Abtak Media Google News

જામનગરના ચંગા ગામે ૨૨ કરોડની જમીનમાં કૌભાંડ કરનાર રાજકોટના શખ્સ સહિત ૬ સામે નોંધાતો ગુનો

ગુજરાતભરમાં જમીન કૌભાંડીયા શખ્સોને પ્રોત્સાહન આપી લેભાગુ તત્ત્વો દ્વારા જમીન કૌભાંડ આચરવામાં પબ્લિક નોટિસનો ગેર ઉપયોગ કરી કાયદામાં પબ્લિક નોટિસનો કોઈ મહત્વનો ભાગ ન હોવા છતાં જમીન કૌભાંડ આચરવા માટે પબ્લિક નોટિસનો દૂરઉપયોગ કરી તેના આધારે કોર્ટમાં દાવા દાખલ કરવાનું કારસ્તાન જમીન કૌભાંડીયા શખ્સો દ્વારા આચરવામાં આવતું હોવાનું વધુ એકવાર પ્રકાશમાં આવ્યું છે. જામનગરના ચંગા ગામે આવો જ જમીન કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરના ઉદ્યોગપતિ અને તેના કુટુંબીજનોની જમીનનું સાટાખત કરી જમીન વેંચાણ લેવા બાબતે કોઈ વાંધા-વચકા ન હોવા અંગે જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી બાદ સોદો ફોક કરી ૨૨ કરોડની જમીન અંગે કૌભાંડ આચરવામાં આવતા રાજકોટના શખ્સ સહિત ૬ સામે જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ જ્ઞાનગંગા સ્કૂલ પાછળ, ખોડીયારપાર્કમાં રહેતા પરસોતમભાઈ કાબાભાઈ વિરાણી (ઉ.વ.૫૩) નામના પટેલ પ્રૌઢ અને તેના પત્ની તથા કાકા અને ભાઈજીની વારસાઈ જમીન ૧૫૪ વિઘા જમીનમાં કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રાજકોટના કાલાવડ રોડ પર દેવકીનંદન નાલંદા સોસાયટીમાં રહેતો ભરત ભગવાનજી ડવ, ચંગા ગામે રહેતો સવદાસ ચાવડા, કિશોર ઉર્ફે છોટુ મારાજ, ક્રિપાલસિંહ, હરેશ વી.છૈયા સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરસોતમભાઈ વિરાણી, તેના પત્ની રમીલાબેન, તેના અદા માવજીભાઈ આણંદભાઈ વિરાણી, ગોવિંદભાઈ, કાકા મનસુખભાઈ, ગોરધનભાઈ સહિતના પરિવારજનોની એક જ સેઢે જામનગરના ચંગા ગામે ૧૫૪ એકર જેની કિંમત આશરે ૨૨ લાખ રૂપિયા હોય આ જમીન વેંચવાની હોય ત્યારે ઉપરોકત શખ્સોએ તેનું સાટાખત કરાવી રોકડા રૂા.૩ લાખ આપી આ જમીનમાં કોઈ વાંધા વચકા ન હોય તે માટે જમીન માલીકોના આઈડી પ્રુફની નકલો લઈ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી હતી. ત્યારબાદ આ જમીનના સોદાનો સમય પુરો થતાં જમીન માલીકે વર્તમાન પત્રમાં નોટિસ આપી મૌખિક સોદો રદ્દ કર્યા અંગેની નોટિસ આપી હતી. જેના પગેલ રાજકોટમાં રહેતા ભરત ડવ નામના શખ્સે કોર્ટમાં દાવો દાખલ કરી જમીન હડપ કરી જવા કારસ્તાન રચતા પરસોતમભાઈ વિરાણીએ ભરત ડવ સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.