Abtak Media Google News

જામજોધપુર અને કાલાવાડમાં અર્ધો ઈંચ વરસાદ

લોધિકા, જૂનાગઢ, ટંકારા, વિંછીયા, ગારીયાધાર, રાજકોટ, જસદણ સહિતના ગામોમાં હળવા ઝાપટા

નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા તરફ આગળ ધપી રહ્યું છે. રાજયમાં માત્ર ૭૪.૦૩ ટકા જ વરસાદ પડતા રાજયના મોટાભાગના જળાશયો ખાલી બન્યા છે. ભાદરવા માસમાં પાછોતરો સારો વરસાદ પડે તેવી ખેડુતોને આશા છે. ત્યારે મેઘરાજા મનમૂકીને વરસવાનું નામ લેતા નથી. સોમવારે રાજયમાં કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાથી લઈ પોણો ઈંચ જેટલો વરસાદ પડયો હતો ગીરનાર પર કેટલાક વિસ્તારોમાં એકથી લઈ અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૮ જિલ્લાનાં ૧૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં જામજોધપૂરમાં ૧૦ મીમી, કાલાવાડમાં ૧૦ મીમી, લોધીકામાં ૮ મીમી, જૂનાગઢમાં ૮ મીમી, ટંકારામાં ૬ મીમી, વીંછીયા ૫ મીમી, ગારીયાધારમાં ૫ મીમી, રાજકોટમાં ૪ મીમી, જસદણમાં ૨ મીમી, માળીયામાં ૨ મીમી વરસાદ વરસ્યો હતો. ચોમાસાની સીઝન હાલ વિદાય લેવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે રાજયમાં મૌસમનો ૭૪.૦૪ ટકા વરસાદ પડયો છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૪.૯૭ ટકા વરસાદ વરસ્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં માત્ર ૬૧.૬૬ ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૭.૧૬ ટકા, ઉતર ગુજરાતમાં ૩૯.૩૩ ટકા જ વરસાદ પડયો છે. રાજયમાં ચોમાસાની સીઝનમાં ૨૬ ટકા જેવો ઓછો વરસાદ પડતા ઉનાળામાં જળ કટોકટીના એંધાણ વર્તાય રહ્યા છે.

રાજયના મોટાભાગના જીલ્લાઓમાં જળાશયોની હાલત ચિંતાજનક છે. અમુક જળાશયોને બાદ કરતા એક પણ જળાશયમાં આખુ વર્ષ ચાલે તેટલુ પાણી નથી અમુક જિલ્લાઓમાં ચોમાસામાં પણ પાણીની કટોકટી વર્તાયરહી છે. આવામાં દિવાળી બાદ રાજયમાં પાણીની તીવ્ર અછત સર્જાવાની દહેશત જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.