Abtak Media Google News

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત

કાલે સાઈકલોફન અને તારે જમી પર કાર્યક્રમ: અન સંગ ફિરોઝ, પ્લાસ્ટીક ભારત છોડો સહિતના આયોજન

ગુજરાત સરકાર દ્વારા આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સૌ શહેરીજનોમાં વધુને વધુ  રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની લાગણી પ્રગટે તેવા ઉમદા હેતુ તા.૨૫મી સુધીના સમયગાળા દરમિયાન યોજાનાર વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોની બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ  મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમાર દ્વારા આજે વિગતો જાહેર કરવામાં આવી હતી.

બી.આર.ટી.એસ.ના તમામ બસ સ્ટોપ, રેસકોર્સ રિંગ રોડ, અને શહેરના મુખ્ય બગીચાઓમાં રહેલા સ્પીકર (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરના તમામ આરોગ્ય સેન્ટર ખાતે સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા દરમ્યાન ગર્ભ સંસ્કાર કેમ્પનું આયોજન રહેશે. જ્યારે શહેરના તમામ આરોગ્ય સેન્ટરો અને વૃદ્ધાશ્રમ ખાતે પણ સિનિયર સિટિઝન અને રેગ પીકર્સ માટે ખાસ આરોગ્ય કેમ્પ ચાલુ છે.

આજે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે બાળ તંદુરસ્તી હરિફાઇ યોજાશે. જ્યારે આ જ દિવસે સાંજે ૬:૦૦ વાગ્યાથી બાલભવન ખાતે સતત ૩૧ કલાક સુધી એટલે કે તા.૨૦ના રાત્રે ૧:૦૦ વાગ્યા સુધી નોનસ્ટોપ ચાલનારો કરાઓકે આધારિત સંગીત કાર્યક્રમ યોજાશે.

કાલે સવારે ૬:૦૦ વાગ્યે શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્સ મેદાન ખાતે સાઈક્લોફ્નનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ખુબ મોટી સંખ્યામાં બાળકો અને મોટેરાઓ પણ ભાગ લેશે.

સાંજે ૫:૦૦ વાગ્યે શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે “તારે જમી પરનું આયોજન થનાર છે જેમાં શહેરના દિવ્યાંગ બાળકો માટે મનોરંજન કાર્યક્રમો થશે. ઉપરાંત આ જ દિવસે રાત્રે નાના મવા સર્કલ પાસેના મેદાન, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે રાત્રે ૯:૦૦ વાગ્યે લોકડાયરો યોજાશે જેમાં પ્રખ્યાત કલાકાર ઓસમાણ મીર રમઝટ બોલાવશે.

પૂ. શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે “અન સંગ હીરોઝ કાર્યક્રમનું આયોજન થનાર છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પાયાના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવશે.

7537D2F3 7

૨૨મીએ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી કુવાડવા રોડ પર પૂ. શ્રી રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે “માં વાત્સલ્ય કાર્ડ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ તા. ૨૨ થી તા.૨૬ સુધી રેસકોર્સ રિંગ રોડ, શહેરના મુખ્ય સર્કલોમાં થીમ બેઇઝ્ડ ડેકોરેશન  અને રાજકોટ મહાનગરપાલિકાની બિલ્ડીંગો આકર્ષક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવશે. તા.૨૩ થી તા.૨૫ સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ “પ્લાસ્ટિક ભારત છોડોનું આયોજન કરવામાં આવશે.

તા. ૨૪મીના રોજ રેસકોર્સ રિંગ રોડ પરના તમામ ૮૫ લાઈટીંગ પોલ પર વિશિષ્ટ પ્રકારની મોટીફ લાઈટીંગથી ડેકોરેશન કરવામાં આવશે. આ પોલ પર આ લાઈટીંગ પરમેનન્ટ રહેશે. આ ખાસ લાઈટનું ઉદઘાટન રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. તા.૨૪-૦૧-૨૦૨૦ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાન ખાતે જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. તા.૨૪-૦૧-૨૦૨૦ના રોજ રેસકોર્સ ગાર્ડન ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી “ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં અલગઅલગ પ્રકારના ફૂલછોડ, ઉપરાંત વિવિધ થીમ જેવી કે, સ્વાસ્થ્ય, પર્યાવરણ, બેટી બચાવ, સ્માર્ટ સિટી, હરિયાળું રાજકોટ સુંદર રાજકોટ, ક્લીન રાજકોટ, શિક્ષણ, એકાત્મતા અને બંધુત્વ વગેરે પર સંદેશાઓનો પણ પ્રસાર કરવામાં આવશે. સાથોસાથ રેસકોર્સ રિંગ રોડ પર એક શાનદાર કાર્નિવલનું આયોજન કરવામાં આવશે જેમાં ૨૦ હજારથી વધુ બાળો હ્યુમન ચેઈનનું નિર્માણ કરશે. તેમજ વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા અલગઅલગ રાજ્યોની સંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે. તા. ૨૫૨૪મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બે કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર “બૂક ફેરનું ઉદઘાટન મુખ્યમંત્રી કરશે. જ્યારે આ જ દિવસે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ.૬૦૦ કરોડથી વધુ ખર્ચના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.