Abtak Media Google News

જામનગરમાં એક યુવતીની પજવણી કરતા શખ્સ વિરૃદ્ધ પોલીસમાં ફરિયાદ કરાયા પછી સમાધાન માટે આવેલા આ શખ્સે એક યુવાનને છરી હુલાવી દીધી છે તે પછી તેના ઘરમાં ઘૂસી ગયેલા આ શખ્સે તે યુવાનના માતા પર નિર્લજ્જ હુમલો પણ કર્યો છે. પોલીસે બે જુદા-જુદા ગુન્હા નોંધી આરોપીની શોધ શરૃ કરી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા વિનાયક પાર્કમાં રહેતા અને રસનો ચિચોડો ચલાવતા વિજય રાજુભાઈ કહુજા નામના સિંધી યુવાનના મિત્ર હીરેનની બહેનને પટેલ કોલોની વિસ્તારમાં રહેતો લાદેનખાન નામનો શખ્સ અવારનવાર પજવતો હોય, હીરેને તે બાબતની પોલીસમાં અરજી કરી હતી તેના કારણે લાદેનખાન ઉશ્કેરાયેલો હતો.

આ બાબતને શાંતિથી પતાવવા માટે ગઈકાલે વિજયે વાતચીત કરવા માટે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી સોહમ હોટલ નજીક લાદેનખાનને આવવાનું કહેતા ગઈરાત્રે લાદેન તથા એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યા હતા જ્યાં સમાધાન કરવાના બદલે ઉપરોક્ત બન્ને શખ્સોએ વિજય પર છરી વડે હુમલો કરી પગમાં બે ઘા ઝીંક્યા હતા. આ વેળાએ વચ્ચે પડેલા રાહુલને પણ માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉપરોકત બનાવ બન્યા પછી લાદેનખાન અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો વિજય કહુજાના ઘેર ગયા હતા જ્યાં તેણે વિજયની માતા શોભનાબેન અને શોભનાબેનના પુત્રવધૂ નિશાબેન પર હુમલો કરી ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી અને પ્રતિકાર કરનાર શોભનાબેન પર નિર્લજ્જ હુમલો કર્યો હતો જેની મોડીરાત્રે શોભનાબેન રાજુભાઈ કહુજાએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.