ભૂમાફિયાઓમાં ફફડાટ: દરેડમાં જમીન દબાણ કરનારા 64 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

ઓરડીનું ભાડુ વસુલ કરતા શખ્સો સહિત ભૂમાફિયાઓમાં ફફડાટ

સરકારી જમીન પર સ્કૂલ, ગૌશાળા અને મોટી સંખ્યામાં મકાન ખડકી દેવાયા: હાઇકોર્ટમાં મનાઇની અરજીની સુનાવણી પૂર્વે જ નવા કાયદા મુજબ જમીન કૌભાંડનો જામનગરમાં પ્રથમ ગુનો નોંધાયો

જામનગરના દરેડ વિસ્તારમાં સરકારી જમીન હડપ કરવાનું મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું તંત્રના ધ્યાને આવતા પોલીસે એક સાથે ૬૪ જેટલા ભૂ માફિયા સામે નવા લેન્ડગેબીંગ અંગેનો ગુનો નોંધાતા જમીન કૌભાંડીયાઓમાં ફફડાટ મચી ગયો છે.

સરકારી જમીન પર ભૂ માફિયાઓએ ઇન્ટરનેશલ સ્કૂલ, ગૌશાળા અને કેટલાક મકાન ખડકી દેવામાં આવ્યા હતા. સરકારી જમીન પર ઓરડી બનાવી ભાડુ વસુલ કરનાર સહિતના શખ્સોમાં દોડધામ મચી ગઇ હતી તંત્ર દ્વારા તમામને નોટિસ ફટકારી જમીન ખાલી કરવા હુકમ કરવામાં આવતા કેટલાક શખ્સોએ હાઇકોર્ટમાં મનાઇ હુકમ મેળવવા કાર્યવાહી શ‚ કરી હતી તે દરમિયાન લેન્ડગેબીંગ એકટ હેઠળ ૬૪ શખ્સો સામે ગુનો નોંધાતા જામનગરના ભૂ માફિયામાં ખળભળાટ મચી ગયો છે. શહેર નજીકના દરેડ વિસ્તારમાં બે સરકારી જમીન પર દબાણ કરી ઈન્ટરનેશનલ શાળા, ગૌશાળા તથા ઓરડી બાંધી લેનારા સામે તંત્રે ફોજદારી ફરિયાદ કરી છે.  દરેડના ૬૪ દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ફોજદારી ફરિયાદ થતા દબાણકારોનો ફફડાટ વ્યાપ્યો છે.

જામનગરના વહીવટી તંત્ર દ્વારા નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદાને અનુસરીને તાજેતરમાં દરેડ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે નંબર ૧૩૧ અને ૧૩૨ વાળી જગ્યામાં ખૂબ મોટા પાયે ગેરકાયદે દબાણો થઇ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને તે અંતર્ગત અરજીઓ પણ તંત્રને મળી હતી.જેમાં દરેડ વિસ્તારના સર્વે નંબર ૧૩૧ અને ૧૩૨ કે જે જુના સરવે નંબર ૨૬-૧માં સરકારી જમીન હતી અને હાલ મોટા પાયે તેમાં અજાણ્યા શખ્સો દ્વારા જમીન દબાણ કરીને ઓરડીઓ ખડકી દેવામાં આવી છે અને  ભાડૂઆતોને રાખીને તેઓ પાસેથી ભાડાની વસુલાત કરવામાં આવે છે. જે અંગે ખરાઈ કરવામાં આવતાં તમામ સ્થળે દબાણ હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી ઉપરોક્ત જગ્યા ખાલી કરી દેવા માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. જેનો સમયગાળો પૂર્ણ થયો હોવા છતાં પણ હજુ જગ્યા ખાલી થઈ ન હતી. જોકે ૮૬ જેટલા આસામીઓ આ મામલે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યા છે, અને તેઓની અપીલ દાખલ કરી લેવામાં આવી છે.

જો કે વધુ સુનાવણી થાય તે પહેલાં જ વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવતા ભારે દોડધામ થઈ છે. ઉપરોક્ત દરેડ વિસ્તારની જગ્યામાં મોટી ઈન્ટરનેશનલ શાળા અને એક ગૌશાળા સહીત અનેક રહેણાકમાં તબદીલ થઇ ગયેલા વિસ્તારના તમામ દબાણકારોને નોટિસ પણ આપી દેવામાં આવી હતી.

આ પ્રકરણમાં ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ  જુદી જુદી પોલીસ ટીમે દરેડ-મસીતીયા સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર દરોડા પાડયા છે અને અટકાયતનો દોર શરૂ કર્યો છે. ઉપરાંત આ પ્રકરણમાં હજુ વધુ કેટલાક દબાણ કરનારાઓના પણ નામ ખૂલે તેવી શક્યતા છે અને તમામની અટકાયત કરવાની પ્રક્રિયાઓ જોરશોરથી ચાલી રહી છે. જેથી જામનગર-દરેડ અને મસીતીયા સહિતના પંથકમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

Loading...