Abtak Media Google News

રૂ. ૫.૨૦  લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા  સાથે ત્રણ શખ્સોને ઝડપી લેતું એસઓજી: રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાં અન્ય બે સાગરીતોની મદદથી મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી શાખાની ટીમે ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક પકડી પાડ્યું છે અને રૂપિયા પાંચ લાખ ૨૦ હજારની કિંમતનો જથ્થો કબજે કરી લઇ ત્રણ શખ્સોની અટકાયત કરી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી ની ટીમે પાડેલા આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા ઇમ્તિયાજ જુસબભાઈ  ખેરાણી નામના શખ્સ દ્વારા તેના બે સાગરીતો તોહીદ હનીફભાઈ ખલીફા અને સલીમ કરીમખાન લોદિન દ્વારા મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, અને રહેણાક મકાનમાં સંતાડી તેનું ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે એસઓજીની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી રૂપિયા પાંચ લાખ ૨૦ હજારની કિંમતનો ૫૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માલમતા સહિત એસઓજીની ટીમે કુલ પાંચ લાખ ૯૧ હજારની માલ સામગ્રી કબજે કરી લઈ ત્રણેય શખ્સોની અટકાયત કરી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણેય શખ્સો સામે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને ઉપરોક્ત નશીલા પદાર્થનો જથ્થો મુંબઈ તરફથી આયાત થયો હોવાથી પોલીસે તપાસનો દોર મુંબઈ તરફ લંબાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.