Abtak Media Google News

કોંગ્રેસના વફાદાર ગણાતા આગેવાનો પ્રદેશ કોંગ્રેસને અસંતુષ્ટો સામેની ફરિયાદ કરવા અમદાવાદ

દોડી ગયા: દિવાળીનાં તહેવાર પર જ અસંતુષ્ટોનું જુથ મિશન પાર પાડવાની ફિરકામાં

રાજકોટ જિલ્લા પંચાયતમાં બે જુથો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. હાલ જિલ્લા પંચાયતમાં સતાના ફટાકડા ગોઠવાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. ફટાકડા ગોઠવાયા બાદ હવે દિવાળી ટાંણે જ એક જુથના ધડાકા થશે તો બીજા જુથના સુરસુરીયા થશે એટલે કે કોઈ એક જુથની દિવાળી સુધરશે તો બીજા જુથની દિવાળી બગડશે તે નકકી છે.

ઉપરાંત આજે કોંગ્રેસના વફાદાર ગણાતા આગેવાનો પ્રદેશ કોંગ્રેસને અસંતુષ્ટોની સામેની ફરિયાદ કરવા માટે અમદાવાદ દોડી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ ડેમેજ માટે જે પગલા ભરશે તેના પરથી જિલ્લા પંચાયતનું ભાવી નકકી થશે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં થોડાક મહિનાઓ પૂર્વે ૩૪ સભ્યોની બહુમતી ધરાવતા કોંગ્રેસના શાસનમાં હાલ છીંડા પડવાની તૈયારીમાં છે. સતાની સાંઠમારીના કારણે કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર જ ભડકો થઈ જતા અસંતુષ્ટોનું જુથ રચાયું હતું. આ જુથને થોડા સમય માટે તો પક્ષ કાબુમાં કરી શકયું હતું .

પરંતુ હવે ફરી આ જુથ સક્રિય થઈને સતા ઉથલાવાના પ્રયાસો કરી રહ્યું છે. આ અસંતુષ્ટોના જુથને હરીફ પક્ષ દ્વારા પુરેપુરો ટેકો પણ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ ટેકાના સહારે અસંતુષ્ટોના જુથે જિલ્લા પંચાયતના શાસનને ડગમગાવવા માટે ચોગઠા પણ ગોઠવી દીધા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષને વફાદાર ગણાતા એવા ૫ થી ૭ આગેવાનો આજે અસંતુષ્ટો સામેની ફરિયાદ કરવા માટે અમદાવાદ પહોંચી ગયા છે જયાં તેઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આ અસંતુષ્ટો સામે કાર્યવાહી કરવા તેમજ જિલ્લા પંચાયતનું ડેમેજ કંટ્રોલ કરવાની રજુઆત કરી છે. આ રજુઆત બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે કાંઈ પગલા લેવામાં આવશે તે પગલા જિલ્લા પંચાયતના ભાવી માટે મહત્વના સાબિત થવાના છે.

મળતી વિગત મુજબ જિલ્લા પંચાયતમાં શાસન મેળવવા માટે તેમજ શાસન બચાવવા માટે બંને જુથો કામે લાગી ચુકયા છે. દિવાળીના તહેવાર પર જ અસંતુષ્ટોનું જુથ જિલ્લા પંચાયતના કબજે કરવાનું મિશન પાર પાડે તેવું વર્તાઈ રહ્યું છે. જેથી એ વાત નકકી છે કે બંને જુથમાંથી કોઈ એક જુથની દિવાળી બગડવાની છે તો બીજા જુથની દિવાળી સુધરવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.