Abtak Media Google News

ત્રણ લૂંટારાએ બંને કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર: પોલીસે નાકાબંધી કરાવી

આદિપુર શહેરની બે લૂંટના ભેદ હજુ ઉકેલાયા નથી તેવી સ્થિતિ વચ્ચે અંજારના મેઘપર બોરીચીની ભાગોળે મંગળવારે રાત્રે બે યુવાનો પર મરચાની ભૂકી છાંટી રૂ.૧૬ લાખની લૂંટ ચલાવી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ત્રણ લૂંટા‚ઓએ છરી વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ગાંધીધામ, અંજાર તથા આદિપુરમાં નાકાબંધી કરવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારના ફાટક પાસે પેટ્રોલપંપમાં નોકરી કરતા હરિશંકર પ્રસાદ શર્મા તથા રજત રાષ્ટ્રપાલ વાનખેડે રૂ.૧૬ લાખની રકમ લઈને આવી રહ્યાં હતા ત્યારે ધસી આવેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં હરિશંકરને ઈજાઓ થઈ હતી. આ બંને પાસેથી રૂ.૧૬ લાખની રકમ ઝૂંટવી ત્રણે શખ્સો ફરાર થઈ ગયા હતા.

ભોગ બનનાર યુવાનોએ બૂમો પાડતા બધા એકત્ર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરી ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

અંજાર પોલીસે હોસ્પિટલે તથા ઘટના સ્થળે દોડી જઈ લૂંટા‚ શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઘાયલ યુવાનનું નિવેદન લઈ અન્ય યુવાનને પોલીસ સ્થળ પર તપાસમાં લઈ ગઈ હતી. અંજાર, આદિપુર તથા ગાંધીધામના જુદા જુદા માર્ગો પર નાકાબંધી કરી વાહનોની તલાસી લેવામાં આવી હતી. ભોગ બનનાર મીઠીરોહર પાસે આવેલ પેટ્રોલપંપમાં નોકરી કરતા હોવાનું બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેસવાન પર ફાયરીંગ કરી થયેલી લૂંટની મોટી ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી. આ ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લામાં નાના-મોટી ચોરી અને લૂંટના બનાવો રોજિંદા બન્યા છે. જાણે કે પોલીસની કોઈ ધાક રહી ન હોય તેમ અસામાજિક તત્ત્વો માથુ ઉંચકી રહ્યાં છે જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ પેદા થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.