Abtak Media Google News

અભાવમાંથી સ્વભાવ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજેય સ્નાનમાં એક બાલ્ટી પાણી વાપરે છે

ચામડી બાળી નાખે એવો તડકો. જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામની સીમ એવી ધખતી હતી કે જાણે ભઠ્ઠી ! નેશનલ હાઇવે પાસે આવેલું તળાવ તો મૃગજળથી ભરાઇ ગયું હોય એવો માહોલ. આવો તાપ પણ બૂલડોઝરથી તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીને રોકી શક્યો નહોતો. એવામાં ચારપાંચ સરકારી ગાડીનો કાફલો ત્યાં આવી પહોંચ્યા. એક ગાડીમાંથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉતર્યા. સૂરજદાદાના પ્રકોપની લગીરેય પરવાહ કર્યા વીના સીધા માટી ભરવા માટે આવેલા ટ્રેક્ટરોના ચાલકો પાસે પહોંચ્યા. ચાલકોને મળ્યા અને માટીની ઉપયોગીતા વિશે પૂછ્યું. તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી નિહાળી.

તેમનું મૂળ ધોળકા. ભાલ પ્રદેશનો આ વિસ્તાર સૂકો અને પાણીની કાયમી અછત ધરાવતો પ્રદેશ. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના બાલ્યકાળ દરમિયાન જ પાણીની તંગી કેવી હોય એવો સારો એવો અનુભવ કર્યો. ધોળકા ગામમાં બે તળાવ. એક સાંભર અને બીજું બનેસર. આ બેય તળાવમાં શિયાળાના મધ્ય સુધી પાણી રહે. તેમના પિતાના ઘરે મહેમાનોનો આવરોજાવરો પ્રમાણમાં વધુ રહે, એટલે પાણીની જરૂરિયાત પણ થોડી વધુ. એટલે, શ્રી ભૂપેન્દ્રસિંહે ગાડે બળદ જોતરી, તેમાં ત્રણ ટીપ મૂકી. ટીપ રકી ન જાય એટલા માટે તેના ફરતે દોરડા બાંધીને તળાવે પાણી ભરવા જવાનું.
તળાવમાંથી ટીપમાં પાણી હાથે જ ભરવાનું. આ કામ કાહટીવાળું. ક્યારે આવા ત્રણચાર ફેરા વેવવા (ભરવા) પડે. ઘરમાં પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે.

Special Interview Of Bhupendrasinh Chudasama On Sujlam Suflam Yojna 6પાણીના આ અભાવે તેમના સ્વભાવનું એવું ઘડતર કર્યું કે આજેય તેઓ પાણી કરકસરપૂર્વક વાપરે છે. કેવી રીતે ? ચાલો જાણીએ તેઓ કહે છે, હું કોઇ હોટેલમાં ઉતર્યો હોઉ કે ઘરે હોઉ. સ્નાન કરવામાં માત્ર એક બાલ્ટીનો ઉપયોગ કરૂ છું. શાવરથી સ્નાન કરતો નથી. ગાંધીનગરમાં પાણી પૂરતા પ્રમાણમાં મળે છે. પણ, અમે માત્ર અમારા ખપ પૂરતું જ પાણી વાપરીએ છીએ. ઘરમાં પોતા કર્યા હોય તો તે પાણીનો શૌચાલય સાફ કરવામાં ઉપયોગ કરીએ છીએ. કપડા ધોવામાંથી નીકળેલું પાણી વાસણને પ્રથમ વખત સાફ કરવામાં વાપરી શકાય છે. એ બાદ વાસણને સારા પાણીથી ધોઇ શકાય છે. જેટલી તરસ લાગી હોય એટલું જ પાણી લઉં છું. સરકારી કાર્યક્રમોમાં એક લિટરની બોટલ પાણીની આપવામાં આવે ત્યારે તેની સાથે ગ્લાસ પણ આપવાની સૂચના આપું છું. જેથી, એક મોટી બોટલમાંથી બીજા લોકોને પણ પાણી આપી શકાય છે.

પાણી બચતના મંત્રને જીવનમાં સંપૂર્ણપણે ઉતારનારા મંત્રીશ્રી ચુડાસમા દ્રઢપણે માને છે કે કોઇ ધાર્મિક સપ્તાહ અને પારાયણ જેટલું જ જળ સંચયનું કાર્ય મહત્વનું છે. ભૂતળમાં પાણીની સ્થિતિ અંગેના પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, બહુ થોડા દાયકા પૂર્વે આપણે ત્યાં ૧૫ ફૂટ ઉંડા કૂવામાંથી કોસ વડે પાણી ખેંચી પીયત કરવામાં આવતું હતું. હવે સ્થિતિ એવી છે કે, ગુજરાતમાં ૫૦૦થી ૮૦૦ ફૂટ બોરવેલ કરી પાણી કાઢવામાં આવે છે. આટલા ઉંડા બોરમાંથી નીકળતું પાણી પીવા લાયક પણ હોતું નથી. ગુજરાતે ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૮૭ સતત ત્રણ વર્ષ દુષ્કાળ સહન કર્યો છે.

Special Interview Of Bhupendrasinh Chudasama On Sujlam Suflam Yojna 7તે સમયે જીવમાત્રની સ્થિતિ દયનીય હતી. વરસાદી પાણીના સંગ્રહ માટે વિચારવાનો તે તબક્કો ત્યારથી પ્રારંભ થયો. ઇઝરાયેલમાં સાવ નજીવા પ્રમાણમાં વરસાદ પડે છે. તેમ છતાં ત્યાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય છે અને સારી ખેતી થાય છે. આપણે ત્યાં ગુજરાતના વિવિધ પ્રાંતમાં સરેરાશ ૨૫થી ૩૦ ઇંચ વરસાદ પડે છે અને સ્થિતિ એવી ઉભી થાય છે કે એક વખત વરસાદ ન પડે તો ખેડૂતનો ૧૬ આની વરસનો પાક ૧૨ આની વરસનો થઇ જાય છે. ખેડૂતને નુકસાન થાય છે. તેનો શ્રેષ્ઠ વિકલ્પ જળસંચય છે.

જળસંચયના કામોથી પ્રથમ વખત ક્યાંરે સંપર્કમાં આવ્યા ? એવું પૂછતા તેઓ કહે કે, વર્ષ ૧૯૯૫માં કેશુભાઇ પટેલની સરકારમાં કૃષી અને ગ્રામ વિકાસ મંત્રી હતો ત્યારે ખેત તલાવડીની ઝૂંબેશ ઉપાડવામાં આવી હતી. તે સમયે જળસંચયના કામો પુષ્કળ પ્રમાણમાં ઉપાડવામાં આવી હતી. બિનસરકારી સંસ્થાઓના સહયોગથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ચેકડેમો, ખેત તલાવડી બનાવવાના ઘણા કામો કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૫ સુધી આ ઝૂંબેશ પૂરજોશમાં ચાલી. વળી, તે બાદના વર્ષોમાં વરસાદ પણ સારો પડ્યો. એટલે જળસંચયના કામો ધીમા પડ્યા. પાણીની બચત કરવી એ માનવસહજ સ્વભાવમાં નથી. હવે, ગત્ત વર્ષે ઓછા પડેલા વરસાદને આ વખતે ઇશ્વરીય સંકેત ગણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ્ સુફલામ જળ અભિયાન ઉપાડ્યું છે. ગુજરાતના ૧૧ હજાર તળાવોની જળ સંગ્રહ શક્તિ વધારવાની છે. આ વિરાટ અભિયાન છે.

Special Interview Of Bhupendrasinh Chudasama On Sujlam Suflam Yojna 18તેઓ ઉક્ત વાતમાં ઉમેરો કરે છે, ગુજરાત સરકારની ફ્લેગશીપ યોજનાઓ વાયબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગ્રામીણ પ્રવાસન પ્રોજેક્ટને જેમ અન્ય રાજ્યના પ્રતિનિધિ મંડળ જોવા અને સમજવા માટે આવે છે, એ જ રીતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનને જોવા અને સમજવા માટે અન્ય રાજ્યના પ્રતિનિધિ મંડળો આવશે.મંત્રીશ્રી ચુડાસમા જણાવે છે કે, જળ અભિયાનથી ગુણાત્મક પરિવર્તન આવશે. ખેડૂતો, ઉદ્યોગકારો, ગૃહિણીઓ, શ્રમિકો સૌ કોઇ આ અભિયાનમાં સહભાગી બન્યા છે. જનભાગીદારી વધી છે.

આવતા દિવસોમાં પાણીનો વધુ સંગ્રહ થતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે, એમાં કોઇ શંકાને સ્થાન નથી. એટલા માટે જ પહેલા વિરોધ કરનારા લોકો આ અભિયાનની સફળતાને કારણે ચૂપ છે. જળ અભિયાન તમામ ધર્મ, જાતિ અને વર્ગના લોકો જોડાયા છે. સૌ કોઇને તેનાથી ફાયદો થવાનો છે. આપણી કમનસીબી છે કે પાણીના કારણે હુલ્લડ થાય છે. હવે, આવું ન બને તે માટે પાણીને બચાવવું જ પડશે. ગુજરાત એ કરી બતાવે છે. આ કામ સામાન્ય નથી. જળ સંચયમાં ગુજરાતે આગેવાની લીધી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.