Abtak Media Google News

Table of Contents

ભેંસ ભડકામણા હશે કે ખેદાનમેદાન હશે બધું જ હમણાં સુધી કર્યું-કરાવ્યું ? અરાજકતા, અંધાધુંધી, આડેધડ અફડાતફડીઓ અને અધમતા-અનાચારનાં શંભુમેળાઓ ? દેશ દ્રોહી તત્વોના નિરંકુશ શાસનની પણ આવતી ગંધ ! પક્ષ પલ્ટાઓની હલકટ ઘટનાઓ માઝા મૂકવાનાં સંકેતો અને ચીભડાંની ગાંસડી સમી સરકાર જોવા મળે તો નવાઈ નહિ !

દેશને અને કદાચ આખી દુનિયાને ખાનાખરાબીના ખપ્પરમાં ધકેલીને જ કોરોના વાયરસ છોડશે એવા ચિન્હો વચ્ચે જો ધર્મક્ષેત્ર તથા ધરમના થાંભલાઓ સમયસર નહિ જાગે અને તેમનો રાષ્ટ્રધર્મ નહિ બજાવે તો અધાર્મિકતા ઘર કરી જવાની તથા હિન્દુ સંસ્કાર અને આપણી વૈદિક સંસ્કૃતિ વધુને વધુ છિન્ન વિછિન્ન થઈ જવાની સ્થિતિ પેદા થશે: પ્રજાનો જુસ્સો લડખડાશે: આત્મબળ મનોબળ અને ઈચ્છા શકિતથી કોઈ સમાજ મરવા જઈ શકે નહિ: એને સાબૂત રાખ્યે જ છૂટકો છે !

અત્યારે જેમ જેમ દિવસો વિતે છે તેમ તેમ એવી દહેશત વધતીજાય છે કે આગામી ત્રણ ચાર અઠવાડિયા પછી આપણા દેશનાં સામાજિક અને રાજકીય રંગઢંગ કેવા હશે? ભેંસ ભડકામણાં હશે ? કાબરચીતરા હશે? બેઢંગા હશે ? કે પછી એને પાછા સારી રીતે ઠેકાણે પાડવામા લોકોની ધીરજ ખૂટી જાય એવા ગંદા ગોબરા હશે ?

કદાચ એમાં ચૂંટણીને લગતી ભૂલભૂલામણી પણ ઉપસે ! એક એવો ભય પણ રહે છે કે, એક બે મહિના પછી અર્થાત ત્રણ ચાર અઠવાડિયામાં જ આ દેશમાં આર્થિક રાજકીય અરાજક્તા સર્જાશે. એ ઉપરાંત જુદી જુદી જાતની અંધાધૂંધી, અનિશ્ર્ચિતતા, અધમતા અને આડેધડ અફડાતફડીનો શંભુમેળો પણ નિંહાળવા મળે ! એમાં પક્ષપલ્ટાનું અનિષ્ટ વધુ વિકૃત સ્વરૂપનું હશે. એનાં પરિણામે ચીભડાંની ગાંસડી સમી સરકાર પણ જોવા મળે તો નવાઈ નહિ !

નિ:સ્વાર્થ નેતાઓ કદાચ ગોત્યા નહિ જડે.

ઘણુ કરીને ૧૯૬૭માં પક્ષ પલ્ટાનું અનિષ્ટ આરંભાર્યું તે પછી તો એ ઝડપભેર વધતું ગયું.

૧૯૭૦-૭૧ના અરસામાં તો એણે માઝા મૂકી કેટલાકે તો ચાર ચાર પાંચ પાંચ વખત પક્ષ બદલ્યા.

આવા પક્ષપલ્ટાઓથી, એટલે કે આયારામ-ગયારામનાં મતિભ્રષ્ટ રાજકારણથી સરકારો ઉથલી પડવાની સ્થિતિ પણ સર્જાતી રહી.

રાજકીય હલકટાઈ વધતી ગઈ. નાણા, પદ, હોદા વગેરેની આપ-લે સુધ્ધાં ચાલી…

પક્ષપલ્ટાનું આ અનિષ્ટ આટલા વર્ષો પછીયે ચાલુ રહ્યું છે. વધતું ગયું છે. સવારે પક્ષપલ્ટો કરીને શાસક પક્ષમાં જોડાનારને તેજ દિવસે નાણા તથા પ્રધાનપદ, બેઉ મળ્યા હોવાની ઘટનાને હજુ ઝાઝો વખત થયો નથી! રાજયસભાની ચૂંટણીના સંદર્ભમાં પક્ષપલ્ટાની નીતિ રીતિઓ અત્યારે પણ અજમાવાય છે.

સિંધિયાએ મધ્યપ્રદેશમાં કરેલા પક્ષાંતરે તો ભલભલા રાજકારણીઓને ચોંકાવ્યા છે. પોતાના પક્ષના સભ્યોનું જબરી લાંચ દ્વારા પક્ષાંતર કરાવવાની દહેશત વચ્ચે તેમને એક સામટા ચોકકસ સ્થળે લઈ જવાની તાજેતરની ઘટના તો કોર્ટ સુધી પહોચી છે.

દેશને અને દુનિયાને ખાનાખરાબીનાં ખપ્પરમાં ધકેલીને જ કોરોના એમને છોડશે એવું દેખાઈ આવે છે.

ભારતમાં જો ધર્મક્ષેત્ર સમયસર તેનો રાષ્ટ્રધર્મ નહિ બજાવે તો અધાર્મિકતા ઘર કરી જવાની સંભાવનાને નકારી શકાતી નથી. આની સાથે સાથે જ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર વધુને વધુ છિન્નવિછિન્ન થવાની દહેશત રહે છે.

જો એને પૂન: ચેતનવંત કરવા હશે તો મનોબળને, આત્મબળને, ઈચ્છાશકિતને સાબૂત રાખવાના સંજોગો ઉભા કરવા પડશે.

આપણને ફરી ફરીને એમ લખવું પડે છે કે, આપણા દેશમાં મહાત્મા ગાંધીજી અને લોકમાન્ય ટિળક જેવા રૂંવે રૂંવે વતનને સમર્પિત અને નિજી સ્વાર્થ રહિત નેતાઓ નથી. સ્વામિ વિવેકાનંદ જેવા વતનલક્ષી ધર્માત્માઓ નથી. રાજકીય ક્ષેત્ર મોટા ભાગે સત્તાલાલસા, રાજગાદીની ભૂખ અને નિજી સ્વાર્થ વચ્ચે બેહદ સડેલું તેમજ અર્ધુંપર્ધૂંયે રાષ્ટ્રદ્રોહી બન્યું છે. પક્ષાપક્ષીના અતિરેક એને ઝેરી, કલુષિત અને વિવેકશૂન્ય બનાવી દીધું છે.

આપણા દેશનાં વર્તમાન રાજકારણની આ મૂળભૂત છબિ છે. કોરોના વાયરસે જે કાળોકેર સજર્યો છે તે પછી, જયારે પણ એ નેસ્તનાબૂદ થશે તે વખતે અને તે પછી આપણા દેશની હાલત એના તમામ સ્વરૂપોમાં કેવી હશે એ ચોકકસ પણે કહેવું મુશ્કેલ છે. તો પણ એની ‘ઓવરઓલ’ કંગાલિયત બેશક દયાજનક હશે એવું એની હાલની કમજોરીઓ, નિર્બળતા, નિર્વિર્યત અને પંગુતા ઉપરથી અંદાજી શકાય છે !

વડાપ્રધાનના અને ગુજરાત રાજયના રાહતભંડોળની હાલત કૂવામાં નવા પાણીની રાહ જોવાય લગભગ એવી હોવાનું સંબંધિત લોકોની દાનની અપીલો ઉપરથી કલ્પી શકાય છે !

આજની ઘડીએ જેમ કોરોના વાયરસને વહેલી તકે ઝેર કરવાની છે. એટલી જ આ દેશમાં સર્જાનાર આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક શૈક્ષણિક અને વ્યાપાર ઉદ્યોગલક્ષી કટોકટીઓમાંથી પાર ઉતરવાનાં પગલાઓ નિશ્ર્ચિત કરવાની છે.

આપણો દેશ થોડા જ વખત પહેલા વિશ્ર્વની પાંચમી આર્થિક મહાસત્તા બનવાની હરોળે પહોચ્યો છે. અને ગણતરીનાં સમયગાળામાં ‘વિશ્ર્વગુરૂ’ બની જવાની તમન્ના ઘોષિત કરી ચૂકયો છે. ત્યારે, એને આબરૂભેર ટકી રહેવા માટે વિશ્ર્વની સહાય ન ભીખવી પડે એવો માહોલ આ દેશની પ્રજાએ ખડો કરવાનો છે. એમાં લગીરે પાછા ન પડવા માટે હંમેશની જેમ આપણે એક અવાજે ને એક સંપે લોખંડી ઈચ્છા શકિત અને મનોબળ દાખવ્યા વિના નહિ ચાલે. વિલપાવર કમ્સથ વિલીંગનેસ, એ ભૂલવા જેવું નથી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.