Abtak Media Google News

છાનીછુપી રીતે આવ્યો કે ભૂલથી, હજુ સુધી કોઈ ફોડ પડયો: વિદેશથી પહોંચેલા મુસાફરના કારણે તંત્ર ધંધે લાગ્યું: મુંબઈના એરપોર્ટ અને આરોગ્ય વિભાગની બેદરકારી ખુલી પડી

કલેકટરના આદેશથી વિદેશથી આવેલા નાગરિકને પ્રથમ હોટલ પેટ્રીયામાં કવોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ, નાગરિક પાસે પૈસા જ ન હોવાથી અંતે ગોંડલ ખાતેના સરકારી કવોરેન્ટાઈન ફેસેલીટી સેન્ટરમાં આશરો અપાયો

તાન્ઝાનિયાથી આજે એક મુસાફર ભેદી રીતે ફલાઈટથી રાજકોટ પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ મુસાફર વાયા મુંબઈ થઈને આવ્યો હોય. રાજકોટમાં તંત્ર ધંધે લાગી ગયું હતું. જો કે, હજુ સુધી આ નાગરિક જાણી જોઈને આવ્યો કે, ભુલથી આવી પહોંચ્યો તે મામલે અધિકારીઓ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવી નથી. આ ઘટના બાદ કલેકટરે તુરંત નાગરિકને કવોરન્ટાઈન કરવાના આદેશ આપ્યા હતા. માટે તેને હોટલ પેટ્રીયામાં કવોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. પરંતુ આ નાગરિક પાસે પૈસા ન હોવાથી અંતે તેને ગોંડલ ખાતેના સરકારી કવોરન્ટાઈન ફેસેલીટી સેન્ટરમાં આશરો અપાયો છે.

મુંબઈથી રાજકોટ શરૂરૂ થયેલી સ્પાઈસ જેટની ફલાઈટમાં એક વિદેશી નાગરિક પહોંચી આવ્યો હતો. તાન્ઝાનિયાથી મુંબઈ આવેલો મોહમદ દાનિશ બુખારી ત્યાંથી રાજકોટની ફલાઈટમાં ચડી ગયો હોય અને રાજકોટ એરપોર્ટ પર પહોંચી પણ ગયો હતો. જો કે, ફલાઈટ ઉપડી ગયા બાદ મુંબઈની એરપોર્ટ ઓથોરીટીને જાણ થતાં તેને  રાજકોટ કલેકટરનો સંપર્ક સાધ્યો હતો અને રાજકોટ કલેકટરના આદેશથી આ નાગરિકને એરપોર્ટ પર ઉતર્યા વેંત જ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો. જો કે, આ નાગરિક હકીકતમાં ભરૂચ જવા ઈચ્છતો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ નાગરિક ભુલથી રાજકોટ આવી પહોંચ્યો છે કે, છાનીછુપી રીતે આવી પહોંચ્યો છે તે અંગે હજુ સુધી કોઈ અધિકારીએ જાહેર કર્યું નથી.

મુંબઈ એરપોર્ટ ઉપર આ વિદેશી નાગરિક રાજકોટની ફલાઈટમાં બેસી ગયો ત્યાં સુધી ત્યાંના સત્તાધીશોને કોઈ જાણસુદ્ધા પણ થઈ ન હતી. આમ મુંબઈના આરોગ્ય અને એરપોર્ટ વિભાગની બેદરકારી આ ઘટનાને કારણે છત્તી થઈ ગઈ છે. જો કે ફલાઈટ ઉપડી ગયા બાદ તેઓને આ ઘટના અંગે જાણ થતાં રાજકોટ તંત્રનો સંપર્ક સાધ્યો હતો અને રાજકોટમાં દોડધામ મચી જવા પામી હતી. અધિકારીના કાફલાએ તુર્ત જ એરપોર્ટ પર જઈ આ વિદેશી નાગરિકને અટકાવીને એરપોર્ટ રોડ પર આવેલ હોટલ પેટ્રીયામાં કવોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ હોટલમાં કવોરન્ટાઈન થવાના નાણા ચૂકવવા પડતા હોય વિદેશી નાગરિકે હાથ ઉંચા કરીને કહી દીધું હતું કે, મારી પાસે પૈસા જ નથી. અંતે તંત્રએ આ નાગરિકને ગોંડલ ખાતે આવેલ સરકારી કવોરન્ટાઈન ફેસેલીટી સેન્ટરમાં ખસેડ્યો છે. ઉપરાંત મળતી માહિતી પ્રમાણે રાજકોટ એરપોર્ટ ઉપર વિદેશી નાગરિકે પ્રથમ ભરૂચ જવાનું હોવાનું રટણ કર્યું હતું. બાદમાં અધિકારીઓએ કવોરન્ટાઈનની તજવીજ હાથ ધરતા તેઓએ જૂનાગઢ જવા દેવાની આજીજી કરી હતી. આ વેળાએ વિદેશી નાગરિક રડી પડ્યો હતો. અંતે મામલો થાળે પડ્યો હતો અને આ વિદેશી નાગરિકનું મેડિકલ ચેકઅપ કરી તેને ગોંડલ લઈ જવાયો છે અને ત્યાં ૧૪ દિવસ કવોરન્ટાઈન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.