Abtak Media Google News

ભૂતિયા રાશનકાર્ડને આધારથી મેપીંગ કરવાનું રાજયવ્યાપી કૌભાંડ

ગોટાળા કરવામાં કુખ્યાત ઝોનલ-૪ના ઓપરેટર વિજય પવારને પણ ઉઠાવી લેવાયો, મોટાભાગનાં સસ્તા અનાજના વેપારીઓના ધોતિયા ઢીલા: સરકારી કર્મચારીઓ પણ ચિંતામાં ગરક: મોટા કડાકા-ભડાકાનાં એંધાણ

૩૫ સસ્તા અનાજના વેપારીઓ પોલીસની રડારમાં, તમામને ગમે ત્યારે પૂછપરછ માટે ઉઠાવી લેવાશે: સમગ્ર મામલે પૂરવઠા તંત્રનું એક જ રટણ ‘અમને કઈ ખબર નથી’

ભૂતિયા રાશનકાર્ડને આધારથી મેપીંગ કરવાનાં રાજયવ્યાપી કૌભાંડમાં અમદાવાદ સાયબર સેલે રાજકોટનાં વધુ પાંચ મોટા ગજાના સસ્તા અનાજનાં વેપારીઓને ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ઝોનલ-૪ના ઓપરેટર વિજય પવારને પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. ઓપરેટરની અટકાયતથી શહેરનાં મોટાભાગનાં વેપારીઓને ઝાડા થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સામે પૂરવઠામાં બેઠેલા સરકારી બાબુઓ ચિંતામાં ગરક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થાય તે નકકી છે.

વિશ્ર્વસનીય સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભૂતિયા રાશનકાર્ડને આધારથી મેપીંગ કરવાના રાજય વ્યાપી કૌભાંડને ખૂલ્લુ પાડવા સરકારે અમદાવાદ સાયબર સેલને છૂટો દોર આપી દીધો છે. માટે અમદાવાદ સાયબર સેલે અગાઉ પશ્ર્ચીમની ઝોનલ ઓફીસનાં ઓપરેટર કુલીપ હસમુખ અગ્રાવત અને રાજકોટના ૪ સસ્તા અનાજના વેપારીને ઉપાડી લીધા હતા. અને આ તમામની સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ ગઈકાલે ફરી અમદાવાદ સાયબર સેલે ઝોનલ-૪નાં ઓપરેટર વિજય પવાર તેમજ રાજકોટનાં મોટાગજાના સસ્તા અનાજના વેપારી દિપક, સમીર અને રવિ સહિતના ૫ લોકોને ઉઠાવી લીધા છે. પાંચ વેપારી અને એક ઓપરેટરની અટકાયતથી સોપો પડી ગયો છે. મોટાભાગનાં વેપારીઓને તો ઝાડા થઈ ગયા છે. સામે સરકારી કર્મચારીઓ પણ ચિંતામાં ગરક થઈ ગયા છે. હજુ પણ સાયબર સેલની રડારમા વધુ ૩૫ વેપારીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ તો આ કૌભાંડની માત્ર પ્રાથમિક તપાસ જ ચાલી રહી છે. આવનારા સમયમાં આ પ્રકરણ મોટા કડાકા ભડાકા કરે તે વાત નકકી છે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે કૌભાંડનું મૂળ કોન્ટ્રાકટ બેઈઝ ઉપર કામ કરતા ઓપરેટરો છે. તેઓ ડમી આધારકાર્ડનું રાશનકાર્ડક સાથે મેપીંગ કરી વેપારીઓને સસ્તા અનાજનો જથ્થો ચાઉ કરવામાં મદદરૂપ બનતા હતા. જોકે આ સમગ્ર પ્રકરણ અંગે પૂરવઠા તંત્રને પૂછતા પૂરવઠા તંત્રનાં સરકારી કર્મચારીઓએ પોતાના મોઢા સીવી લીધા હતા. હાલ તો પૂરવઠાનાં કર્મચારીઓ આ પ્રકરણ અંગે એક શબ્દ પણ ઉચ્ચારવા માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે યોગ્ય તપાસ થશે તો ઘણા વેપારીઓ, ઓપરેટરો અને સરકારી કર્મચારીઓના તપેલા માથે ચડી જશે.

પૂરવઠા ઈન્સ્પેકટરો અને ઝોનલ ઓફીસરો પણ દૂધે ધોયેલા નથી!!

ભૂતિયા રાશનકાર્ડ કૌભાંડમાં હાલ તો વેપારીઓ અને કોન્ટ્રાકટર બેઈઝ ઉપર કામ કરતા ઓપરેટરોની જ પૂછપરછ થઈ રહી છે. પરંતુ આ તમામની કામગીરી ઉપર દેખરેખ રાખવાની જવાબદારી જેના ઉપર છે તે પુરવઠા ઈન્સ્પેકટરો ને આ કૌભાંડની જાણ શુધ્ધા પણ ન હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. જેથી ચોકકસ પણે કહી શકાય કે પૂરવઠા ઈન્સ્પેકટરો અને ઝોનલ ઓફીસરો પણ દૂધે ધોયેલા નથી. કોમ્પ્યુટર ઓપરેટરો અને વેપારીઓ ઉપર તેઓનો અનહદ પ્રેમ વરસ્યો હોય તો જ તેઓ આવા કૌભાંડ કરવા સક્ષમ બન્યા હોય તેવી અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

કોન્ટ્રાકટ બેઈઝ પર રૂ.૪ હજારમાં કામ કરતા ઓપરેટરો મોંઘીદાટ કાર અને બાઈકમાં નોકરીએ આવે છે!

કોન્ટ્રાકટ બેઈઝ ઉપર માત્ર રૂા.૪ થી ૫ હજારના માસીક વેતનમા કામ કરતા ઓપરેટરો મોંઘીદાટ કાર અને બાઈકમાં નોકરીએ આવે તે મુદો સામાન્ય માણસને પણ ઉડીને આંખે વળગે તેવો છે.વધુમાં આટલા ઓછા પગારમાં સવારે ૧૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી આ ઓપરેટરો હોંશે હોંશે કામ કરે છે. જોકે સુત્રોનાં જણાવ્યા મુજબ ઓપરેટરોની કમાણી પગાર નહી પણ મલાઈ છે. આ ઓપરેટરો વેપારી અને સરકારી કર્મચારી વચ્ચેની મહત્વની કડી છે. જો યોગ્ય તપાસ થાય તો વેપારી અને ઓપરેટરો સાથે સરકારી કર્મચારીને પણ રેલો આવે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.