Abtak Media Google News

ચીનની સીમા પર ત્રણ  અને પાકિસ્તાનની સીમા પર એક સુરંગ બનાવવા સેનાએ નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમીટેડ સાથે કરાર કર્યો: સુરંગમાં ૮૦૦ મેટ્રિક ટન ગોળા-બારુદ રાખી શકાશે

ભારતીય સેનાએ પાકિસ્તાન અને ચીનની સીમા પર ગોળા-બારુદ અને અન્ય હથિયાર રાખવા માટે ચાર સુરંગો બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સેનાએ નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમીટેડ સાથે કરાર કર્યો છે. જેને બનાવવા માટે આશરે ૨ વર્ષ સુધીનો સમય લાગશે. જેમાં ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે આ સુરંગમાં આશરે ૮૦૦ મેટ્રિક ટન ગોળા -બારુદ રાખી શકાશે.

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ભારત-ચીન સીમા પર ત્રણ સુરંગો બનાવવામાં આવશે. એક સુરંગ ભારત-પાકિસ્તાન સીમા પર બનશે. આ યોજનાનો હેતું ભારત-ચીનની સીમા પર ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરવાનો છે. આ સીમા ઊંચાઈ પર આવેલી હોવાથી ભારે હથિયારોને લઈ જવામાં મુશ્કેલી પડે છે.

આ સુરંગ બન્યા બાદ તેમાં સેના ગોળા-બારુદ સાથે અન્ય હથિયારો પણ રાખી શકશે. એક સુરંગમાં આશરે ૨૦૦ મેટ્રિક ટન ગોળા-બારુદ રાખવામાં આવશે.  સૈન્યના સાધનો નુકસાનથી બચી શકશે. મળતી માહિતી પ્રમાણે ભારત લાંબા સમયથી ચીન અને પાકિસ્તાનની સીમાઓ પર સુરંગ બનાવવા માગતો હતો. આ સુરંગો ઉત્તર અને પૂર્વ સીમા પર ઊંચાઈ વાળા વિસ્તારમાં બનાવવામાં આવશે. જેનાથી સેનાની ક્ષમતામાં વધારો થશે. સાથે જ દુશ્મનોના હુમલાઓથી ગોળા બારુદ અને અન્ય ઉપકરણોને નુકસાનથી બચાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.