Abtak Media Google News

ખાખી વર્ધી પાછળ એક દિલ પણ હોય છે તેવો અહસાસ કરાવતો પ્રેરક કિસ્સો

પરિવારની પડખેે ઉભો રહે તે પોતાનો ભાઇ: મહિલાનો પ્રતિભાવ

હંમેશા કડક ખાખી ધારી પોલીસ સામે કડકાઈ ના આક્ષેપો થતા રહેતા હોય છે, પરંતુ એ ખાખી વધી પાછળ એક કોમળ દિલ પણ હોય છે, અને એટલી જ સંવેદના સાથે મળેલ ફરજ ને સેવામાં બદલવાની જીજીશા પણ હોય છે, અને એ ફરજ જ્યારે સેવા બને ત્યારે અનેક અટવાયેલી સમસ્યાઓ અને તકલીફ આમ જનતાની દૂર થાય છે.જે લોકો ક્યારેય ભૂલતા નથી અને એ ખાખીધારી પોલીસ એક પોતીકો વ્યક્તિ બની જાય છે, આવી જ એક સુંદર પોલીસ કામગીરીનો અનુભવ જૂનાગઢની એક મુસ્લિમ મહિલાને થયો અને મુસ્લિમ હોવા છતાં રાખડી લઇને પોલીસ અધિક્ષકની કાર્યાલયે દોડીને રક્ષાબંધન પર્વે જુનાગઢ પોલીસની શુભ કામના માટે રાખડી બાંધી હતી.

જૂનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે રહેતા એક મુસ્લિમ મહિલા શબાનાબેન (નામ બદલાવેલ છે.) તાજેતરમાં જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘને રૂબરૂ મળી, પોતાની આપવીતી જણાવી કે, પોતાના લગ્ન જામનગર ખાતે થયા હતા, પોતાનો પતિ એક સારી નામાંકિત હોટલમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોતાનો ઘર સંસાર થોડો સમય સારી રીતે ચાલ્યો હતો. પરંતુ ત્યારબાદ પોતાના પતિ તથા સાસરિયા પક્ષ સાથે અણ બનાવ થતા, પોતે છેલ્લા સાત વર્ષથી પોતાના પિયર જૂનાગઢ આવી ગયા હતા. બાદમાં શબાનાબેને કોર્ટમાં કેસ દાખલ કરતાં માસિક રૂ.૪,૫૦૦ ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવેલ હતી. પોતે પોતાની વયો વૃદ્ધ માતા સાથે રહેતી હોઈ, પોતે બીમાર હોઈ, પોતાના ઘરમાં કોઈ કમાવવાવાળું પણ ન હોય.અને લોક ડાઉન પહેલા અને લોક ડાઉનના સમયમાં પોતાના પતિ દ્વારા કોઈ ભરણ પોષણની રકમ જમા નહિ કરાવતા, હાલમાં ભરણ પોષણની ૧૬ મહિનાની રકમ ૭૦ હજાર જેટલી ચડી ગયેલ છે. નામદાર કોર્ટ દ્વારા અવાર નવાર સમન્સ વોરંટ નોટિસ કાઢવામાં આવે છે, પણ જામનગર મોકલતા, બજ્યા વગર પરત આવી જાય છે. જેથી પોતાની ભરણ પોષણની રકમ નહીં આવતા, પોતાની તથા પોતાના માતાની હાલત કફોડી થઈ ગઇ છે. જેથી પોતાની ભરણ પોષણની રકમ તત્કાલિક જમા થાય એવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવેલ હતી.

આ બાબતે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા મુસ્લિમ મહિલાને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પાસે મોકલી આપી, મદદ કરવા ઘટતું કરવા સુચના આપી હતી. જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જામનગરના તત્કાલીન ડીવાયએસપી એ.બી.સૈયદનો સંપર્ક કરી, મુસ્લિમ મહિલાના પતિને બોલાવી, કાયદાની સમજ કરાવતા, મુસ્લિમ મહિલાના પતિ દ્વારા તત્કાલિક ભરણ પોષણની અડધી રકમ જમા કરાવી દીધી અને બાકીની રકમ પણ જમા કરાવવા બાંહેધરી આપી હતી. સાથોસાથ  કોર્ટમાં પણ સમાધાન કરવા સહમત થયા હતા.

જૂનાગઢ પોલીસની સંવેદનાપુર્ણ કાર્યવાહીથી મુસ્લિમ મહિલાના ૧૬ માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત આવતા, જૂનાગઢ પોલીસના માનવીય અભિગમથી મુસ્લિમ મહિલા ભાવ વિભોર થઇ હતી.

દરમિયાન ગઇકાલે રક્ષા બંધનનો તહેવાર હોઈ, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે આ મૂસ્લિમ મહિલા અચાનક પહોંચ્યા હતા, અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રાખડી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતા, પોતાના ઘરમાં પોતાને કોઈ ભાઈ નહીં હોય, કપરા સંજોગોમાં જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરતા, પોતે પોતાના ભાઈ એવા જૂનાગઢ પોલીસના રક્ષા માટે રાખડી બાંધતા હોઈ એવું જણાવી, જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના પરિવારની જેમ પડખે ઉભા રહી, માનવતા દેખાડવા બદલ આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.