Abtak Media Google News

પોલીસ સ્ટેશનથી પંચ રફુચકકર થયા અને હોસ્પિટલમાંથી ડોકટર પલાયન થતા વિકટ બનેલી સ્થિતિ વચ્ચે પી.એસ.ઓ.એ એફ.આઈ.આર.નો સમય લખવામાં ભૂલ કરી

સીપીઆઈ દીનકરે સુરેન્દ્રનગર જઈને પાછા આવી ફોજદાર જયદેવને જ જીપ પાસે બોલાવી જીપમાં બેઠા બેઠા જ વાત કરી કે તેઓ સુરેન્દ્રનગર પોલીસ વડાની કચેરીએ ગયેલ ત્યારે જાણવા મળેલું કે કંટ્રોલ રૂમે મુળીમાં પોરબંદરના સાંસદ દારૂ પીધેલ હાલતમાં પકડાયા છે. તે સમાચાર સાંભળીને કે કોણ જાણે પોલીસ વડા તેમની કાર લઈને દૂર ગ્રામ્ય વિસ્તારમાં ચાલ્યા ગયેલા. આથી પોતે હોમ પોલીસ ઈન્સ્પેકટર ચુડાસમાની પાસે જતા હજુ પોતે કાંઈ બોલે વાત કરે તે પહેલા જ ચુડાસમા ચોંટી પડયા કે શું અહી ભાગીને આવી ગયા છો જાવ તમારા વિસ્તારમાં અહિ તમારૂ શું કામ છે?

આથી દીનકર પાછા વળતા હતા. પરંતુ પોલીસ વડાની કચેરીમાં કર્મચારીઓ અને પોલીસ દળના માણસોના ટોળા વળેલા હતા તેમાંથી જીલ્લાની એલઆઈબી (લોકલ ઈન્ટેલીજન્ટ બ્રાંચ)ના ફોજદાર ધર્મેન્દ્રસિંહ ગોહિલે હોમ પીઆઈ ચુડાસમાને કહ્યું કે સીપીઆઈ દીનકર જોડે હું મૂળી જાઉ છું અને ચુડાસમા વિફર્યા અને કહ્યું કે ત્યાં તમારૂ શુ કામ છે? નથી જવાનું અને હું ના પાડુ છું છતા જાશો તો મારા હુકમનાં અનાદર માટે ની ઈન્કવાયરી માટે તૈયાર રહેજો !! દીનકરે કહ્યું કે ખરા છે આ એચ.પી.આઈ. ચુડાસમા મને સાંભળવાને બદલે મને અવળા ચોંટી પડયા, દીનકરે જયદેવને કહ્યું હવે તમારે આ મામલાનું જે કાંઈ કરવું હોય તે કરી નાખજો હું થાનગઢ જાઉ છું. જયદેવે કહ્યું કે પોલીસ સ્ટેશનની જીપ રીપેરીંગમાં છે. અને હવે કાયદેસર કાર્યવાહીના ભાગ રૂપે આ પાંચેય મહાનુભાવ આરોપીઓને સરકારી દવાખાને લઈ જવા પડશે માટે તમો અહી રહો અમે તમારી જીપનો ઉપયોગ કરી શકીએ પરંતુ દીનકરે કહ્યું કે તે તમારો પ્રશ્ર્ન છે. મારે જરૂરી ઈન્કવાયરી છે. થાનગઢ જવું જ પડશે અને જીપ સ્ટાર્ટ થતા જ ત્યાં એકઠા થયેલા લોકોએ રાડો પાડી હુરીયો બોલાવ્યો ત્યાં જીપે સ્પીડ પકડી લીધી અને ગઈ નોન સ્ટોપ થાનગઢ.

ત્યાંજ સુરેન્દ્રનગરથી અપ-ડાઉન કરતા મુળી એલ.આઈ.બી.ના જમાદાર હસુભાઈ રાવળ પોલીસ સ્ટેશનમાં આવી જતા જયદેવે એક પોલીસ વડાના નામની યાદી તૈયાર કરી આપી જેમા તેણે વડી કચેરીમાંથી સંસદ સભ્યની ધરપકડ થાય તો પાર્લામેન્ટનાં સ્પીકરને જાણ કરવાની હોય છે. તેનું ખાસ ફોર્મ હોય છે. જે ભરીને ૨૪ કલાકમાં પહોચાડવાનું હોય છે.તે મંગાવ્યું આથી હસુભાઈ રાવળે કહ્યુંં કે આ ગયો ને આ આવ્યો સમજો ને?

બીજી બાજુ જયદેવ સામે અનેક વિકરાળ પ્રશ્ર્નો મોઢુ ફાડીને ઉભા હતા સૌથી મોટો પ્રશ્ર્ન તો આ બહુ મોટા રાજકીય મહાનુભાવનો (સેલીબ્રીટી) કેસ, પછી સ્ટાફ છૂમંતર થઈ ગયો, તે પછી ખાતાની વડી કચેરી તથા અધિકારીઓનો વણધોષીત અસહકાર, વાયરલેસ સેટ સુધ્ધા બંધ કર્યો, પોલીસ સ્ટેશનની જીપ પણ નહિ સેલીબ્રીટી આરોપીઓને સરકારી દવાખાને કેમ લઈ જવા એ પણ મોટો પ્રશ્ર્ન હતો.

ભૂતકાળમાં મુળી પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં બંધ એક દારૂ પીધેલ આરોપીને મુળીના દરબારો ટોળા બંધ આવી પોલીસ સ્ટેશનમાં એક જીલ્લા કક્ષાના પોલીસ અધિકારી હાજર હોવા છતા દારૂડીયાને લોકઅપમાંથી કાઢીને દાદાગીરીથી લઈ ગયા હતા. જયારે અત્યારે તો સીપીઆઈ દીનકરે જ વગર કારણે શાંત ટોળાને ઉશ્કેર્યુ હતુ. પરંતુ જયદેવની એક સજજન અને કડક અધિકારીની છાપને કારણે તેઓ ઉશ્કેરાટ પછી પણ શાંત રહ્યા હોય તેમ લાગતુ હતુ.

ફોજદાર જયદેવ ઉપર જણાવ્યા પ્રમાણે ચારે બાજુથી ઉભા રહેલા પ્રશ્ર્નોને કારણે માનસીક રીતે ભયંકર તનાવમાં હતો.ખાસ તો ખાતાના અધિકારીઓના અસહકાર ને કારણે જયદેવને એવું લાગતું હતુ કે પોતે તો આ મામલો જેમ તેમ કરીને પૂરો કરશે પરંતુ આ રાજકારણીઓ અને ખાતાના જ અધિકારીઓ ભેગા મળીને હવે તો તેનો ‘ઘડોલાડવો કરી નાખશે’

આ બાજુ મુળી તાલુકા પંચાયતમાં મોટા ઉત્સવ જેવો આનંદ અને માહોલ હતો. પ્રમુખ બનારાજાને એમ હતુ કે હવે પોતાને પૂરી આઝાદી અને પૂરી સત્તા મળશે. હવે ફોજદાર જયદેવને કોઈ બચાવી શકશે નહિ. ભલે જયદેવનું બીજુ કાંઈ થાય કે ન થાય પણ તેની બદલી તો હવે પોલીસ વડા એ કરવી જ પડશે અને જયદેવની બદલી થાય એટલે આપણે રાજા ! આથી બનારાજા ખૂબ ખુશ હતા. પરંતુ લંકામાં પણ જો વિભીક્ષણ જેવા સાત્વીક લોકો વસતા હોય તો આ તો માંડવરાયજી ભગવાન અને સ્વામીનારાયણ ભગવાનનું ધામ ગામ મુળી અહિં સાત્વીક લોકો વધારે હતા આવા રાજકારણીને બાદ કરતા. તેઓને જયદેવ પ્રત્યે પુષ્કળ પ્રેમ અને લાગણી હતી. અનુભવે જણાવ્યું છે કે સજજન અને સાત્વીક લોકોનો મત અને અભિપ્રાય બહુ જાહેર નથી થતો પરંતુ દુર્જન અને નકારાત્મક લોકો રાડો પાડી પાડીને પોતે સાચા અને સમાજમાં બહુમતીમાં હોવાનો ખોટો દેખાડો કરતા હોય છે.

જયદેવે હવે કાયદેસરની કાર્યવાહી કરવાની જ હતી તેથી જકાતનાકે જઈ બે પંચોને લઈ આવ્યો અને પંચનામાની ટુંક વિગત સમજાવી આરોપીઓને બતાવ્યા તથા રાયટર કોન્સ્ટેબલ જયુભા પાસે બેસાડયા. અને સરકારી દવાખાને ફોન કર્યો તો ડોકટર હાજર જ હતા. જેથી જયદેવે આરોપી રણછોડ ખારવા કે જે પીધેલો નહતો તેને તેની જ કાર લઈ લેવા જણાવ્યું અને પોતે તથા શરદભાઈ અને મનુભાઈ તથા કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ને કારમાં બેસાડયા તથા બીજા આંટે ધીરૂભાઈ ઠકરાર તથા હસમુખભાઈ ચોટાઈને લઈ જવાનું નકકી કરી કાર નંબર જી.જે.ઓ ૮૦૫૪માં જ રવાના થતા પીએસઓ શકિતસિંહ તથા જયુભાને બાકીના બે આરોપીઓનો હવાલો સોંપ્યો. આગલી સીટમાં જયદેવ પોતે બેઠો અને પાછળની સીટમાં પ્રતાપસિંહ તથા શરદભાઈ ભાઈ અને મનુભાઈ બેઠા એ રીતે મુળી સરકારી દવાખાને આવ્યા.

સાંસદ શરદભાઈ તો કારમાંથી ઉતરીને ડોકટરની ચેમ્બરમાં આવી ગયા પરંતુ મનુભાઈને દારૂનો નશો ખૂબ ચડયો હોય કે ઈશ્ર્વર જાણે તેમણે નાટક ચાલુ કર્યું તેમણે કહ્યું કે હું ચાલી શકતો નથી. તમારી રીતે તમે મને દવાખાનામાં લઈ લ્યો આ મનુભાઈનું શરીર અતિ ભારે હોય તેમને ઉંચકવા માટે ઓછામાં ઓછા પાંચ છ માણસો તો જોઈએજ. દવાખાનામાં હજુ કોઈ માણસો આવ્યા નહતા. જયદેવની ધીરજ અને સહન શકિત બંને પૂરા થઈ ગયા હતા. તેથી છેલ્લી વખત કહ્યું કે ‘મનુભાઈ ભલા થઈને ચાલોને’ પરંતુ મનુભાઈ ‘ટસના મસ’ ન થયા ન ચાલ્યા તે ન જ ચાલ્યા. જેથી જયદેવે પ્રતાપસિંહને કહ્યું કે એક હાથ તમે જાલો અને એક હાથ હું જાલુ હવે તેમને ચાલવું જ નથી પછી શું થાય? તેમ કહી બંનેએ મનુભાઈને કારમાંથી ખેંચ્યા અને બહાર લાવ્યા અને થોડે સુધી ઢસડતા જ તેઓ ઉભા થઈ ગયા અને ડોકટર પાસે આવીને બેસી ગયા જયદેવે ડોકટરને આરોપીઓની દારૂ પીધા અંગેની શારીરીક મેડીકલ તપાસણી કરવા માટેનો યાદી રીપોર્ટ આપ્યો. અને ડોકટરે તે લઈ સહી કરી પ્રતાપસિંહે ઓસી. પોતા પાસે રાખી લીધી.

શરદભાઈએ મનુભાઈને કહ્યું ‘મનુ હવે નાટક બંધ કર, આપણે આ પોલીસ સાથે શું વાંધો તકરાર છે? હવે એક દિવસ મોડા તો મોડા અહિંથી જલ્દી છૂટવું જ વધુ અગત્યનું છે. જયદેવ બંનેને ડોકટર પાસે બેસાડી તેમની સાથે પ્રતાપસિંહ ને રાખીને તે જ કાર અને રણછોડ ખારવાને લઈ પોલીસ સ્ટેશને આવ્યો.

પોલીસ સ્ટેશને જયદેવ આવ્યો એટલે જયુભા એ કહ્યું કે તમે ગયા પછી તમે લાવેલ બંને પંચોને વાછુટ થવા લાગી હતી અને ના પાડતા છતા નાસી ગયા છે. જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ પછી વાત અને ધીરૂભાઈ તથા હસમુખભાઈને લઈને તેકારમાં જ દવાખાને આવ્યો તો કંપાઉન્ડર બાલુભા એ કહ્યું કે ડોકટરને એક ઈમરજન્સી આવી ગઈ એટલે વિજીટમાં ગયા છે. કયાં ગયા તે ખબર નથી. જયદેવે જોયું તો હોસ્પિટલમાં પણ લોકોના ટોળાવળી ગયા હતા અને તેને એવું લાગ્યું કે આ તો ડોકટરનો પણ અસહકાર લાગે છે. તે બરાબર મુંજાયો ત્યાં પ્રતાપસિંહે કહ્યું સાહેબ કાંઈ વાંધો નહિ તપાસણીની યાદીમાં ડોકટરે સહી કરી દીધી છે. પછી શું? હું અહીં બેઠો છું ત્યાં સુધી માં તો ડોકટર ઉપર કોઈ ફોન પણ આવેલ નથી અને કોઈ બોલાવવા પણ આવેલ નથી! પરંતુ ડોકટરને આ મનુભાઈએ એક બાજુ લઈ જઈ કાંઈક ખાનગીમાં વાત કરી હતી અને લગભગ કાંઈક વહીવટ થઈ ગયો છે તેથી આ બધા નાટક છે. ત્યાં બાલુભા બોલ્યા ના ના ના એવું નથી હમણા આવી જશે.

દરમ્યાન પોલીસ સ્ટેશનેથી જયુભાએ ફોન કર્યો કે હું બીજા બે પંચો લાવ્યો હતો તે પણ ડરનાં માર્યા નાસી ગયા છે. જયદેવને હવે પોલીસ સ્ટેશને શા માંજવું તે પણ પ્રશ્ર્ન હતો. ત્યાં કોઈ વાહન કે મોટર સાયકલ પણ નહતુ જયદેવે પ્રતાપસિંહને હોસ્પિટલનો હવાલો સોંપી પોતે ચાલતો જ ખાંચા ગલીમાં થઈ ત્રીકમપરામાં થઈ પોલીસ સ્ટેશને પહોચી ગયો પંચનામુ લગભગ પૂરૂ થયું હતુ અને સૂચના મુજબ બરાબર લખ્યું હતુ. જયદેવ જકાત નાકે આવ્યો પણ ત્યાં કોઈ ખાસ ભણેલા માણસો (પંચો માટે) હતા નહિ તેથી તેણે વિચાર્યું કે હોસ્પિટલનાં મેદાનની એકઠી થઈ છે. તેમાંથી બે પંચ શોધી લઉ તેથી મોટર સાયકલ લઈ હોસ્પિટલમાં આવ્યો આ મેદનીની આગેવાની સાંસદ ભરતભાઈના મિત્ર નિવૃત જમાદારના ભાઈ અને મુળીના માજી સરપંચની હતી માજી સરપંચને એ વાત નું દુ:ખ હતુ કે તેમના ઘરનાં મહેમાન ઉપર જ કેસ થયો હતો. છતા આ મેદનીમાંથી જયદેવે બે યુવાનોને શોધીને સાથે લઈ ડોકટરની ચેમ્બરમાં આવ્યો અને બંને પંચોને આરોપીઓની ઓળખ આપી પોલીસ સ્ટેશને રવાના કર્યા પરંતુ કમનશીબે તેઆ પોલીસ સ્ટેશને પહોચ્યા જ નહિ. જયદેવ પાછો જકાત નાકે આવ્યો ઈજારદાર મહિપતસિંહ હાજર હતા. તેમની સાથે જયદેવે પંચ બાબતે વાત કરી તો તેમણે કહ્યું કે તમે સૌ પહેલા જે બે પંચોને પોલીસ સ્ટેશને લઈ ગયેલા તે પંચો ત્યાંજ હતા અને તમે કાંઈક કામકાજમાં આડા અવળા હતા તે વખતે પેલા જાડીયા મનુભાઈ હતા તેમણે કફનીમાંથી થોકડી કાઢી તેની સાથે વ્યવહાર કરી નાખતા તે ચાલ્યા ગયા છે તેવી મને ખબર પડી છે હવે આ પંચની બબાલમાં કોઈ પડશે નહિ તેથી એમ કરો પંચમાં મારૂ નામ અને આ હાજર દીલુભા દાનુભાનું જ નામ લખી નાખો. તેથી જયદેવે કહ્યું ચાલો પોલીસ સ્ટેશને અને પંચનામાનું કામ પૂરૂ થયું.

જયદેવે એફ.આઈ.આર.ના ડ્રાફ તૈયાર કરી દીધેલા તે પ્રમાણે જયુભા નવેસરથી લખી ને એફ.આઈ.આર. તૈયાર કરતા હતા પ્રથમ ગુન્હો પાંચેય આરોપીઓનો સંયુકત કબ્જાનો એફ.આઈઆર.ઉપરથી દાખલ કરવાનો હતો તે પછી પંચનામા ના પેરેગ્રાફ મુજબ જેના નામ આવે તે પીધેલની એફ.આઈ.આર. ઉપરથી ગુન્હા દાખલ કરવાના હતા. તે પ્રમાણે કોન્સ્ટેબલ જયુભા તથા પીએસઓ શકિતસિંહને સમજાવી ને દર દસ કે પંદર મીનીટનો સમય ગાળો રાખી ચારેય એફઆઈઆર ઉપરથીક્રમ બધ્ધ ગુન્હા દાખલ કરવા કહ્યું.

અને જયદેવ પાછો હોસ્પિટલમાં આવ્યો પરંતુ હજુ પણ ડોકટર આવ્યા ન હતા. જયદેવે વિચાર્યું કે જો વાહન હોત તો આ તમામને સાયલા કે સુરેન્દ્રનગર લઈ જાત છતા જયદેવે આરોપીઓને જ સુરેન્દ્રનગર કે સાયલા મેડીકલ તપાસણી કરાવવા જવાનું કહેતા તેમણે કહ્યું અમારે અહી મુળીમાં જ મેડીકલ શારીરીક તપાસણી કરાવવી છે.

થોડીવારે પોલીસ સ્ટેશનેથી જયદેવ ઉપર પાછો ફોન આવ્યો કે તમે તાત્કાલીક પોલીસ સ્ટેશને આવી જાવ. જયદેવ પાછો પોલીસ સ્ટેશને ગયો ત્યાં જમાદાર શકિતસિંહ ગભરાયેલા અને પરસેવે રેબઝેબ હતા જયુભા તેમને કહેતા હતા કે તમને ક્રમવાર એફ.આઈ.આર. આપી હતી તો પછી તે આગળ પાછળ કેમ થઈ ગઈ? શકિતસિંહે કહ્યું કે એફ.આઈ.આર. હવાથી ઉડી જતા એકઠી કરી તેમાં આડીઅવળી થઈ ગઈ હતી. શકિતસિંહની મનોદશા જાણે માજી ફોજદાર ગોસાઈએ બાબુભૈયા વાળી ખોટી એલીબીની કાર્યવાહી કરેલી તેવી જ ભુલ કરી હોય તેવી હતી.

જયદેવે જોયું તો વાતમાં કોઈ માલ ન હતો. વાત એમ હતી કે જે પંચનામા પ્રમાણે પેરેગ્રાફ પ્રમાણે એફ.આઈ.આર. ઉપરથી ક્રમવાર ગુન્હા દાખલ કરવાના હતા. તેને બદલે હવાથી ઉડી જતા ક્રમ વિખરાઈ ગયેલોઅને બીજા ક્રમે જે ગુન્હો નોંધવાનો હતો તેને બદલે ત્રીજા ક્રમની એફ.આઈ.આર. વાળો ગુન્હો દાખલ થઈ ગયો હતો અને ત્રીજા ક્રમની એફ.આઈ.આર.માં દાખલ ટાઈમ બીજી એફ.આઈ.આર.નો લખાઈ ગયો હતો અને તે એફ.આઈ.આર. અને ગુન્હાની નોંધ કોર્ટમાં પણ મોકલી દીધી હતી ફકત ટેકનીકલ ભૂલ જ હતી. પરંતુ શકિતસિંહ ભયંકર ડીપ્રેશનમાં આવી ગયા હતા. કેમકે આરોપી મહાનુભાવ સાંસદ હતા અને આ ભૂલથી ઉપરી અધિકારીઓ તેમને ખાઈ જવાના હોય તેમ ડરી ગયા હતા કેમેય શાંત થાય નહિ જયદેવને પણ મનમાં ઉચાટ તો હતો જ કે પાછળથી અધિકારીઓ પોલીસ કર્મચારીઓએ જ ગુન્હો કર્યો હોય તેમ કેસ કાગળોનું પોસ્ટ મોર્ટમ કરશે કે આ નથી કર્યું પેલુ નથી કર્યું આ આમ કરવાની જરૂર હતી તેમ કરવાની જરૂર હતી. વિગેરે પરંતુ જો આજ અધિકારીઓ આવા સંજોગોમાં આવું પણ કામ કરી બતાવે તો ખરા બાકી ખોટું. કોઈ પણ કાર્ય સમય મર્યાદાનું હોય અને ગંભીર હોય તેમાં ઉતાવળનું પ્રમાણ ભળે તો કાંઈક તો ભૂલ થાય જ પરંતુ તે પ્રમાણીક ભૂલ (બોનાફાઈડ) કહેવાય તેને અણદેખ્યું (ઈગ્નોર) કરવું જોઈએ પરંતુ પોલીસ ખાતામાં તો તેને પણ ભયંકર દ્રષ્ટીથી જ જોવામા આવે છે. આથી શિકતસિંહ સાવ મુંજાઈ ગયા હતા.

જયદેવ પોતે પણ આ આરોપીઓની મેડીકલ તપાસણીની ઉપાધીમાં હતો ડોકટરનો કોઈ અતો પતો લાગતો નહતો અને આરોપીઓને ફકત કોન્સ્ટેબલ પ્રતાપસિંહના ભરોસે મૂકીને આવ્યો હતો. હવે શકિતસિંહના હાથ જ ત્રીજી એફઆઈઆર ઉપરથી ગુન્હો દાખલ કરવામાં લખવામાં ચાલતા નહતા તેવા નર્વસ થઈ ગયા હતા. મુળી કોર્ટ પોલીસ સ્ટેશનન સામે જ રસ્તો ઓળંગતા આવેલ હતી જયદેવે શકિતસિંહને પુછયું કે કોર્ટની નકલમાં શું સુધારો કરવો છે તો તેમણે કહ્યું દાખલ ટાઈમજે ક ૧૧.૩૦ છે તેને બદલે ૧૧.૪૦ કરવાનો છે. જયદેવે કહ્યું હું કોર્ટમાં જાઉ છું અને સુધારો કરી દઉ છું. પરંતુ તે તો પહેલા જયારે ભુલ થઈ ત્યારે જ શકિતસિંહ દોડીને કોર્ટમાં સંબંધીત કલાર્ક પાસે ગયેલા અને આ સમયમાં સુધારો કરવા દેવા વિનંતી કરેલી પરંતુ તે કલાર્કે સ્પષ્ટ ના પાડેલી કે હવે સુધારો ન થાય તેથી શકિતસિંહને હવે કોઈ ઉપર વિશ્ર્વાસ ન હતો. જો કે મનોમન તો શકિતસિંહ જયદેવને પણ ગાળો દેતા હશે કે આ ફોજદાર આવા ને આવા ‘સાપ પ કડવાના જ ધંધા’ કરે છે.તેથી તેમણે કહ્યું કે હું તમારી સાથે આવું ને જાતે સુધારો જોઉ તોજ મારા જીવને શાંતિ થાય ! પરંતુ જયદેવના જીવને કોણ શાંતિ આપે? જયદેવ અને શકિતસિંહ કોર્ટમાં આવ્યા.પ્રથમ તો પેલા કલાર્કે તે એફ.આઈ.આર.જ જોવા દેવાની પણ ના પાડી તેથી જયદેવે યુકિત પૂર્વક કહ્યું કે જે છે તે બરાબર જ છે. પરંતુ તેના ઉપરથી બીજી ભૂલ ન થાય તે માટે ફકત જોવી જ છે. જેથી કલાર્કે કબાટમાં સંતાડેલી એફ.આઈ.આર. કાઢી,ત્યાં જયદેવેબોલપેન તૈયાર જ રાખેલી જેવી એફ.આઈ.આર. ટેબલ ઉપર રાખી તેથી જયદેવે તે વાંચવા લીધી હોય તેવો દેખાવકર્યો અને તેની પાસેની બોલપેન વડે સમયના કોલમમાં જે ૧૧.૩૦ હતા તેમાં ઓવર રાઈટીંગ કરી તેની ઉપર જ લખી નાખ્યો એટલે ૧૧.૪૦ જેવુ થઈ ગયું કલાર્કે કહ્યું હં…હં.. પરંતુ ત્યાં તો જયદેવે એફ.આઈ.આર. પાછી આપી દીધી અને બોલ્યો આની કાંઈ જરૂર હતી નહી અને છે પણ નહી આથી શકિતસિંહના ‘જીવમાં જીવ આવ્યો’ જાણે મોટી આફત ટળી હોય તેમણે આગળ બીજા ગુન્હા નોંધવાનું શરૂ કર્યું જયદેવે ને આવું કર્યાનો અફસોસ તો થયો પરંતુ તેના માટે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. યુધ્ધના સમયે જેમ અશ્ર્વસ્થામા મરાયો નરોવા કુંજરોવા તેમ તેના માટે અત્યારે તો આ યુધ્ધ જ હતુ.

તેવામાં બાતમીદારે આવીને હકિકત આપી કે અમદાવાદના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા ભટ્ટ અમદાવાદથી તેમની ગાડી લઈ મુળી આવી ગામમાં એક બે જગ્યાએ આંટો મારી શું ચાલી રહ્યું છે. તેની માહિતી મેળવી પાછા ચાલ્યા ગયા છે ! જયદેવ ‘બાર સાંધતો હતો ત્યાં તેર તુટતા હતા’ જેવી પરિસ્થિતિ થતી હતી પરંતુ તે અડીખમ ઉભો જ હતો!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.