Abtak Media Google News

યુનિવર્સિટીની પરીક્ષામાં વિષય બહારનું લખાણ ‘કોપીકેસ’ ગણાશે

યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન કોલેજોમાં સીસીટીવી કેમેરા નહીં હોય તો રૂ.૫૦ હજારનો દંડ ફટકારાશે: કુલપતિના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્રભરના આચાર્યોની મળેલી મીટીંગમાં લેવાયો નિર્ણય: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩.૫ લાખ વિદ્યાર્થીઓને કુલપતિ પ્રો.ડો.પ્રતાપસિંહ ચૌહાણે ટેકસ અને વોઈસ મેસેજ મોકલી પરીક્ષાની શુભકામના પાઠવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં હવે વિદ્યાર્થીઓ વિષય બહારનું કોઈપણ લખાણ લખી શકશે નહીં. ઉતરવહીમાં વિદ્યાર્થીએ જુદા વિષયનું લખાણ, ગાળો, ફિલ્મની સ્ટોરી, ધાર્મિક કે ઉશ્કેરણી જનક લખાણ લખ્યું હશે તો જે-તે વિદ્યાર્થી સામે કોપીકેસ દાખલ કરવાનો નિર્ણય ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ચૌહાણની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્રભરના આચાર્યોની મળેલી પરીક્ષા સંકલનની ખાસ બેઠકમાં લેવાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાનો માહોલ છવાયો છે. વિદ્યાશાખાઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પરીક્ષા ચોરી અને ગેરરીતિ સહિતના કિસ્સાઓને અટકાવવા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આકરો ડોઝ આપ્યો છે. ગઈકાલે મળેલી પરીક્ષા સંકલન સમિતિની બેઠકમાં હવેથી જો કોઈ વિદ્યાર્થી ઉતરવહીમાં વિષય બહારનું કોઈપણ લખાણ લખશે તો તે કોપીકેસ માનવામાં આવશે અને જે-તે વિદ્યાર્થી સામે કોપીકેસ સંબંધિત સજા પણ ફટકારવામાં આવશે. ઉપરોકત નિર્ણય લેનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશભરની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે. ઉતરવહીમાં વિષય સંબંધિત જવાબો લખવાને બદલે વિદ્યાર્થીઓ વિષય બહારનું લખાણ, ગાળો, ધાર્મિક લખાણ, ફિલ્મી સ્ટોરી સહિતનું આડેધડ લખાણ કરી પેપર ચેક કરનાર વ્યકિતને ગેરમાર્ગે દોરતા હોય છે. ઉપરોકત નિર્ણયથી આવી તમામ ગેરરીતિઓ પર લગામ લાગશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયા, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, ડો.વિજય ભટાસણા અને સૌરાષ્ટ્રભરની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૩૦૦થી વધુ આચાર્યોની ઉપસ્થિતિમાં ગઈકાલે પરીક્ષા સંકલન સમિતિની ખાસ બેઠક મળી હતી. જેમાં પરીક્ષા દરમિયાન થતી ગેરરીતિ ઉપરાંત પરીક્ષાના સુચારુ આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ઉપરાંત ગઈકાલની બેઠકમાં મુખ્ય ત્રણ મુદાઓ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. જેમાં પ્રથમ મુદ્દો યુનિવર્સિટી સંલગ્ન ૩.૫ લાખ વિદ્યાર્થીઓને કુલપતિ ડો.ચૌહાણ દ્વારા છાત્રોને પોતાના મોબાઈલ પર ટેકસ અને વોઈસ મેસેજ મોકલી પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવશે. જયારે બીજો મહત્વનો નિર્ણય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા નહીં હોય તો જે-તે કોલેજને કસુરવાર ગણી રૂ.૫૦ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.