Abtak Media Google News

ન્યારીની રાવકી પાસેથી ૬ કિ.મી.ની અલગ લાઈન દ્વારા ભાદરમાં પાણી પહોંચશે: ભાદર સ્ત્રાવ વિસ્તારના ૨૫ જેટલા નાના અને ૬ થી ૭ મોટા ચેકડેમો અને ગોંડલનું વેરી તળાવ ભરાયા બાદ ભાદરમાં પાણી પહોંચશે

સૌની યોજના અંતર્ગત તાજેતરમાં આજી-૧ ડેમને નર્મદા નીરથી ભરવામાં આવ્યા બાદ હવે રાજકોટના જ ડેમમાં નર્મદાના નીર ઠલવવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ડેમમાં રાવકી થઈ નર્મદાના નીર પહોંચી ગયા છે. આ નર્મદા નીરના વધામણા પણ થઈ ગયા છે. જામનગર ખાતે આજરોજ યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

દરમિયાન આજી-ન્યારી બાદ હવે રાજકોટ, જેતપુર અને ગોંડલને પાણી પૂરુ પાડતા સૌરાષ્ટ્રના સૌથી વિશાળ એવા ભાદર-૧ ડેમમાં પણ ટૂંક સમયમાં ખાસ પાઈપ લાઈન મારફતે નર્મદાના નીર પહોંચાડવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હોવાનું સિંચાઈ ખાતાના ઉચ્ચસ્તરીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગેની સિંચાઈ ખાતાના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સૌની યોજનાની લીંક-૩ અને પેકેજ-૫ અંતર્ગત સૌરાષ્ટ્રના ભાદર-૧, ભાદર-૨, ઉંડ-૩ અને ઉંડ-૪ ડેમો નર્મદાના નીરથી ભરવાના છે. લીંક-૩ અને પેકેજ-૪ અંતર્ગત આજી ડેમનું કામ તાજેતરમાં પૂર્ણ થયું છે અને પેકેજ-૫ અંતર્ગત પણ નર્મદાના નીર ઠલવવાનું શરૂ થઈ ગયું છે. હવે લીંક-૩ અને પેકેજ-૫ અંતર્ગત ભાદર-૧ ડેમને પણ નર્મદાના નીરથી ભરવાની કામગીરી પુરજોશથી હાથ ધરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લીંક-૩ અંતર્ગત ભાદર-૧ ડેમમાં વધીને પખવાડિયાની અંદર નર્મદાના નીર છોડવાની કામગીરી શ‚ કરવામાં આવે તેવા નિર્દેશો છે. ભાદર-૧ ડેમમાં નર્મદા નીર કઈ રીતે પહોંચાડાશે તે અંગેની વિગતો મુજબ વાળી જે ૨૧ કિ.મી.ની લાઈન છે તેમાંથી રાવકી પાસેથી એક જુદી લાઈનનો કટકો કરવામાં આવે છે. આ છ કિ.મી.ની ૨.૬ ડાયામીટરની લાઈન દ્વારા ભાદર ડેમમાં પાણી છોડવામાં આવવાનું છે.

એવી વિગતો સાંપડે છે કે, ડેમથી શ‚ થતી આ છ કિ.મી.ની વધારાની લાઈન પૂરી થયા બાદ વચ્ચે આવતા ભાદર નદીના ૨૫ જેટલા નાના ચેકડેમ અને ૬ થી ૭ જેટલા મોટા ચેકડેમ અને ગોંડલનું વેરી તળાવ સૌપ્રથમ નર્મદાના નીરથી ભરાશે ત્યારબાદ ત્યાંથી ભાદર-૧ ડેમમાં પાણી પહોંચશે. ભાદર-૧ ડેમ માટે પાણી છોડવાની શરૂઆત થાય તે દિવસથી લગભગ ૫ થી ૬ દિવસ બાદ ભાદરમાં નર્મદા નીર પહોંચશે. સિંચાઈ ખાતાના ઉચ્ચ સ્તરીય સુત્રોના જણાવ્યા મુજબ ભાદરમાં લગભગ પખવાડિયા દરમિયાન જ નર્મદાના નીર પહોંચે તેવી હાલ પુરતી તૈયારી કરી લેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.