Abtak Media Google News

વાઘ આવ્યો રે….. વાઘ આવ્યો…..

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર નજીક નિમગામમાં વાઘે  હુમલો કરતા એક ઘાયલ

વાઘ આવ્યો રે વાઘ આવ્યો કહેવત ખોટી પાડી ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ નિજહાર ગામ પાસે આશરે ૩૦ વર્ષ બાદ પહેલીવાર ફરી એકવાર વાઘ જોવા મળ્યો છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં વાઘ જોવા મળતા હતા પરંતુ ધીમે ધીમે તેમણે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનો આ વિસ્તાર છોડી દીધો હતો.

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ખાતે નંદુરબાર જિલ્લાના નિમગાંવ ખાતે વાઘ જોવા મળ્યો હતો. જેને લઈને ઉત્સાહિત ગામવાળાઓ ભેગા થઈ ગયા હતા. ગામવાળાની હાજરીથી ઉત્તેજીત થયેલા વાઘ ટોળામાંથી ૩૮ વર્ષીય દિનસિંહ કોકણી પર હુમલો કરી જંગલમાં ભાગી ગયો હતો.

વન અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લે ૧૯૯૨માં ડાંગ બોર્ડર પાસે વાઘ જોવા મળ્યો હતો. તાજેતરમાં ફરી એકવાર વાઘ જોવા મળતા નિષ્ણાંતો મુજબ આ વિસ્તારમાં વાઘનું દેખાવું દર્શાવે છે કે તેઓ ફરી એકવાર આ વિસ્તારને પોતાનું ઘર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. વન અધિકારી સુરેશ કેવટના જણાવ્યા મુજબ આ પહેલા પણ ઘણીવાર વાઘના પગલા જોવા મળ્યા છે પણ પહેલીવાર વાઘ પ્રત્યક્ષ દેખાયો છે.

વાઘના દેખાતા કારણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર અડીને આવાલ જંગલ વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગે અંતરીયાળ ગામમાં રહેતા લોકોને જાગૃત કરવાની સાથે સર્વેલન્સ પણ વધારી દીધું છે. તો આ સાથે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના મેમ્બર એચ. એસ. સિંહે જણાવ્યું કે, હવે અમારું પહેલું લક્ષ્ય વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટેનો છે.

જેથી તેઓ ગામમાં રહેતા પાળતું પ્રાણીઓ પર હુમલો ન કરે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘણીવાર વાઘ પોતાનો વિસ્તાર નક્કી કરવા માટે ૩૦૦ કિમી જેટલો લાંબો પ્રવાસ કરતાં હોવાનું પણ વન વિભાગે ઉમેર્યુ હતું.

દરમિયાન ડાંગ જીલ્લામાં વાઘ જોવા મળતા આ સંદર્ભે ગુજરાત વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયાને જાણ કરવામાં આવી છે અને સિંહોના દબદબા વાળા ગુજરાતમાં આગામી શિયાળામાં વાઘનું અસ્તિત્વ ચકાસવા માટે સંતાવાર રીતે ડાંગ-આહવાના જંગલ વિભાગમાં વાઘની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.