Abtak Media Google News

‘ફોફા’ની ડ્યુટીમાં ‘ફાફા’

એક તરફ ૪૦ ટકા જગ્યાઓ ખાલી, તલાટીઓ પાસે બેથી ત્રણ ગામોનો ચાર્જ છતાં વધારાની કામગીરી સોપાતા ગ્રામ પંચાયતોના કામો ખોરંભે પડવાની ભીતિ

શિક્ષકો બાદ હવે તલાટીઓને પણ મગફળી ખરીદીની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. એક તરફ તલાટી ઉપર બે થી ત્રણ ગામનો ચાર્જ અને માથે ૪૦ ટકા જગ્યાઓ ખાલી ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ફરજ સોંપણી થતા ભારે કચવાટ જોવા મળ્યો છે. તલાટી ઉપર આવેલા આ ભારણને પગલે ગ્રામ પંચાયતોના કામ ખોરંભે ચડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

સરકારમાં વસતી ગણતરીની કામગીરીથી માંડી મગફળીની ખરીદી કરવાની કામગીરી હોય શિક્ષકો અને તલાટીઓને માથે કોઈને કોઈ જવાબદારી સરકાર નાખતી હોય છે. ગ્રામ્ય સ્તરે સીધા જોડાયેલા આ કર્મચારીઓ કોઈ પણ કામગીરી વખતે તંત્રના સીધા નજરમાં આવતા હોય છે. હાલ મગફળીની ટેકાનાં ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમાં પણ તલાટીઓને તેમની રૂટીન કામગીરી ઉપરાંત કેટલીક વધારાની કામગીરી સોંપવામાં આવી છે.

રાજકોટ સહિત દરેક જિલ્લામાં તલાટીઓને તબકકાવાર આ કામમાં સામેલ કરવામાં આવી રહયા છે. તાજેતરમાં નોટરીના પાવર આપીને સોંગદનામા કરવાની સતા સોંપવામાં આવી તેનો અમલ ગ્રામ્ય સ્તરે થઈ ગયો છે. એક તરફ તલાટીઓ પર એક પછી એક કામગીરીની જવાબદારી વધી રહી છે ત્યારે બીજી તરફ તલાટીઓની મહેકમ મંજૂરની સામે ખાલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. રાજયભરમાં ૪૦ ટકા જેટલી તલાટીઓની જગ્યાઓ ખાલી પડી છે પરિણામે એક તલાટી પર બે – ત્રણ ગામનો ચાર્જ સોંપવામાં આવી રહયો તેનો કચવાટ જોવા મળી રહયો છે.

વખતોવખત તલાટીમંત્રીઓને અન્ય કામગીરીની સોંપણી થતી હોય જેથી તેઓનું મુળ કામ ડિસ્ટબ રહેતું હોવાની ફરિયાદો ઉઠી છે. અગાઉથી જ તલાટી મંત્રી ઉપર કામનું પ્રેશર રહેતું હોય તેવામાં વધારાની ફરજ ન સોંપવામાં આવે તેવી અંદરખાને પ્રબળ માંગ ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ખરીદીમાં ફોફાની ખરીદી થઈ રહી છે. જેમાં ડ્યુટીના ફાંફા પડી રહ્યા છે. વાસ્તવિક ચિત્ર જોઈએ તો ખરીદ કેન્દ્રો ઉપર કાગડા ઉડી રહ્યા છે. જ્યાં કર્મચારીઓને ફરજ સોંપાઈ છે. તેમને નવરૂધૂપ જ બેસવાનું છે. છતાં ફરજ સોંપવામાં આવી છે માટે વિરોધ વંટોળ ઉભો થયો છે. અગાઉ પણ રજિસ્ટ્રેશનની ફરજ સોંપણીને લઈને તલાટીઓમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. જો કે થોડા જ દિવસોમાં મામલો થાળે પડી જતા કોઈ મોટા ધડાકા ભડાકા થયા ન હતા. મગફળી ખરીદીની પ્રક્રિયામાં ફરજ સોંપણીમાં પણ આવી જ રીતે અંદરખાને વિરોધ થઈ રહ્યો છે. જે મોટુ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.