને નાગરિકત્વ આપવાની સત્તા ૧૬ કલેકટરને આપવામાં આવી છે. જેમાં ૩ ગુજરાતના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના કલેકટરોને લઘુમતિઓને નાગરિકત્વ આપવાની સત્તા સોંપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.