Abtak Media Google News

મુંબઈ સહિતના શહેરોમાં નામના ધરાવતા બાબુભાઇ ડાયમંડ સંસારની મોહમાયા છોડશે

મોરબી : મોરબીના ટોચના ઉદ્યોગપતિ અને એક સમયે તમામ શોખ અને રસને માણી ચૂકેલા બાબુભાઇ ડાયમંડને હવે સંસારની મોહમાયાથી મન ભરાઈ જતા સાધુ જીવન જીવવા નીર્ધાર કર્યો છે અને આવતીકાલે તેઓ વિધિવત રીતે પંચકર્મ વિધિ બાદ પોતાના અસલ નામનો ત્યાગ કરી જીતેન્દ્રદાસજી બની જશે.

મોરબીમાં દબદબો ધરાવતા બાબુભાઇ ડાયમંડ એટલે કે જીતેન્દ્રકુમાર લક્ષમણભાઈ જાકાસણીયાએ પોતાના યુવાનીકાળમાં શોખીનનું ઉપનામ કેળવ્યું હતું અને મોરબીથી લઈ મુંબઈ સુધી નામ જ કાફી હતું. એક સમયે જ્યારે મોરબીમાં કોઈની પાસે ગાડી પણ ન હતી ત્યારે બાબુભાઇ ડાયમંડ ફ્લાઈટમાં આવન જાવન કરતા હતા.

પોતાના જીવનમાં મોજશોખના તમામ શોખને પુરા કરનાર બાબુભાઇ ડાયમંડને છેલ્લા વર્ષોમાં સંસાર પરથી મન ઉતરી જતા ટંકારા નજીક આવેલા બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે રહેતા હતા.દરમિયાન હવે બાબુભાઇ ડાયમંડ સંસાર સાથેનો કાયમી છેડો ફાડવા આવતીકાલે ટંકારાના કોઠારીયા રોડ પર આવેલા  બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે પંચકર્મ વિધિ બાદ પોતાનું ઓરીજનલ નામ પણ છોડવાની જાહેરાત કરી છે એન કાલથી તેઓ જીતેન્દ્રકુમારમાંથી જીતેન્દ્રદાસજી ગુરુ લાલદાસજી નામ ધારણ કરી સાધુ બની જશે.આવતીકાલે પંચકર્મ વિધિની સાથે – સાથે સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

આમ, એક સમયના શોખીન અને રંગીનમિજાજી માલેતુજાર ઉદ્યોગપતિએ અચાનક જ ઉદ્યોગ, પરિવારને ત્યાગી ભગવા ધારણ કરી સાધુ બની જવા સંકલ્પ કરતા મોરબીના ઉદ્યોગજગતમાં ભારે ચર્ચા જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.