Abtak Media Google News

ગજિની નામ રજીસ્ટર  કરાવ્યું : ૧૦૦૦ કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટ મહાભારતનું બાળ મરણ?

આમીર ખાન તેની ફિલ્મો માટે ખૂબ ચૂઝી છે તે સહુ કોઈ જાણે છે. એટલે જ તેને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. જો કે તેણે કોઈ નવી સ્ક્રિપ્ટ પર હાથ અજમાવવાને બદલે પોતાની સુપર હિટ ફિલ્મ ગજિનીના બીજા ભાગમાં કામ કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ આમીર ખાનની અલગ અંદાજ વાળી હેર સ્ટાઈલને કારણે પણ ન્યૂઝ માં રહી હતી.

જી હા આમીર ખાન ફરી એક વાર કડક ડાયેટ પર ઉતરી ગયો છે અને જિમ માં જઈ ને પસિનો વહાવી રહ્યો છે. આ બધી ગજિની પાર્ટ- ૨ માટે ની તૈયારી છે. હજુ ગજિની ના બીજા ભાગ માટે અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ગજિની – ૨ નામ રજીસ્ટ્રેશન કરાવી લેવાયું છે.

ઉલ્લેખનીય છે કે આમીર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવ આગામી ૨૫ જાન્યુઆરી ના રોજ ટીવી પર એક શોર્ટ ફિલ્મ લઈ ને આવી રહયા છે. જેનું નામ રૂબરૂ રોશની છે. જે સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થશે. ટ્વિટર પર આમીર ખાને આ બારામાં જાણકારી આપી છે. ગજિની ની સિક્વલ વિશે આમીરે હજુ કોઇ ટ્વિટ કર્યું નથી.

આમીર ખાન અત્યારે મેગા પ્રોજેક્ટ મહાભારત પ્રત્યે ચોક્કસ નથી. કેમકે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના બોક્સ ઓફિસ પર જે હાલ થયા તેનાથી આમીર ૧૦૦૦ કરોડ રૂપિયાના  મેગા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેમ નથી.

દીપિકા પદુકોણે  પણ દ્રૌપદી નો રોલ કરવાની યોજના પડતી મૂકી છે. સ્વાભાવિક રીતે આમીર ખાન પોતાની સુપર હિટ ફિલ્મ ગજિની – ૨ કરવા માટે તૈયાર થયો છે. ફિલ્મના નિર્દેશક મુરગાદોસ બીજા ભાગ માટે ઉત્સાહી છે.

૨૦૦૮ માં રજૂ થયેલી ફિલ્મ ગજિની ની સિક્વલ હિન્દી અને તેલુગુમાં બનશે. આમીર ખાને એકવાર ફરી  પરદા પર પોતાનું શરીર બતાવવા કમર કસી છે. ગજિની ઉપરાંત દંગલ માટે પણ તેણે પહેલવાન જેવું શરીર બનાવ્યું હતું.

તે એક મેથડ એક્ટર છે જે સહજ રીતે પોતાના પાત્રમાં ઢળી જાય છે. બોલીવુડમાં શબાના આઝમી પણ એક મેથડ એક્ટર છે. જેઓ એક કિરદાર માટે સ્ત્રી હોવા છતાં પોતાનું માથું મુંડાવી ચુક્યા છે.

ફરી વાત કરીએ ગજિનીની તો આમીર ખાનની સાથે નવી કોણ હિરોઇન હશે અને આમીર ગજિની બનીને કોની સાથે બદલો લેશે તેની માહિતી બહાર પાડવામાં આવી નથી. ગજિનીમાં આમીરની હિરોઇન અસિન હતી. તે અત્યારે પરણી ને ઠરીઠામ થઈ ચૂકી છે અને એક સુંદર મજાની બેબી ની મમ્મી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.