Abtak Media Google News

બોગસ ડિગ્રી કૌભાંડ પર અંકુશ મેળવવા રાજયની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ડિગ્રી પર આધારકાર્ડ નંબર અને ફોટો પ્રિન્ટ કરાશે

રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર બોગસ ડિગ્રી બનાવવાના હાટડા ધમધમી રહ્યા છે ત્યારે શિક્ષણ તંત્રએ આવતા દિવસોમાં બોગસ ડિગ્રીઓ પર અંકુશ મેળવવા માટે વિદ્યાર્થીની ડિગ્રી ઉપર આધારકાર્ડનો નંબર અને છાત્રનો ફોટો પ્રિન્ટ કરવાનું નકકી કર્યું છે. આ નિર્ણયને અમલવારી આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી રાજયની તમામ યુનિવર્સિટીઓમાં કરવામાં આવનાર હોવાનું શિક્ષણ વર્તુળમાંથી જાણવા મળ્યું છે.

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ડિગ્રી અને ડિપ્લોમાં સર્ટીફીકેટ ઉપર હવે આધારકાર્ડનો નંબર અને વિદ્યાર્થીઓનો ફોટો પ્રિન્ટ કરવામાં આવશે. વિદ્યાર્થીનો આધાર નંબર ડિગ્રીમાં લગાવવાને કારણે બનાવટી કે બોગસ ડિગ્રી મેળવનારા ઉપર અંકુશ આવશે. મોટેભાગે એડમિશન અને નોકરી મેળવતી વખતે વિદ્યાર્થી કે ઉમેદવારે સહિતના સર્ટીફીકેટો રજુ કરવાના હોય છે. આગામી વર્ષથી સર્ટીફીકેટ પર લગાવેલા આધાર નંબર અને ફોટોગ્રાફના આધારે તપાસ સરળતાથી અને પારદર્શક રીતે થઈ શકશે એટલું જ નહીં ડિગ્રી કે ડીપ્લોમાં સર્ટીફીકેટ સાચુ છે કે ખોટુ તેની પણ ખરાઈ કરી શકાશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી આ નિયમ ફરજીયાત બનાવતા રાજયની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને લાભ મળશે. બોગસ ડિગ્રી બનાવનાર અને મેળવનાર બંનેને ડામવા યુજીસીએ આ નિયમ ફરજીયાત અમલી બનાવ્યો છે.

કેટલાક વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ નથી તેવા વિદ્યાર્થીઓ જયાં સુધી તેમનો આધાર રજુ નહીં કરે ત્યાં સુધી તેમનું ડિગ્રી કે ડિપ્લોમાં સર્ટીફીકેટ પેન્ડીંગ રાખવામાં આવશે.

યુજીસી દ્વારા આગામી સમયમાં આધાર લીંકના આધારે વિદ્યાર્થી પોતાનું પરીણામ ડિગ્રી કે અન્ય ડોકયુમેન્ટ ઓનલાઈન જોઈ શકશે અને પ્રિન્ટ પણ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવાનું સુચન પણ તમામ યુનિવર્સિટીઓને કરાયું છે. મોટેભાગે તમામ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સતાધીશોએ યુજીસીના આ નિર્ણયને આવકારદાયક ગણાવ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયને આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી અમલી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર બોગસ ડિગ્રી બનાવવાના કૌભાંડો ચાલી રહ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ રાજકોટમાં કેટલાક સ્ટડી સેન્ટરો ઉપર દરોડા પાડયા હતા. જેમાં ઘણાબધા શિક્ષણના શકુનીઓ બોગસ ડિગ્રી બનાવતા હોવાનો પર્દાફાશ થતા જે-તે સ્ટડી સેન્ટરના સંચાલકો સામે યુનિવર્સિટીએ ધોકો પછાડતા આકરી કાર્યવાહી કરી હતી. નિયમ મુજબ જે-તે સ્ટડી સેન્ટરની માન્યતા પણ રદ કરવા સુધીના પગલા લેવાની તજવીજ હાથધરી હતી.

યુજીસીના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓની એજયુકેશનલ માહિતી આધારકાર્ડ સાથે લીંકઅપ થશે. જેથી વિદ્યાર્થી માત્ર આધારકાર્ડના નંબર માત્રથી પોતાનું પરીણામ કે સર્ટીફીકેટની માહિતી મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.