Abtak Media Google News

આઘ્યાત્મીક સ્વભાવના યુવાન ઓરલ અને ફિઝીકલ ટેસ્ટમાં અવ્વલ નંબર મેળવ્યો

શાંત અને અંતર્મુખી, એકાંત પ્રિય સ્વભાવના જયદેવને તેના ભાઇએ પોલીસ સીલેકશન બોર્ડનું પોલીસ સબ ઇન્સ્પેકટર કે જે સૌરાષ્ટ્રમાં ફોજદારના નામે પ્રખ્યાત છે. તેની પ્રવેશ પરીક્ષાનું ઉમેદવારી ફોર્મ આપ્યું અને કહ્યું કે મારે માટે લાવ્યો હતો પરંતુ તારીખ મુજબ મારે બે દિવસ માટે જ ઓવર એજ થાય છે મારે માટે નકામુ છે તું ફોર્મ ભરી નાખ.

તે સમયે તો ઠીક આજે પણ કોલેજીયનો અને યુવાનોને ફોજદાર અને પોલીસ ખાતનું જબરદસ્ત  આકર્ષણ છે. તેમને તેમાં જેમ્સ બોન્ડ કે ટારઝન જેવા કાલ્પનીક આદર્શોમાં રાચવું ગમતું હોય કે પછી ગમે તે બીજુ કારણ હોય તમામને મનમાં ફોજદારના સ્વપ્ના આવતા હોય છે. ભલે પછી તે દુરથી ડુંગર રળીયામણા જેમ જીંદગી વિકટ અને એક પગ લગભગ જોખમમાં અથવા જેલ તરફ જતો હોય ! ઘણી

આધેડ વયની વ્યકિતઓ બીજા ખાતામાં નોકરી કરતા હોય તેઓએ તેમની જુવાનીમાં ફોજદારીના સ્વપ્ના જોયા હોય છે. પરંતુ ગમે તે કારણે મેળ પડયો નહોય તેથી વાતમાંથી વાત નીકળે એટલે કોઇ કહે હું સીલેકટ થઇ ગયો હતો. પણ મારા બાપાએ ના પાડી તો કોઇ કહે મારી માએ પોલીસ ખાતમાં જવા દીધો નહી. આમ તો તમામ વ્યકિતને આ કલ્પના માં રાચવું ગમતું હોય છે. પરંતુ જે વ્યકિત શાંતિપ્રિય હોય તેવી વ્યકિત સમજીને પોલીસ ખાતાને પસંદ કરતા નથી અને બીજી તરફ ડરપોક અને ભી‚ વ્યકિત પણ આ ખાતાને પસંદ કરતાં નથી.

કોલેજ કાળમાં જયદેવ નો મિત્ર જગત કે જે લાઇન બોય હતો તે જયદેવને વારંવાર કહે તો જયદેવ તારે ફોજદાર થવાનું છે. મારે ચશ્મા નંબરવાળા છે તેથી હું શિક્ષક થઇશે. અને તારી બદલી વાળી નોકરી હશે જેથી તારા છોકારાને હું મારી પાસે રાખીને ભણાવીશ, પરંતુ તે તો મશ્કરી હતી. જયદેવે પોતાના સ્વભાવ અને શારીરિક ક્ષમતા જોતા પોલીસ ખાતામાં દાખલ થવાની સ્વપ્નમાં  પણ કલ્પના કરેલી નહિ, તે ગુજરાત પબ્લીક સર્વિસ કમીશન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિગેેરે બીજી જગ્યાઓની જાહેરાતોની રાહમાં હતો.  પરંતુ પોલીસ ખાતાનું ફોર્મ આવ્યું જ છે તો ભરી દઇએ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક અનુભવ તો થશે તેમ માની પોલીસ સીલેકશન બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભરી દીધું.

જયદેવ તો ફોર્મ ભરીને ભુલી પણ ગયો તે સાંજના સાડાચાર ની રાત્રીના બાર વાગ્યા સુધીની ટેલીફોન ઓપરેટર ની નોકરી કરતો અને બાકીના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો.

બે મહિનામાં જ જયદેવને પોલીસ ખાતાનો શારિરીક તપાસણી માટે નો પત્ર મળી ગયો. તે સમયે ફોજદારની લેખીત સ્પર્ધાત્મક પરીક્ષા પહેલા ઉમેદવારની શારિરિક તપાસણી થતી તેમા. જે તે ઉમેદવારની ઉંચાઇ, છાતીનું માપ, વજનની ખાત્રી કરવામાં આવતી દરેક જીલ્લાના પોલીસ હેડ કવાર્ટરમાં આ તપાસણી થતી જયદેવને ઉંચાઇની કોઇ ચિંતા ન હતી. પરંતુ વજન અને છાતી લધુત્તમ જ‚રીયાતમાં આવવાની ચિંતા હતી. જયદેવ સુકલકડી બાંધાનો અને વજન ફકત ૪૮ (અડતાલીસ) કીલો જ હતું. આવા કારણસર સ્વમાની જયદેવને જાહેરમાં અન્ય ઉમેદવારોની હાજરીમાં અનફીટ થઇ નીકળી જવુ પડે તે અપમાનજનક લાગતુ હતું. આથી તેણે શારિરિક તપાસણીમાં જવાનું જ માંડી વાળ્યું આ ચકાસણીનો સમય બપોર પછીનો ત્રણ વાગ્યાનો હતો.

જયદેવ બપોરે બાર વાગ્યે જમીને આરામ કરતો હતો ત્યારે ગામના લોકપ્રિય ડોકટર જેષ્ઠારામ કાકાનો દિકરો દેવેન્દ્ર તેનું મોપેડ લઇ જયદેવ પાસે આવ્યો. દેવેન્દ્ર પણ જયદેવ સાથે પબ્લીક સર્વિસ કમીશ્નરની પરીક્ષાઓની તૈયારી કરતો હતો. દેવેન્દ્રએ કહ્યું ચાલો ભાવનગર નથી આવવું ? મારે પણ ફોજદારની શારીરિક તપાસણી છે. જયદેવે કહ્યું કે મારે તો ત્યાં અપમાનીત થવા જ આવવાનું ને ? દેવેન્દ્રએ કહ્યું સાથે ચાલો તો ખરા જો એવું લાગે તો હરીફાઇમાં ઉતરજો નહી તો આપણે ભાવનગર ફરીને પાછા આવી જઇશું.

જયદેવ અને દેવેન્દ્ર ભાવનગર જીલ્લા પોલીસ હેડ કર્વાટરમાં આવ્યા ત્યાં ચાલતી તપાસણીની કાર્યવાહી જોઇ કોઇક ઉમેદવારો પહેલવાન જેવા બોડી બીલ્ડરો, કોઇક જોગીંગ કરતા હતા તો કોકઇ મસલ્સ થપ થપાવતા હતા. જો કે સાથે સાથે સામાન્ય અને પાતળા શરીર વાળા ઉમેદવારો પણ હતા. જયદેવ થોડો મનમાં સંકોચાયો પણ હિંમત કરી સંકોચાતા મને લાઇનમાં ઉભો રહી કે હિંમતે મર્દા તો મુદ્દે ખુદા કદાચ લધુત્તમ જરુરીયાતો પુરી થઇ જાય તો તેમ મન મકકમ કરીને ઉભો રહ્યો.

થોડીવારે જયદેવનો વારો આવ્યો. માપણી કરતા જમાદારે ઉંચાઇ માપી બરાબર હોવાનું જણાવ્યું  તેણે છાતી માપી પણ જરુરીયાતથી થોડી જ ઓછી થઇ તેથી ત્યાં હાજર સુબેદાર સગ્રામ રબારી કે જે દેશી ઢબના અંગ્રેજો કે જમાને કે અફસર હતો તેમણે કહ્યું ભલે છાતી ઓછી  હોય હવે ફુલાવીને છાતી માપો જેથી જયદેવે પોતાની પુરી તાકાતથી છાતી ફુલાવી જે લધુત્તમ જરુરીયાત કરતા ઘણી વધારે હતી. જેથી સંગ્રામ સુબેદારે કહ્યું કે છોકરો નાનો છે થોડું ખાશે પીશે એટલે બરાબર થઇ જશે. તેમ તેણે ચમત્કારીક રીતે તક આપીસ જયદેવની ફીટ ગણી પાસ કર્યો. આ વખતે ત્યાં હાજર અન્ય ઉમેદવારો તથા તેમના મિત્ર મંડળમાં વાતો થવા લાગી કે આ વખતે જયદેવનું નકકી ફોજદારમાં સિલેકશન. કેમ કે જયદેવની શૈક્ષણિક કારકિર્દી બહુ તેજસ્વી હતી. સાયન્સ કોલેજમાં તેની છાપ હોંશિયાર અને સીન્સીયર વિદ્યાર્થીની હતી તે તમામ જાણતા હતા.

જયદેવ જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતો હતો. તેથી તેને આ પોલીસ સિલેકશન બોર્ડની પરીક્ષા માટે કોઈ ખાસ તૈયારીઓ કરવાની ન હતી. તેણે ઈંગ્લીશ ભાષા રસથી શીખી હતી. તેમજ નિબંધલેખન તથા સામાન્ય જ્ઞાન પણ તૈયાર જ હતા. લેખિત પરીક્ષા બહુ સારી રીતે લખીને આપી અને તમામની માન્યતા મુજબ અવ્વલ નંબરે જ પાસ થયો.

પરંતુ જયદેવ માટે ખરી કસોટી હવે હતી. રાજયકક્ષાએ અમદાવાદ ખાતે ફોજદારની પસંદગી માટે શાહિબાગ પોલીસ સ્ટેડીયમમાં ઓપ્ટીકલ્સની હરીફાઈમાં પ્રથમ રનીંગ બાદ રોપ કલાઈમ્બીંગ, ક્રાઉલીંગ, ટેડાબેલેન્સ, વોલજમ્પીંગ વિગેરે ઓપ્ટીકલો સમય મર્યાદામાં પુરા કરવાના હતા. જે કપરી કસોટી તો હતી જ પરંતુ બીજી તરફ બીજા અધિકારી કક્ષાના ઈન્ટરવ્યુની જાહેરાતો પ્રસિઘ્ધ થતી ન હતી. જો કે જયદેવ ટેલીફોન ઓપરેટરની નોકરી કરતો હતો પરંતુ તે નોકરીને તે પોતાના માટે જરા પણ લાયક-ગણતો ન હતો.

Necessity is mother of invention  ‘જ‚રીયાત શોધની જનની છે.’ આમ તો ફોજદારની નોકરી પણ અધિકારી કક્ષાની હતી. તેથી આ નોકરી હાંસલ કરવા આ કપરો અને જયદેવની પસંદગી બહારનો વિષય હતો પણ તેણે પડકાર ઉપાડી લીધો. તે સમયે હાલના જેવા કોચીંગ-ટયુશન કલાસો હતા નહીં. કોઈ માર્ગદર્શન પણ હતા નહિ પરંતુ વાતો-વાતથી જાણેલ હકિકત મુજબ રનીંગ (દોડવા)ના જ વધુમાં વધુ માર્ક હતા. તેમાં જે પાસ થાય તે મૌખિક ઈન્ટરવ્યુમાં જતા.

ગામડાઓમાં તો તે વખતે દોડવા માટેના મેદાનોની કોઈ કલ્પના જ ન હતી. શહેરી ઉમેદવારો જ મોટેભાગે પસંદગી પામતા. આમ છતાં જયદેવે પ્રથમ રનીંગ (દોડવા)ની પ્રેકટીસ ચાલુ કરી. થોડા દિવસ ખાલી ખેતરોની માટીમાં દોડયો બાદ પોતાના ગામના પાદરથી બાજુના ફરિયાદકા ગામ સુધીના કાચા રોડ ઉપર ઝડપથી દોડવાનું ચાલુ કયું. દરમ્યાન દેવેન્દ્રએ કહ્યું કે, રોપ કલાઈમ્બીંગના પણ વધારે માર્ક છે. તેની પ્રેકટીસ પણ કરવી જોઈએ. આથી જયદેવ જે કાચા રસ્તા દોડતો ત્યાં વચ્ચે એક વાડી આવતી તે વાડીના કુવા પાસે એક વડનું ઝાડ હતું. તેથી વાડી માલિકને પુછીને વાડીના જ દોરડા આ વડલાના ઝાડની ડાળી સાથે બાંધી તેની પ્રેકટીસ ચાલુ કરી.

થોડા સમયમાં જ ઓપ્ટીકલ અને મૌખિક ઈન્ટરવ્યુનો કોલ લેટર આપ્યો. કાર્યક્રમમાં સવારે ઓપ્ટીકલ પરિક્ષા અને જે તેમાં પાસ થાય તેમને બપોર પછી ન્યુમેન્ટલ કંપાઉન્ડમાં મૌખિક ઈન્ટરવ્યુ ગોઠવાયા હતા. બન્ને જણા ટ્રેનમાં અમદાવાદ આવ્યા. શાહિબાગ પોલીસ સ્ટેડીયમમાં ઓપ્ટીકલ્સની હરીફાઈ હતી. ઉમેદવારોમાં પહેલવાનો હાઈટ બોડીવાળા હતા. તો કોઈ કહેતા હતા કે આ ત્રીજી ટ્રાય છે. આ વખતે તો પાકકુ જ છે. વળી તો કોઈ ડી.પી.એડના પહેરીને આંટા મારતા હતા કે અમે તો ફીઝીકલી ફીટ જ છીએ. તો વળી ઘણા તો દોડતા પહેલા જોગીંગ કરતા કરતા વોર્મઅપ કરી શરીર ગરમ કરતા હતા. ઘણા ઉમેદવારોને તો તેમના વાલીઓ સાથે આવેલા તે ગ્લુકોઝના બિસ્કીટ અને લીંબુ પાણી પીવરાવતા હતા. ગામડીયા જયદેવ અને દેવેન્દ્ર એકબાજુ ઉભા ઉભા આ તાસીરો જોતા હતા.

સૌથી પહેલુ ઓપ્ટીકલ રનીંગનું જ હતું. તેના ૫૦% માર્કસ હતા. ૨૦-૨૦ ઉમેદવારોને સીધી લાઈનમાં ઉભા રાખવામાં આવે અને પાછળથી ડમી કાર્ટીસથી બંદૂકનો અવાજ થાય એટલે તમામે મેદાનમાં ફરતે બનાવેલ રનીંગ ટ્રેક ઉપર દોડવા લાગવાનું પાંચસો-પાંચસો મીટરના બે રાઉન્ડ મીનીમમ અઢી મિનિટમાં પુરા કરવાના હતા. સ્પર્ધકો સફેદ બુટ, મોજા, ચડ્ડી અને ટીશર્ટ પહેરેલા રેસકોર્સમાં જેમ ઘોડ દોડમાં ઘોડા ઉભા રહે તેમ ઉભા રહેલા જેવો બંદુકનો ભડાકો થાય તેવા જ તમામ બંદુકની ગોળી છુટે તેમ દોડવા લાગે. પહેલા રાઉન્ડ સુધીમાં તો અડધો અડધ ખડી પડે બીજા અડધા રાઉન્ડમાં ફકત ચાર-પાંચ જણા આગળ જીવન-મરણનો સવાલ હોય તેમ તાકાત લગાડી દોડયે જતા હોય. આ બાજુ સ્ટોપવોચની ટીક ટીક ચાલુ હોય છે જેવું ગંતવ્ય સ્થાન આવે એટલે છેડે ઉભેલા બેચાર કમાન્ડો એક પછી એક આવનાર સ્પર્ધકને ટેકો આપવા કે કોણ કેટલામે નંબરે આવ્યો તે નકકી કરવા માટે માર્કર તરીકે સાથે ઉભા રહી જતા અમુક તો રનીંગ પુરુ કર્યા વગર જ બહાર નિકળી જતા.

Practice make man perfect તે ન્યાયે જયદેવ રનીંગમાં પહેલા નંબરે જ અને નિશ્ર્ચિત સમય કરતા વહેલો પહોંચી ગયો. દેવેન્દ્ર પણ તેની ટીમમાં અગ્રેસર રહ્યો. રહી વાત રોપ કલાઈમ્બીંગની મેદાનમાં લીંબડાના ઝાડની ડાળી સાથે દોરડુ બાંધેલ હતું. લગભગ ઉમેદવારો બે-ત્રણ ફુટ ચડીને પાછા આવતા હતા. તો અમુક તો દોરડાને અડીને જ પાછા આવતા હતા. જયદેવ સુકલકડી કાચા અને વળી પાછી પ્રેકટીસ કરેલી અને કયાં ગામડાનું કાથીવાળુ દોરડુ અને આ સુતરનું સુવાળુ આંટાળુ પકકડવાળુ દોરડુ, જયદેવ વાંદરાની જેમ દોરડુ ચડી લીમડાની ડાળીને થાપો મારીને નીચે આવ્યો અને અરધે આવતા જ ઠેકડો મારી ઉતરી ગયો. તેના પ્રમાણે અન્ય ઓપ્ટીકલો તો ચપળતા અને સ્પીડ ના હતા. લગભગ જયદેવ અવ્વલ નંબરે જ રહ્યો.

બપોર પછીના સેશનમાં જયદેવ અને દેવેન્દ્ર બન્નેને ન્યુમેન્ટલ આઈ.જી.પી.ઓફિસનું આમંત્રણ મૌખિક ઈન્ટરવ્યુ માટેનું મળ્યું. આઈ.જી.પી.કચેરીમાં પણ ઉમેદવારો અને તેમના સગા-વ્હાલા ટોળે વળીને મેદાનની બહાર ઉભા હતા. દરેક પોત-પોતાની લાગવગ અને ભલામણોની ગૌરવપૂર્વક વાતો કરતા હતા. કેટલાક ઉમેદવારો તો હવે પસંદગી જ પામી ગયાની અસરમાં આવી ગયા હતા તો કેટલાક ફોજદારીની અસરમાં આવી મગ‚રીથી છાતી કાઢીને આંટા મારતા હતા.

જયારે ઈન્ટરવ્યુ આપીને આવતા ઉમેદવારોના ચહેરા જોવા જેવા હતા. જેમના ઈન્ટરવ્યુ સાચા ગયા હોય તે રાજીના રેડ થઈને પોતાને કોણે કોણે શું શું પુછયું તેની વાતો કરતા હતા વળી કોઈ કહેતા હતા કે બધુ જ આવડયું તો કેટલાક રડમસ ચહેરે બહાર નીકળી નીચી મુંડીએ ચાલવા લાગતા. તો કેટલાક તેમના વાલીને ભેટીને રડતા હતા. કેમ જાણે ‘સાતેય વહાણ ડુબી ગયા હોય’.

આ બન્ને ગામડીયા જયદેવ અને દેવેન્દ્રને તો અમદાવાદ શહેરમાં જ કોઈ ઓળખતુ ન હતું અને સાથે કોઈ આવ્યુ ન હતું તેથી એકબાજુ ઉભા ઉભા આ તાયફો જોતા હતા. દરમ્યાન જયદેવનો નંબર આવ્યો અને તે અંદર ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યાં તેની સાથે નીચે મુજબ પ્રશ્ર્નોતરી થઈ.

સવાલ: તમારો અભ્યાસ કેટલો?

જવાબ: બેચલર ઓફ સાયન્સ

સવાલ: તમને શું શું શોખ છે?

જવાબ: વાંચન નો અને તરવા (સ્વીમીંગ)નો

સવાલ: તમે કઈ કઈ નવલકથાઓ વાંચી ?

જવાબ: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, દિવ્યચક્ષુ અને ધ લોસ્ટ હોરાઈઝન.

સવાલ: દિવ્ય ચક્ષુ નવલકથાનો સાર શું છે?

જવાબ: આ નવલકથા ભારત દેશ આઝાદ થયો પહેલા લખાયેલી પરંતુ તેમાં એક કાલ્પનીક દેશમાં આઝાદીની લડાઈ ભારત દેશની ગાંધીજી દ્વારા ભવિષ્યમાં થનાર અહિંસક આંદોલનની જેવી જ ચળવળનું વર્ણન છે.

સવાલ: આ નવલકથાના લેખક કોણ છે?

જવાબ: ર.વ.દેસાઈ

સવાલ: તેમનું પુરુ નામ શું છે?

જવાબ: રમણલાલ વસંતલાલ દેસાઈ.

સવાલ: કોલેજકાળમાં શોખ સિવાયની ઈતર પ્રવૃતિ શું હતી ?

જવાબ: એન.સી.સી. (નેવલવિંગ) અને હોમગાર્ડઝ.

સવાલ: તેમાં તમે શું શીખ્યા?

જવાબ: શિસ્ત, સ્કોડડ્રીલ, આર્મ્સડ્રીલ, વેપન ટ્રેનીંગ વિગેરે.

ઈન્ટરવ્યુ આપીને બન્ને જણા પાછા પોતાના ગામ વરતેજ આવી ગયા. બન્નેને પાકકો આત્મ વિશ્ર્વાસ હતો કે આ વખતે તેમના નામ પસંદગી યાદીમાં હશે, પરંતુ ફકત જયદેવને જ જુનાગઢ તાલીમ કેન્દ્રમાં જવાનો હુકમ મળ્યો. પરંતુ જયદેવ ગડમથલમાં હતો કે પોતે પોલીસ ખાતામાં ચાલશે કે કેમ ? જવું કે ન જવું ? અમુક જુના શિક્ષકોએ કહ્યું હજુ બીજુ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવશે. આ લાલચને જવા દયો. પરંતુ જયદેવને મનમાં સંશય હતો કે બીજી જાહેરાત કયારે આવશે અને આ લાગવગના જમાનામાં તેની તેમાં પસંદગી થાય કે કેમ ? તે પણ એક પ્રશ્ર્ન હતો.

ટેલીફોન ઓપરેટરની નોકરીથી જયદેવને અનુભવ થયો હતો કે પોતાની આટલી લાયકાત અને અભ્યાસ પ્રમાણે જો અધિકારીકક્ષાનો હોદો ન મળે તો તે બન્ને નકામા અને જીંદગી પણ નકામી. વળી મનમાં થયું કે આ ફોજદારની સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ પણ પોતે લેવા ગયો ન હતો. ઈચ્છા વગર જ તેના મોટાભાઈ પોતા માટે લાવેલા તે જ હતું. સૌપ્રથમ શારીરિક તપાસણીના દિવસે તો તેણે ભાવનગર જવાનું જ મોકુફ રાખ્યું હતું પરંતુ મિત્ર દેવેન્દ્ર તેને કહયા વગર જ તેડવા આવ્યો હતો ગયો અને તેમાં પસંદ થયો.

દોડવાની અન્ય ઓપ્ટીકલ સ્પર્ધાઓની જ તૈયારી કરી હતી. લેખિત કે ઈન્ટરવ્યુની કોઈ તૈયારી કરી ન હોવા છતાં સફળ થયો છે તો આ ઘટનામાં ઈશ્ર્વરનો કાંઈક સારો સંકેત છે અથવા તેમની ઈચ્છા છે. આથી જયદેવે જુનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજમાં જવા તૈયારીઓ ચાલુ કરી દીધી. વાળ કપાવી નાખ્યા, બેગ બીસ્તરા બાંધ્યા અને ટેલીફોન ઓપરેટરની નોકરીમાંથી રાજીનામુ આપી તેમાંથી છુટો થઈ ગયો. આ રીતે ગુજરાત પોલીસદળમાં એક જુદા જ પ્રકારના અધિકારીનો ઉમેરો થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.