Abtak Media Google News

કામદાર નોકરી છોડીને જતો રહે તે પુરવાર કરવાની જવાબદારી માલિકની છે: કોર્ટ

શહેરનાં કાલાવડ રોડ વડ વાજડી ખાતેની કટારીયા એન્ટરપ્રાઈઝમાં ૧૩ વર્ષથી યુનુસ અલાદભાઈ કારેજા ડ્રાઈવર તરીકે માસિક રૂા.૧૫ હજારનાં પગારથી નોકરી કરતા હતા અને તેને તા.૧૩/૧૦/૨૦૧૫ નોકરીમાંથી છુટા કરતાં પુન:સ્થાપિત કરવા લેબર કોર્ટમાં દાખલ કર્યો હતો. આ કામમાં કામદારવતી રજુઆત હતી કે કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર તેમજ નોટીસ પગાર કે બેકારી વળતરની રકમ ચુકવ્યા વગર છુટો કરવામાં આવેલ છે તે ઔધોગીક વિવાદ ધારાની જોગવાઈ વિરુઘ્ધ છે.

સામાવાળાનો બચાવ હતો કે કામદાર પોતાની જાતે સ્વૈચ્છિક રીતે નોકરી પર આવતા નથી, વગર રજાએ ગેરહાજર રહેવું અને ચાલુ નોકરીએ થયેલા અકસ્માતની જાણ કરેલી નથી. તેથી કામદાર નોકરીમાં રહેવાની દાદ માંગવાને હકકદાર નથી. આથી આ રેફરન્સ રદ કરવો જોઈએ. મજદુર અદાલતમાં બંને પક્ષો તરફથી રજુ થયેલા પુરાવાઓ, દલીલ તથા કામદારવતી હાઈકોર્ટનાં ચુકાદા જોતા ઠરાવેલું હતું કે, કંપનીએ કામદારને છુટા કરતા અગાઉ નોટીસ નહીં આપેલી.

સ્વૈચ્છિક રીતે નોકરી છોડી છે તથા વધુ કમાય છે તે અંગે સાબીત કરવાની જવાબદારી મુંબઈ તથા મદ્રાસ હાઈકોર્ટનાં ચુકાદા મુજબ કામદાર નોકરી છોડીને જતા રહેલ છે તે બતાવવા પુરાવો રજુ કરવો જોઈએ અને કામદાર કામ કરીને કમાય છે તે સાબિત કરવાનો બોજો માલિક પર છે. આવા પુરાવાનાં અભાવે કામદાર ગેરહાજર રહેલા છે તેવું માની ન શકાય તેવી રજુઆત ગાહ્ય રાખી નોકરીમાંથી છુટા કરવાનું પગલું કાયદાની જોગવાઈ વિરુઘ્ધ અને ગેરકાયદેસર ઠરાવી રદ કરવામાં આવે છે. સળંગ નોકરીથી કામ લઈ લેવા અને પડતર પગારનાં ૩૦ ટકા લેખે ચુકવી આપવા ખર્ચ રૂા.૨૫૦૦/- સહિતનાં હુકમ કામદારની તરફેણમાં લેબર અદાલતનાં જજ બી.એસ.ભટ્ટે હુકમ કર્યો છે. અરજદાર તરફે ભારતીય મઝદુર સંઘનાં પ્રતિનિધિ હરીભાઈ પરમાર રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.