Abtak Media Google News

અગાઉ ૨૩૫૦ કર્મચારીઓ માટે યુનિફોર્મ ખરીદવા રૂા.૧.૮૯ કરોડનો ખર્ચ મંજૂર કરવા આવેલી દરખાસ્ત સ્ટેન્ડિંગે ફગાવ્યા બાદ રી-ટેન્ડર કરાતા ૪૦૦૦ કર્મચારીઓ માટે હવે માત્ર ૬૬ લાખમાં જ યુનિફોર્મની ખરીદી કરાશે

કોર્પોરેશનના કર્મચારીઓને ગણવેશ આપવા માટે કાપડ ખરીદવામાં અધિકારીઓ દ્વારા મસમોટુ કૌભાંડ આચરવાની વેંતરણ કરવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડની સતર્કતાથી અટકી ગયું છે. યુનિફોર્મ ખરીદીમાં રૂા.૧.૨૨ કરોડનો કદડો સ્ટેન્ડિંગ કમીટીએ અટકાવી દીધો છે. અગાઉ જ્યારે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે ૨૩૫૦ કર્મચારીઓ માટે યુનિફોર્મનું કાપડ ખરીદવા માટે રૂા.૧.૮૯ કરોડ ખર્ચ મંજૂર કરવાનું સુચવવામાં આવ્યું હતું. જે દરખાસ્ત સ્ટેન્ડિંગે ઉંચા ભાવ લાગતા ફગાવી દીધી હતી અને રિ-ટેન્ડર કરવાની સુચના આપી હતી. જે અંતર્ગત હવે ૨૩૫૦ના બદલે ૪૦૦૦ કર્મચારીઓને યુનિફોર્મ આપવામાં આવશે અને તેનો ખર્ચ પણ માત્ર રૂા.૬૬ લાખ જ થશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મહાપાલિકાના ૧૨૦૦ સફાઈ કામદારો અને ૧૧૫૦ થી સફાઈ કામદારોને ગણવેશનું કાપડ આપવા રૂા.૧.૮૯ કરોડ મંજૂર કરવા તા.૨૪-૧૦-૨૦૧૮ના રોજ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન ન્યુ ઈન્ડિયા દ્વારા પ્રતિ સફાઈ કામદાર દીઠ રૂા.૨૫૯૨નો ભાવ આપવામાં આવ્યો હતો. જે વધુ લાગતા દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટીએ નામંજૂર કરી અને ફરી ટેન્ડર પ્રસિધ્ધ કરવા સુચના આપવામાં આવી હતી. ટેન્ડર થયા બાદ ગણવેશ મેળવવા પાત્ર તમામ કર્મચારીઓને રેગ્યુલર ગણવેશ આપવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય હેન્ડલુમ તથા મોદી કોર્પોરેશન તરફી ભાવો આપવામાં આવ્યા છે. બે બ્લોકનું ગણવેશ ખરીદીનું કાપડ ખરીદવા માટે રૂા.૩૬.૬૬ લાખ અને રૂા.૨૯.૮૩ લાખ સહિત કુલ રૂા.૬૬.૫૦ લાખ થાય છે.

તેઓએ ઉમેર્યું હતું કે, અગાઉ ૨૩૫૦ કર્મચારીઓને ગણવેશનું કાપડ આપવાનો ખર્ચ રૂા.૧.૮૯ કરોડ તો હતો. હાલની દરખાસ્તમાં સફાઈ કામદારો ઉપરાંત તમામ ૪ હજાર કર્મચારીઓને બે બ્લોકનું ગણવેશનું કાપડ ખરીદવાનો કુલ ખર્ચ રૂા.૬૬.૫૦ લાખ થાય છે. દરખાસ્ત પર મોકલવામાં આવતા હવે મહાપાલિકાને માત્ર ૩૫.૧૭ કરોડમાં જ ગણવેશ મળશે અને અંદાજે રૂા.૧.૨૨ કરોડનો ફાયદો થશે.

ફાયર બ્રિગેડ માટે હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવામાં ઢીલ કેમ: ડીએમસીનો ઉધડો લેતા સ્ટે.ચેરમેન

૨૨ માળના બિલ્ડીંગમાં આગ લાગશે અને કોઈ જાનહાની સર્જાશે તો તેની જવાબદારી કમિશનર કે ડીએમસીની જ રહેશે: કાનગડે રોકડુ પરખાવ્યું

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ફાયર બ્રિગેડ શાખા માટે ૮૧ મીટરનું હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવા માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. છતાં અધિકારીઓ દ્વારા એક વર્ષી વધુ સમય વીતી ગયો છતાં પ્લેટફોર્મ ખરીદવા માટે ગંભીરતાપૂર્વક કોઈ કામગીરી કરવામાં આવતી ની. તાજેતરમાં શહેરના એક જાણીતા બિલ્ડરે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનને પત્ર લખી હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવાની કામગીરી ઝડપી હાથ ધરવા રજૂઆત કરી હતી. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ઉદય કાનગડે ડીએમસી પ્રજાપતિ સહિતના અધિકારીઓને ઘઘલાવી નાખ્યા હતા. હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવામાં શા માટે ભેદી ઢીલ દાખવવામાં આવે છે તેનો ખુલાસો કરવા જણાવ્યું હતું. નેગોશીએશન સહિતની પ્રક્રિયા તાત્કાલીક પૂર્ણ કરી ખર્ચ મંજૂરી માટે સ્ડેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવા સુચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ૨૨ માળ સુધી ઉંચાઈની બિલ્ડીંગો બનાવવા લાગી છે. આ બિલ્ડીંગોમાં આગ લાગે તો તેને બુઝાવવા માટે મહાપાલિકા પાસે સાધન ઉપલબ્ધ નથી. ફિનલેન્ડની કંપની પાસેી ૨૦ કરોડના ખર્ચે ૮૧ મીટરની ઉંચાઈનું હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા એક વર્ષી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પ્લેટફોર્મ ખરીદી માટે કોઈ નિર્ણય લેવાયો ની. તાજેતરમાં જાણીતા બિલ્ડર દ્વારા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન થકી એવા મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરમાં ૨૨ માળના બિલ્ડીંગો બનવા માંડયા છે અને આ પ્રોજેકટ થકી મહાપાલિકાને એફએસઆઈના પણ કરોડો રૂપિયા પણ મળે છે છતાં મહાપાલિકા દ્વારા આવા બિલ્ડીંગોમાં આગ લાગે તો તેને બુઝાવવા માટે પુરતા સાધનો ઉપલબ્ધ નથી. આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ મુદ્દે ચેરમેન ઉદયભાઈ કાનગડે ફાયરબ્રિગેડનો હવાલો સંભાળતા ડીએમસી પ્રજાપતિને ઠપકો આપ્યો હતો અને એવી તાકીદ કરી હતી કે, જો રાજકોટમાં ૨૨ માળના બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બનશે અને કોઈ જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિ.કમિશનર કે ડીએમસીની રહેશે. ડીએમસીએ એવો ખુલાસો કર્યો હતો કે, હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવા માટે હાલ પ્રક્રિયા નેગોશીએશનના તબક્કામાં ચાલી રહી છે ત્યારે ચેરમેને જવાબ આપ્યો હતો કે, નેગોશીએશનના કામ તાત્કાલીક પૂર્ણ કરી ખર્ચ મંજૂરી માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.