કચ્છ ખાતે માતાના મઢમાં કાલે ભવ્ય હોમાદિક યજ્ઞનું આયોજન

રાજવી પરિવાર દ્વારા રવિવારે માતાજીને જાતર(પતરા) ચઢાવાશે

ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાઈકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીનાં ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાલ ઘંટ છે. મુખ્ય મંદિર ૫૮ ફૂટ લાબુ અને ૩૨ ફૂટ પહોળુ છે. માં આશાપુરા વિશાળ કદની ૬ ફૂટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. તા.૫ના રાત્રીનાં ૮ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષ સ્થાને ગોર મહારાજ દેવકૃષ્ણ મૂળશંકર જોષી તેમજ આમંત્રીત મહેમાનો માઈ ભકતોની ઉપસ્થિતિમાં હોમાદિક ક્રિયાને પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફૂલોથી હોમાદિક ક્રિયામાં આહૂતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રક્ષનાં ૧૨.૩૦ કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે.

રવિવાર આસો સુદ આઠમના કચ્છ રાજા પ્રાગમલજી ત્રીજા સવારે ૮ કલાકે રાજવી પરિવાર તથા આમંત્રીત મહેમાનો, માઈ ભકતોની ઉપસ્થિતમાં માં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે. કચ્છ રાજવીની ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક નોબતવાદક જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરા મંદિરમાં ભુવા દિલુભા ચૌહાણ માતાજીને ધુપ સેવા પૂજા કરે છે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી શંકર પાર્વતી મેતરપાળ દાદા તેમજ ચાચર કુંડ પાસે માં ચાચરા ભવાની માતાજીનું મંદિર આવેલ છે. માં આશાપુરા મંદિર પાસે માં હિંગળાજ માનું ભવ્ય મંદિર આવેલ છે. ત્યાં પ્રકાશભાઈ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવા પૂજા કરે છે. સવારના ૫ કલાકે મંગળા આરતી સવારે ૯ કલાકે ધૂપ આરતી તેમજ સૂર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે. નવરાત્રી દરમ્યાન દર્શનનો સમય સવારે ૫ વાગ્યાથી રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી તથા શનિવારે આસોસુદ ૭ હવનની આખીરાત મંદિર ખુલ્લુ રહેશે. રવિવાર આસોસુદ ૮ સવારના ૫ વાગ્યાથી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી દર્શન ખૂલ્લા રાખવામાં આવેલ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને વિનામૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. નવરાત્રી સમય દરમ્યાન દરેક ભાવિકો માતાજીના દર્શન શાંતિથી થાય તેવી વ્યવસ્થા સ્થાનિક ભાવિકો, માતાના મઢના ટ્રસ્ટીઓ, કર્મચારી ગણ અને સેવકો દર્શનની વ્યવસ્થા સંભાળે છે. પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

Loading...