Abtak Media Google News

ભુકંપ અને સુનામીના દસ દિવસ બાદ પાંચ હજાર લોકો લાપત્તા: કાટમાળ નીચે દબાયા હોવાની સંભાવના

ઈન્ડોનેશિયામાં ભુકંપ અને સુનામીના કહેર બાદ લગભગ પાંચ હજાર લોકોની કોઈ ભાળ મળતી ન હતી. સ્થાનિક ડિઝાસ્ટર એજન્સીઓએ ખુબ જ શોધખોળના અંતે આ પાંચ હજાર લોકોને મૃતપ્રાય ગણાવ્યા છે. ઈન્ડોનેશિયાના પેતોબો અને બાલારોઆ શહેરના સ્થાનિક પ્રમુખોની ગણતરી પર આધારીત આ હજારો લોકોની શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે હજી સુધી લાપતા લોકોની કોઈ સુચના મળી નથી કેમ કે સમગ્ર વિસ્તારમાં ભારે ભુકંપને કારણે લોકો દટાઈ ગયા છે.

ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં મૃતાંક ૧૭૬૩ લોકોના શબ મળ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, ભુકંપ સુનામીને આજે દસ દિવસથી પણ વધારે સમય વિતી ગયો છે અને હવે કોઈ જીવીત મળી જાય તો તે ચમત્કાર કહેવાય.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં ૨૮ સપ્ટેમ્બરે ૭.૫ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો અને ત્યારબાદ સુનામીએ તબાહી મચાવી દીધી. અમેરિકી ભુગર્ભ સર્વેના જણાવ્યા પ્રમાણે મધ્ય સુલાવેસીના ડોગગાલા વિસ્તારમાં ૧૦ કિમીની ઉંડાઈએ તીવ્ર ભુકંપના આંચકા આવ્યા હતા. આ ભુકંપની તીવ્રતા ખુબ જ વધારે હતી જેને કારણે જાન-માલનું ખુબ નુકસાન થયું.

ભુકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિમી દુર હતી તે મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની છે. ભુકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર અહીંથી લગભગ ૯૦૦ કિમી દુર દક્ષિણમાં દ્વીપના સૌથી મોટા શહેર માકાસર સુધી મહેસુસ થઈ પાલુના લગભગ ૧૭૫ કિમી દુર તોરાજામાં ભુકંપનો છેલ્લો આંચકો ખુબ જ તીવ્ર હતો.

મહત્વનું છે કે ઈન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતિના કારણે ભુકંપનો ખતરો દરેક સમયે રહે છે. ડિસેમ્બર ૨૦૦૪માં પશ્ર્ચિમ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો અને તેના પગલે આવેલી સુનામીમાં મહાસાગર ક્ષેત્રમાં આવેલા કેટલાક દેશોમાં ૨,૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.

જયારે હવે ઈન્ડોનેશિયામાં ભુકંપ સુનામીને દસ દિવસથી પણ વધારે સમય વીતી ગયો છે ત્યારે કેટલીય રેસ્કયુ ટીમ કામે લાગી ગઈ અને લાપતા લોકોની શોધખોળ કરી રહી હતી જોકે આટલા દિવસો વિતી ગયા બાદ કાટમાળ નીચે દબાયેલા હજારો લોકોની ભાળ ન મળતા તેમને મૃતપ્રાય ગણવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.