‘આમ આદમી પાર્ટી સંગઠનની કિંમત સમજે છે’

‘આપ’ દ્વારા રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા અને વેપારી અગ્રણી શિવલાલભાઈ પટેલ સહિતના નવ ઉમેદવારોની યાદી જાહેર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખોનું એલાન ખૂબ જ નજીકના દિવસોમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવશે. મહાપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠક પૈકી સાત વોર્ડની ૯ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા ચૂંટણીની તારીખો પહેલાં જ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ પણ ઉમેદવારો નક્કી કરવા માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા અને વેપારી અગ્રણી શિવલાલભાઈ પટેલ સહિતના નવ નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે ‘અબતક’ની મુલાકાતે ઉપસ્થિત રહેલા રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કહ્યું હતું કે, ‘આપ’ સંગઠનની કિંમત સમજે છે. કાર્યકર્તા જ પક્ષની સાચી મુડી છે. અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે, અમારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં કોઈ દોષ હોય તો અમારી સામે લાવે.

શિવલાલભાઈ પટેલે કહ્યું હતું કે, ડોર ટુ ડોર સંપર્ક માટે રણનીતિ મુજબ અમલ થઈ ચૂક્યો છે. લોકોના પ્રશ્ર્નોને વાચા મળશે. બુથ લેવલનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જેટલા પક્ષો ત્રીજા પક્ષ તરીકે આવ્યા તેમાં મોટાભાગના અસંતુષ્ટો હતા. હવે જનતાની ડિમાન્ડ છે ત્રીજા પક્ષની. આમ આદમી પાર્ટીએ વેલ ઓર્ગનાઈઝ સંગઠનની તર્જ પર કામ કર્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રી અજીત લોખીલે કહ્યું હતું કે, અમારા પક્ષના ૯૦ ટકા ઉમેદવારો એજ્યુકેટેડ છે. અમે લોકોના પ્રશ્ર્નો ઉકેલવા માગીએ છીએ. તેમણે અમદાવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે, અમદાવાદમાં અમે મહોલ્લા ક્લિનીક શરૂ કરી ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી.

નોંધનીય છે કે, વોર્ડ નંબર ૨માં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને  શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજભા ઝાલાને આપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર ૮માં ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયાને  ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર ત્રણમાંથી દુર્ગેશભાઇ ધાનકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૪ માટે આપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં રાહુલભાઈ ભુવા અને અલ્કાબેન ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. તો વોર્ડ નંબર ૭ માંથી પરેશ શિંગાળાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૧૪માં ભાવેશ પટેલના નામ પર મોહર મારવામાં આવી છે.તો વોર્ડ નંબર ૧૭ની ચાર પૈકી બે બેઠકો માટે ઉમેદવાર તરીકે રેખાબેન ભંડેરી અને રાકેશભાઈ સોરઠીયાને ટિકિટ આપવામાં આવી છે. મહાપાલિકાની ચૂંટણી જંગને આમ આદમી પાર્ટી ખૂબ જ ગંભીરતાથી લઇ રહી છે. દિલ્હીથી અલગ અલગ નેતાઓ છાશવારે ગુજરાતની મુલાકાત વખતે આવી રહ્યા છે અને અલગ-અલગ મહાનગરમાં જઇ મેદાની હકીકતની તપાસણી કરી રહ્યા છે. આગામી દિવસોમાં આપ દ્વારા વધુ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે.

Loading...