જિલ્લા-તાલુકામાં ‘આમ આદમી’ ભાજપ માટે માથાનો દુ:ખાવો સાબિત થશે??

પ્રજા વિકલ્પ શોધે છે પણ મળતો નથી, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો જોક, અપેક્ષા અને આ વલણની વિસંગતતા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કેવા રંગ ખીલવશે તેના પર મીટ!!!!

મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે મેળવેલી ‘અસામાન્ય’ જીત શાસક પક્ષ માટે ૨૦૨૨ની આગામી વિધાનસભાની ચૂંટણી માટે અવશ્યપણે આત્મવિશ્ર્વાસ વધારનારી બની ગઈ છે. જો કે આ ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો માટે ‘આમ આદમી’નો જનાધાર મહત્વનો બની રહ્યો છે. લોકતંત્રમાં છેવાડાના નાગરિકને જ લોકશાહીનો રાજા માનવામાં આવે છે. ગઈકાલે મહાનગરપાલિકામાં ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૭૬ બેઠકમાંથી ૪૪૯ પર જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસના ફાળે માંડ-માંડ ૪૪ બેઠકો રહી હતી. આમ આદમી પાર્ટીને વકરો એટલો નફો જેટલી અને ગુજરાતના રાજકારણમાં અનેક જગ્યાએ પોતાનું ખાતુ ખોલવા ૧૯ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જ્યારે બસપાને ૩ અને અન્યને ૧ બેઠક મળી હતી. આમ કોર્પોરેશનમાં ભાજપને ક્લીનસ્વીપ જેવો જનાધાર પ્રાપ્ત થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ નવા સમીકરણો રચ્યા છે.

જો કે કોંગ્રેસ માટે ૨૦૧૭ની પરિસ્થિતિમાં થોડો સુધારો થયાનો સંતોષ જેવું પરિણામ આવ્યું છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આપને સુરતમાં માત્ર ખાતુ ખોલાવવામાં જ નહીં પરંતુ બીજા નંબરના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપને એક તરફી જનાધાર પ્રાપ્ત થયો છે. મોટાભાગના પરિણામો ભાજપ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફેણમાં આવ્યા ગણાય. ૨૦ મહિના પૂર્વે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને એનટી ઈન્કમબન્સી મતોની ખોટ જશે તેવી તમામ અટકળો ખોટી પડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ માંથી ૧૧૫ બેઠકો જીતી હતી. કોર્પોરેશનના પરિણામોએ ભાજપની છાવણીમાં દિવાળી જેવો માહોલ ઉભો કરી દીધો છે. છ વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપના આ જ્વલંત વિજયે રાજકારણને ચીત કરી દીધું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ જાતના નકારાત્મક પરિબળો શાસક પક્ષને મળ્યા નથી કે મોંઘવારી હોય કે, ખેડૂત આંદોલન પંજાબમાં ખેડૂત આંદોલનના પ્રભાવથી છ કોર્પોરેશનોમાં પઠાણકોટ, હોંશિયારપુર, ભટીંડા, બાટલા, કપુરથલા અને અબોહરમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે તમામ પરિબળો સાનુકુળ બની ગયા હતા.

ગુજરાતના રાજકારણમાં ભાજપના વધતા જતાં પ્રભાવની પરિસ્થિતિમાં દિવસે દિવસે વધારો થતો જાય છે અને ભાજપ ખરેખર ઘર-ઘર ભાજપનું સુત્ર સત્ય પુરવાર કરી રહી છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને જાહેર કરવામાં આવ્યા હતા અને આવેલી ચૂંટણીમાં કોંગ્રેસની સંખ્યા ૬૧ થી ૭૭ એ પહોંચી હતી અને મતની ટકાવારી ૨.૪૫ ટકા વધી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસના આંતરિક વિખ્વાદ અને ગ્રાઉન્ડ ટુ અર્થ એટલે કે જમીની સંગઠનના અભાવથી કોર્પોરેશનની ચૂંટણીમાં ધોવાણ થઈ ગયું. ગઈકાલે આવેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ભારે કમાલનું પ્રદર્શન કર્યું હતું. સુરતમાં સૌથી બીજા નંબરની મોટી પાર્ટી તરીકે આપ મેદાન મારી ગયું છે. લોકડાઉન દરમિયાનની પરિસ્થિતિ અને મંદી, ભાવ વધારા જેવા આમ આદમીને સ્પર્શતા મુદ્દાઓ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં જો કે ભાજપને વિકાસવાદ ફળી ગયું. હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ માટે ‘આમ આદમી’ માથાનો દુ:ખાવો બને છે કે કેમ ? તેનો મનોમંથન શરૂ થયું છે. આમ આદમી પાર્ટીએ જેવી રીતે રાજકારણમાં પોતાની પાંખો ફેલાવવાનું શરૂ કર્યું છે. સુરતમાં  ખુબજ સારો પ્રભાવ ઉભો કરનારી આમ આદમી પાર્ટી અને ‘આમ આદમી’ આગામી દિવસોમાં રાજકારણ માટે અને ખાસ કરીને શાસક પક્ષ માટે નિર્ણાયક પરિબળ બને તેવું દેખાઈ રહ્યું છે.

ગુજરાતના રાજકારણમાં મતદારોને સારા વિકલ્પની ખોજ રહી છે પરંતુ યોગ્ય વિકલ્પ મળતો નથી. ભાજપ અને કોંગ્રેસના મુળભુત મતદારો વચ્ચે આમ આદમી પાર્ટીએ પાટીદાર પ્રભાવી મત ક્ષેત્રમાં સારો દેખાવ કર્યો છે. સુરતમાં આમ આદમી એવા પાટીદાર પ્રભાવી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ઘણી બેઠકો મળી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં હવે રાજકારણમાં જ્યાં મુદ્દા અને સમસ્યા અલગ અલગ હોય છે ત્યાં મહાનગરપાલિકાની જેમ ભાજપનો વિકાસવાદ ચાલશે કે આમ આદમીની પસંદગી ભાજપ માટે ચિંતાનો વિષય બનશે તેના પર મથામણ ચાલી રહી છે.

પ્રજા વિકલ્પો ગોતે છે પણ મળતા નથી. ભાજપે કોર્પોરેશનની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ખુબજ સારો જનાધાર મેળવ્યો અને જ્વલંત સફળતા મેળવી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના પાટીદારોના મત પર કબ્જો મેળવ્યો. ત્યારે ગ્રામ્ય કક્ષાએ આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ગ્રામ્ય મતદારો અને ખાસ કરીને આમ આદમી ભાજપ માટે માથાનો દુ:ખાવો બનશે કે શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસવાદને વધાવાશે તેના પર મીટ મંડાયેલી છે.

ગુજરાતમાં સનિક સ્વરાજ્ય સંસઓની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા આપ આગળ નીકળી ગયું!!!

ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. ૫૭૬ બેઠકોમાંથી ૪૪૯ પર ભાજપે એક હથ્થુ એકાધીકાર મેળવીને કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો હાથ લાગવા દીધી. આપ માટે વકરો એટલો નફોની જેમ ૧૯ બેઠકો અને સુરતમાં બીજા નંબરનો પક્ષ બનીને આપે કોંગ્રેસને પાછળ રાખી દીધી. બસપાને છ અને અપક્ષના એકના પરિણામોમાં કોંગ્રેસની પરિસ્થિતિમાં આપથી પણ એક ડગલું પાછળ રહેવાની મજબૂરી સ્વીકારવી પડી છે. આમ આદમી પાર્ટીના આ પરિણામોએ કોંગ્રેસને વધુ સહન કરવાનું રહ્યું છે. આપ કોંગ્રેસ કરતા પણ આગળ નીકળી ગયું અને એક જમાનાના સશક્ત સૌથી વધુ સત્તાનો અનુભવ અને અવ્વલ દરજ્જાના રાષ્ટ્રીય પક્ષનો જાજરમાન ઈતિહાસ ધરાવતું કોંગ્રેસ આમ આદમીને પોતાના કરવામાં નિષ્ફળ નિવડતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોંગ્રેસનો ભારે રકાશ થવા પામ્યો છે.

Loading...