પોલીસને ન ગમતી નોકરી એટલે કેદી પાર્ટી

જેલમાંથી કોર્ટ મુદતે લઇ જવાતા અને હોસ્પિટલમાં સારવારમાં દાખલ થતા કેદી માટેના બંદોબસ્ત માથાના દુ:ખાવા સમાન

કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી થાય તો જ સરકારને આર્થિક બોજ હળવો બને

રાજય અને જિલ્લા બહાર કેદીને કોર્ટ મુદતે લઇ જવાની ઘટના તલવારની ધાર પર ચાલવા જેવી

કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકોના જાન માલના રક્ષણની કરવાની પોલીસની પ્રથમ ફરજ છે ખુખાર અપરાધી પોલીસથી ફફડતા હોય છે. પરંતુ પોલીસની નોકરી પણ પડકારજનક છે. તેમાં કેદી પાર્ટીમાં ફરજ બજાવવી એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે. કેદીના જાપ્તાની ફરજ બજાવતા પોલીસને પોતાની નોકરી બચાવવાની સાથે આક્ષેપથી પણ બચવું પડે છે.

આઝાદી સમયથી પોલીસની ભરતી બે પ્રકાર રહ્યા છે તેમાં આરામ અને અનાર્મ્ડ પોલીસ આરામનો સ્ટાફ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતો હોય છે અને અનાર્મ્ડ પોલીસ જુદા જુદા પોલીસ મથકમાં ઇન્વેસ્ટીગેશન સહિતની કામગીરી કરે છે. હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસને કેદી પાર્ટીની જ નોકરી ફાળવવામાં આવે છે.

જેલમાંથી કોર્ટ મુદતે લઇ જવાની જવાબદારી અને જેલમાંથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થતા કેદીઓ પર બંદોબસ્ત જાળવવાની ફરજ બજાવતા પોલીસ સ્ટાફને કેદીઓ સામાન્ય રકમની લાલચ અથવા ચા-પાણી પીવડાવી કેદીઓ પોતાના સગા-સંબંધીને મળવાની સગવડ ભોગવતા હોય છે અને પોલીસ સ્ટાફ તેમાં આંખ આડા કાન કરતા હોય છે.

સામાન્ય લોભ અને લાલચના કારણે ઘણી વખત કેદીઓ બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફને ચકમો દઇ ભાગી જતા હોય છે ત્યારે બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરાતા હોય છે. જ્યારે પોલીસ સ્ટાફ ફરજ પ્રત્યે સજાગ રહી કડકાઇથી કામ કરે તો તેના પર આક્ષેપ થતા હોય છે. પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ માટે હમેશા કાટાળા તાજ જેવી નોકરી હોય છે.

હોસ્પિટલની જેમ કોર્ટ મુદતમાં કેદીઓને લાવવામાં આવે ત્યારે પણ તેના અદાલતમાં કેદીઓના સગા-સંબંધીઓ ઉમટી પડતા હોવાથી પોલીસ અને કેદીઓના સગા-સંબંધીઓ વચ્ચે અવાર નવાર ઘર્ષણ થતા હોય છે. જેલમાંથી કેદીને કોર્ટમાં લાવવામાં આવે ત્યારે સરકારી વાહનની વ્યવસ્થા ન થાય ત્યારે કેદીઓને રિક્ષા અથવા પોતાના બાઇક પર લાવવામાં આવે છે ત્યારે કેદી સામે ફરિયાદ નોંધાવનારાઓ પોલીસ દ્વારા કેદીઓને સગવડ આપવામાં આવતી હોવાના આક્ષેપ કરતા હોય છે.

જેલમાં રહેલા કેદીઓ સામે અન્ડર ટ્રાયલ સુનાવણી ચાલતી હોય ત્યારે તેઓને કોર્ટમાં હાજર રાખવાની કાયદાકીય જોગવાના કારણે કેદીઓ માટે જરૂરી બંદોબસ્ત ફાળવવામાં આવે છે. વર્ષો જુની પરંપરા મુજબ કાર્યવાહીના બદલે કમ્પ્યુટર યુગમાં જેલમાં રહેલા તમામ કેદીઓની સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા થાય તો કેદી પાર્ટી ફાળવવાની જરૂર જ ન રહે અને સરકારી મશીનરીનો ખર્ચ બચવાની સાથે ન્યાય ઝડપી બને તેમજ કેદીઓ ભાગી જવાની ઘટના પણ બનતી અટકી શકે છે. પરંતુ અમુક જ કેસમાં વીડિયો કોન્સ્ફરથી સુનાવણી થાય છે. જેલમાંથી મોટી સંખ્યામાં કેદીઓને કોર્ટ મુદતમાં બહાર ગામ લઇ જવામાં આવે ત્યારે સરકારી વાહન ફાળવવામાં આવે છે પરંતુ પુરતો સ્ટાફ ન હોવાના કારણે એક પછી એક કેદીને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. દસ કેદી સામે માત્ર પાંચ પોલીસ સ્ટાફ જ બંદોબસ્તમાં હોય ત્યારે એક કેદીને કોર્ટમાં રજુ કરવામાં આવે ત્યારે બાકી રહેલા નવ કેદીઓને પોલીસના વાહનમાં બેસાડી તેના પર બંદોસ્તમાં ત્રણ સ્ટાફ જ ફરજ બજાવતો હોય છે. ત્યારે કેદીઓના સગા સાથે પોલીસને માથાકૂટ થતી હોય છે અને ભાગી જવાની વધુ સંભવના રહેતી હોવાથી કોર્ટમાં જ લોકઅપ જેવી સગવડ ઉભી કરવામાં આવે તો કેદી પાર્ટીમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફને ઘણી મુશ્કેલી હળવી થાય તેમ છે.

કેદીઓને જિલ્લા બહાર કે રાજય બહાર કોર્ટ મુદતે લઇ જવામાં આવે ત્યારે પોલીસ માટે મોટો પડકાર બનતો હોય છે. એકાદ બે કેદીઓને સરકારી વાહનના બદલે બસ અને રેલવે દ્વારા કોર્ટમાં લઇ જવામાં આવે ત્યારે પોલીસને રિર્ઝવેશનની સગવડ આપવામાં ન આવતી હોવાથી કેદીઓ અને પોલીસને મુસાફરી દરમિયાન દયાજનક હાલતમાં આવી જતા હોય છે. કેદી અને બંદોબસ્તમાં રહેલો પોલીસ સ્ટાફને માત્ર ટિકિટના બદલે મુસાફરી માટે વોરન્ટ આપવામાં આવતુ હોવાથી બંદોસ્તમાં લાંબી મુસાફરી કરતા પોલીસને કેદીને સાચવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Loading...