Abtak Media Google News

‘મન હોય તો માળવે જવાય…’

ચોરવાડગામના આર્થિક નબળા, ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારનું નામ રોશન કરી રહ્યો છે કમલેશ રાઠોડ

આર્થિક રીતે નબળા પરંતુ શિક્ષણમાં તેજસ્વી વિધાર્થીઓ માટે સરકાર દ્વારા વિદેશ અભ્યાસ યોજના કાર્યરત છે. જેના થકી ચોરવાડમાં ખેતમજૂરી કરતા અરજણભાઈ રાઠોડનો દિકરો કમલેશ રાઠોડ હાલ ફિલીપાઈન્સમાં ડોકટરનો અભ્યાસ કરી રહયો છે. અને પરિવારનુ નામ રોશન કરી રહયો છે.જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે રહેતા અરજણભાઈ રાઠોડ ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે પુત્રો પૈકી નાનો દિકરો  કમલેશ વિકસતી જાતિ કલ્યાણ ખાતાની વિદેશ સહાય યોજનાના માધ્યમથી  હાલમાં તે ફીલીપાઈન્સમાં ડોકટરનો અભ્યાસ કરી રહયો છે.

અરજણભાઈના જણાવ્યા અનુસાર, તેમના દિકરાની ઈચ્છા હતી કે, મારે ડોકટર બનવું છે. ઘરની સાધારણ પરિસ્થિતિ વચ્ચે દિકરાની ભણવા પ્રત્યેની ધગશ અને તેજસ્વીતા  જોઈ અમને મૂંઝવણ અને ચિંતા થતી  કે અમારા દિકરાનું ડોકટર બનવાનું સ્વપ્ન અમે કઈ રીતે પુરૂ કરી શકીશુ. પણ મન હોય તો માળવે જવાય એમ, કમલેશનો ધો.૧૨નો અભ્યાસ પૂરો થતા અમે જૂનાગઢના સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમાને મળ્યા. તેમણે અમને સરકારની સહાય લેવા આ યોજના અંગે માર્ગદર્શન આપેલ. ત્યારબાદ અમે વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાંથી માર્ગદર્શન મેળવી અને જરૂરી કાર્યવાહી કરી હતી અને સરકારની આ કલ્યાણકારી યોજના થકી આજ મારો દીકરો ફિલિપાઇન્સ માં ડોકટરનો અભ્યાસ કરી રહ્યો છે અને તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થશે.

ચોરવાડના કમલેશ રાઠોડે ધો.૧૦ સુધી ચોરવાડ પ્રાથમિક શાળામાં, જયારે ધો.૧૧-૧૨ નું શિક્ષણ ચાંપરડામાં  મેળવ્યું છે. હાલ ફીલીપાઈન્સના સેબુ શહેરની ગુલાસ કોલેજ ઓફ મેડીસીનમાં સેક્ધડ યરમાં અભ્યાસ કરી રહયા છે. પ્રથમ યરમાં તેણે ૮૫ પર્સેન્ટ સ્કોર કર્યો છે. અને તેની મહેચ્છા છે કે, અહિં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મારે ઈન્ડિયામાં સેટ થવું છે.

અત્રે નોંધનીય છે કે, સરકાર દ્વારા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન પૂરી પાડવામાં આવે છે. જેમાં અભ્યાસક્રમ મુજબ મહત્તમ રકમ રૂ.૧૫ લાખ ૪ ટકાના નજીવા વ્યાજદરથી આ લોન મળવાપાત્ર છે. અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ લોન ભરવાની રહે છે.  આ યોજનાનો લાભ મેળવવા htt://sje.gujarat.gov.in./ddcw વેબસાઈટ પરથી ફોર્મ ભરવાનુ હોય છે. અથવા વિકસતી જાતિ (ક્લ્યાણ) નિયામકની કચેરી જૂનાગઢ ખાતે સંપર્ક સાધવાથી વધુ માહિતી મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.