Abtak Media Google News

દાતીવાડામાં ૧૯, પાલનપુરમાં ૧૫ , વડગામ અને અમીરગઢમાં ૧૪ લાખણી પાટણ, દિયોદરમાં ૧૨ ઈંચ, ઈડર અને ધનેરામાં ૧૧ ઈંચ ખાબકયો

સતત ચાર દિવસથી વાવાઝોડા સાથે વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં આકાશી સુનામી ત્રાટકી છે. મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાતા જળપ્રલય જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ભારે વરસાદના કારણે ઉતર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી છેક ગાંધીનગર સુધી પહોંચ્યું છે. એનડીઆરએફની ૧૨ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તો પાટણ જીલ્લાના ૯૦ ગામોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સવારથી વાવાઝોડા સાથે વરસાદ હોવાના કારણે રાહત અને બચાવ કામગીરી પર અસર પડી રહી છે.

રાજયમાં છેલ્લા ૧૦ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય. સૌરાષ્ટ્રને ધમરોળીયા બાદ મેઘરાજાએ હવે ઉતર ગુજરાતનો વારો પાડી દીધો છે. છેલ્લા ચાર દિવસથી ઉતર ગુજરાતમાં અનરાધાર વરસાદના કારણે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાવા પામી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાંકરેજના ૫ ગામો પાણીમાં ડુબી ગયા છે તો પાટણના ૯૦ ગામોને તાત્કાલિક અસરથી ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાની તમામ શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી છે. રાહત અને બચાવ કામ માટે એનડીઆરએફની ૧૨ ટીમો ખડેપગે છે. ભારે વરસાદના કારણે પાલનપુર-ડીસા હાઈવે તથા ધનેરાથી ડીસા સુધોન હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉતર ગુજરાતમાં ત્રણ દિવસથી વિજળી ગુલ થઈ છે. આટલું જ નહીં એસ.ટી.નો વ્યવહાર પણ સદંતર બંધ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે રાજયમાં ૩૪૦ થી વધુ રોડ બંધ કરાવી દેવાની ફરજ પડી છે.

ગુજરાતમાં આકાશી સુનામી સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સહાય કરવાની ખાતરી આપવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્વત્ર સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય જવા પામ્યું છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન રાજયમાં અતિભારે વરસાદના કારણે ૨૬૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત ચોથા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં અનરાધાર વરસાદ ચાલુ રહેતા રાહત અને બચાવ કામગીરી પર ખુબ વ્યાપક અસર પડી રહી છે. ધરોઈ ડેમ ઓવરફલો થતા તેનું ૭૮,૦૦૦ કયુસીએફ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમનું પાણી ગાંધીનગરમાં ઘુસી ગયું હતું. આ લખાય રહ્યું છે ત્યારે પણ ઉતર ગુજરાતમાં અનરાધાર વરસાદ ચાલુ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૦ જિલ્લાના ૧૯૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાતીવાડામાં ૧૯ ઈંચ પડયો છે. આ ઉપરાંત પાલનપુરમાં ૧૫ ઇંચ, વડગામ અને અમીરગઢમાં ૧૪ ઇંચ, લાખણી, પાટણમાં ૧૨ ઈંચ, દીયોદરમાં ૧૨ ઈંચ, ઈડરમાં ૧૧ ઈંચ, ધનેરામાં ૧૧ ઈંચ, હિંમતનગરમાં ૯ ઈંચ, સરસ્વતીમાં ૯ ઈંચ, ડીસામાં ૯ ઈંચ, ખેડબ્રહ્મામાં ૮, વાવ, સિઘ્ધપુર, થરાદ, પોસીનામાં ૭॥ ઈંચ, ભાંભર, ભીલોડા, દાતા, વડાળીમાં ૬ ઈંચ, કાંકરેજમાં ૬ ઈંચ, થલાદ, માણસા, વિઝાપુર, પ્રાંતીઝ, કલોલ, ખેરાલુ, વિજયનગર, રાંધણપુર, સુઈ ગામ, બેચરાજી, ઉંઝામાં ૫ ઈંચ, મેઘરજ, સાણસમા, જોટાના, વડનગર, દેત્રોજ, સાની અને ગાંધીનગરમાં ૩॥ ઈંચ, દેહ ગામ, હારીઝ, વિસનગર, બાઈડ, કડીમાં ૨॥ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં સોમવારે પણ મેઘમહેર ચાલુ રહેવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા છાપટાથી માંડી અઢી ઈંચ, મોરબી જિલ્લામાં પોણા બે ઈંચ અને બોટાદ જિલ્લામાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ઉતર ગુજરાતમાં અનરાધાર વરસાદના કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ સર્જાતા રાજય સરકાર દ્વારા નર્મદા મહોત્સવ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.

કાંકરેજના ૫ ગામો પાણીમાં ડુબ્યા: પાટણના ૯૦ ગામો ખાલી કરાવવા સુચના: ગાંધીનગર જિલ્લાની શાળા-કોલેજોમાં રજા: ધરોઈ ડેમનું પાણી છોડાતા ગાંધીનગર સુધી પહોંચયું: રાજયના ૩૪૦થી વધુ રોડ બંધ

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં હજારો લોકોનું સ્થળાંતર: એનડીઆરએફની ૧૨ ટીમો તૈનાત: સતત ચોથા દિવસે વાવાઝોડા સાથે વરસાદના કારણે ચિંતાજનક સ્થિતિ

ગાંધીનગર જિલ્લામાં તમામ શાળા કોલેજો બંધ

રાજયમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લા કલેકટર સતીષ પટેલે ગાંધીનગર જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આજે બંધ રાખવાનો આદેશ કર્યો છે. ધરોઈ ડેમનું લેવલ ભયજનક સપાટીએ પહોચતા સાબરમતી નદીનાં કિનારા વાળા અસરગ્રસ્ત ૨૭ ગામોને સતર્ક રહેવા કલેકટરએ જણાવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમા રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવાની પણ સૂચના આપી છે. હાલમાં ધરોઈ ડેમમાં પાણીની આવક ૧,૪૧,૦૦૦ કયુસેક છે. આજ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો રાત્રે ૧૦ કલાકે ડેમનું લેવલ ૬૧૭ ફૂટ થવાની શકયતા હોઈ શ‚આતમાં ૫૦ હજાર કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે. ત્યારબાદ પાણીની આવક અનુસાર પાણી છોડવામાં વધારો કરવામાં આવશે. નદી કે ડેમથી અસરગ્રસ્ત ગાંધીનગર જિલ્લાના પૂર સંવેદનશીલ ગામોમાં ઈસનપૂર મોટા, મગોડી, ડભોડા, વડોદરા, ગલદણ, બાસણ, વાંકાનેરડા, સોનારડા, રાયપૂર , લોદરા, પેથાપૂર, પીડારડા, પીપળજ, ભાટ, મહુડી, અનોડિયા, દેલવાડા, કોટવાસ, અમરપૂરા, જેથલજ, અલુવા, અને હાજીપૂર ગામનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.