પદમકુંવરબા હોસ્પિટલમાં મહિલા તબીબને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ચપ્પલ માર્યા

ડોકટરે ચપ્પલ ઉતારી આવવાનું કહેતા માથાકુટ કરી ફરજમાં રૂકાવટ: તબીબી દ્વારા કલેકટરને રજૂઆત

એક તરફ કોરોનાની મહામારીને પહોંચી વળવા કોરોના વોરિર્યસ તબીબો લડી રહ્યા છે. ત્યારે ગુંદાવાડીમાં આવેલી પદમકુંવરબા હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ચપ્પલ ઉતારવા જેવી સામાન્ય બાબતે બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ગાયનેક મહિલા તબીબને ચપ્પલથી મારી ગાળો ભાંડી માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જયારે ત્રણેય આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે તબીબ કલેકટરને રજુઆત કરવા ગયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મારૂતિનગરમાં રહેતા અને ગુંદાવાડી પદમકુંવરબા હોસ્૫િટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. અરવાબેન સાદીકભાઇ સોની પર ગઇકાલે ગાયનેકની તપાસ કરવા આવેલા અમરીનબેન તેના પતિ જાહિદ અને રોશનબેને મળી ચપ્પલથી માર મારી ગાળો ભાંડી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

વધુ મળતી માહીતી મુજબ આરોપી અમરીબેન બે દિવસ પહેલા હોસ્પિટલમાં બ્લડપ્રેસર માપવા આવ્યા હતા. ત્યારે પણ તબીબ સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ ગઇકાલે ફરી ચકાસણી માટે આવ્યા ત્યારે લેબર રૂમમાં ફરજ પર રહેલા ડો. અરવાબેન સોનીએ અમિરાબેનને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ઉશ્કેરાયેલા અમિરાબેને ગાળા ગાળી કરી ચપ્પલ વડે માર માર્યો હતો ત્યારે ત્યાં હાજર તેમના પતિ જાહિદ અને રોશનબેને પણ તબીબ સાથે ઝપાઝપી કરતા હોસ્પિટલના સ્ટાફે તુરંત પોલીસમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

એ ડીવીઝન પોલીસે તબીબની ફરીયાદ પરથી બે મહિલા સહિત ત્રણ સામે ફરજની રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જયારે તબીબ ડો. અરવાબેન સોનીએ ત્રણેય આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે કલેકટરમાં રજુઆત કરવામાં આવી છે.

Loading...