Abtak Media Google News

સરકાર ધારે તો મઘ્યમ વર્ગને ખુશ કરવા પેટ્રોલ રૂ.પપમાં પણ આપી શકે

”A National debt, if it is not excessive, will be to us a national blessing”અમેરિકાના બંધારણમાં યોગદાન આપનારા ઇકોનોમિસ્ટ એલેક્ઝાન્ડર હેમિલ્ટનનું આ વિધાન ભારતીય ક્રૂડ ઇકોનોમી માટે બંધ બેસતું છે. ક્રુડતેલનાં વૈશ્વીક ભાવ હાલમાં ભારત જેવા ક્રૂડતેલની આયાત કરતા દેશોની ફેવરમાં છે. હાલમાં બ્રન્ટ ક્રુડતેલ બેરલ દિઠ ૫૭ ડોલર અને WTI ક્રુડતેલ ૪૭ ડોલરની સપાટીએ છે. ઓક્ટોબર-૨૦૧૮માં જ્યારે બ્રન્ટ ક્રુડતેલ ૮૫ ડોલરે પહોંચ્યું ત્યારે દેશમાં હાહાકાર મચી ગયો હતો. એ સમયે રાજકોટમાં પેટ્રોલનાં ભાવ ૮૩ રૂપિયા થયા હતા. અને તમામ અખબારોની હેડલાઇન બન્યા હતા. આજે ત્રણ મહિનામાં જ રાજકોટમાં પેટ્રોલ ૬૬ રૂપિયાથી નીચે મળે છે. આમ તો આખા ગુજરાતમાં લિટરે ૨૦ થી ૪૦ પૈસાનાં ભાવ ફરક સાથે પેટ્રોલ તથા ડિઝલનાં ભાવ લગભગ સમાન હોય છે. એટલે આ ભાવને ગુજરાતનાં ગણી શકીએ.

દેશની ક્રુડતેલની કુલ ખપતનો ૮૦ ટકા હિસ્સો આયાત પર નિર્ભર છે અને ડોલર એક રૂપિયો મોંઘો થાય તો ક્રુડતેલની ખરીદીમાં દેશની તિજોરીને ૮૦૦ કરોડનો નવો બોજ પડે છે. એજ રીતે જો ક્રુડતેલ એક ડોલર મોંઘુ થાય તો પણ આશરે ૮૨૩ કરોડ રૂપિયાનો બોજ વધે છે. તેથી સીધું ગણિત છે કે ક્રુડતેલ જેમ સસ્તું તેમ ભારતની ઇકોનોમીને ફાયદો, એલેક્ઝાન્ડર હેમિલ્ટનની ભાષામાં, સસ્તું ક્રુડતેલ national blessingછે.

૧૯૪૪ ની સાલથી અમેરિકામાં સક્રિય ક્રુડતેલનાં કૂવાની સંખ્યાનાં આંકડા જાહેર કરતી કંપની બેકર એન્ડ હ્યુઝીસે જાહેર કરેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર-૧૮ નાં છેલ્લા સપ્તાહમાં અમેરિકામાં ગેસ તથા ક્રુડતેલનાં કુલ સક્રિય રીગ (તેલના કૂવા)ની સંખ્યા ૧૦૭૫ થઇ છે જે પાછલા સપ્તાહ કરતા આઠનો ઘટાડો સૂચવે છે.  ખાસ કરીને તેલનાં કૂવા ૮૭૭ રહ્યા છે જેમાં આઠનો ઘટાડો થયો છે જ્યારે ગેસના કૂવા અગાઉ જેટલા જ ૧૯૮ રહ્યા છે. ગત સાલ આજ સમય ગાળામાં આ સંખ્યા ૯૨૫ હતી.  જે ૧૫૧ જેટલા કૂવા એક વર્ષમાં વધ્યા છે તેમાં ૧૩૫ ક્રુડતેલના છે. મતલબ કે પડતર થતાં કંપનીઓએ ઉત્પાદન વધાર્યુ છે. આ વધારો નવેમ્બર-૧૮ સુધી રહ્યો હતો. હાલમાં પડતર નહીં થતા આઠ કૂવા નુકસાની ઘટાડવા માટે બંધ થઇ ગયા છે. આ વધઘટને અમેરિકામાં ક્રુડતેલના ઉત્પાદન અને ભાવનું બેરોમિટર માનવામાં આવે છે. 

છેલ્લા બે મહિનામાં ક્રુડતેલનાં તુટતા ભાવથી OPECદેશો પરેશાન છે. આમ તો ગત સાતમી ડિસેમ્બર-૧૮ ના રોજ વિયેનામાં OPECદેશોની થયેલી બેઠકમાં સૌ ઘટતા ભાવ વચ્ચે ક્રુડતેલનું ઉત્પાદન ઘટાડવા સંમત થયા હતા. હવે પછીની OPECની બેઠકની તારીખ એપ્રિલ-૨૦૧૯ નક્કી થઇ છે. પરંતુ ક્રુડતેલનાં ભાવમાં ગાબડાંથી પરેશાન UAE ના ઓઇલ મિનીસ્ટરે જરૂર પડ્યે OPECવહેલી અને એકસ્ટ્રા ઓર્ડિનરી મિટીંગ બોલાવવાની વાત કરી છે. ડિસેમ્બર મહિનાની મિટીંગમાં OPECના સભ્ય દેશો તથા રશિયાએ સર્વસંમતિથી દૈનિક ૧૨ લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કર્યું હતું. જેમાં OPECનાં સભ્ય દેશોનો ફાળો આઠ લાખ બેરલનો હોય છે. પરંતુ આ સમાચારો ક્રુડતેલનાં ઘટતા ભાવો પર બ્રેક લગાવી શક્યા નથી. હવે કદાચ OPEC ઉત્પાદનમાં વધારે કાપ મુકવાનો નિર્ણય કરી શકે છે. આમ કરવાથી ક્રુડતેલનાં વેપાર પર નભતા નાના દેશોની ઇકોનોમી ખોરવાઇ શકે છે. તેથી કદાચ ઉત્પાદન વધુ ઘટાડવાને બદલે ઉત્પાદન કાપનો સમય વધી શકે.  

ગ્લોબલ રેટિંગ એજન્સી S&P એ સાલ ૨૦૧૯ માટેનાં બ્રન્ટ ક્રુડતેલનાં સરેરાશ ભાવનો વરતારો અગાઉનાં ૬૫ ડોલરથી ઘટાડી ૫૫ ડોલર અને WTIનો વરતારો ૬૦ ડોલરથી ઘટાડીને ૫૦ ડોલર કર્યો છે. જો ભારતને આ ભાવે ક્રુડ મળતું રહે તો લાંબા ગાળે ફાયદો થાય. S&P ના મતે OPEC ઉત્પાદનમાં વધારે કાપ મુકે તો પણ ભાવ નહી વધે કારણકે ક્રુડતેલની માગ ઘટવાનું અનુમાન છે. 

સામાપક્ષે ચીનની કોમર્સ મિનીસ્ટ્રીએ આગામી સપ્તાહે બિજીંગમાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર અંગે સમાધાનકારી ફોર્મ્યુલા તૈયાર કરવાની વાત કરી છે. જો આમ થાય તો ક્રુડતેલના ભાવ વધ્યા મથાળે સ્થિર થાય.  સ્થાનિક ગણિત પ્રમાણે જો ૮૫ ડોલરે ક્રુડતેલ ખરીદ્યા બાદ ૮૩ રૂપિયે પેટ્રોલ મળતું હોય તો જ્યારે ૫૫ ડોલરે ક્રુડતેલ ખરીદાય ત્યારે દેશવાસીઓને પેટ્રોલ ૫૫ રૂપિયે મળી શકે. પણ સરકાર એવું કરતી નથી કારણકે ૬૬ રૂપિયે વેચેલા પેટ્રોલ ઉપર ટકાવારીમાં કરવેરા વધારે મળે જે ૫૫ રૂપિયે વેચવા પર ઓછા મળે, આવી જ સ્થિતી પેટ્રોલ પંપ ડિલરોના કમિશનની થાય. વળી રિફાયનીંગ કંપનીઓની પર્ચેસ કોસ્ટ ઘટે પણ ઓપરેશન કોસ્ટ તો એટલી જ રહે છે. તેથી અમુક હદથી નીચા ભાવે પેટ્રોલ વેચવાને બદલે સરકાર અને કંપનીઓ નફો વધારે રળીને પોતાની બેલેન્શીટ મજબુત કરતી હોય છે. આમછતાં માથે ચૂંટણીઓ છે, સરકાર ધારે તો મિડલ ક્લાસને ખુશ કરવા ૫૫ રૂપિયાના ભાવની ખાસ ઓફર આગામી ચાર મહિના માટે આપી શકે છે. જો પેટ્રોલના ઉંચા ભાવ મતદારોને નારાજ કરી શકે તો નીચા ભાવ ખુશ પણ કરી શકે.  કેવાય છે ને જો મારતા વહી તારતા ..!    

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.