એક જ પુસ્તક મહિલાને એક મહિનામાં સાક્ષર બનાવવા સક્ષમ

ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સાક્ષર બનાવવા જીલ્લા પંચાયતનો નવતર અભિગમ

હાલ પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો જે સફળ રહેતા સમગ્ર જીલ્લામાં અમલવારી કરાશે: નારી શકિત એક અભિયાન પુસ્તકનું નિયત કરાયેલા ગામોમાં વિતરણ ગામની સાક્ષર બહેનો નિરક્ષર બહેનોનું કરશે મોનીટરીંગ

ગ્રામ્ય વિસ્તારોની મહીલાઓને સાક્ષર બનાવવા જીલ્લા પંચાયતે નવતર અભિગમ અપનાવ્યો છે. જીલ્લા પંચાયત દ્વારા નારી શકિત એક અભિયાન પુસ્તક પ્રકાશીત કરવામાં આવ્યું છે જેના અનુકરણથી નિરક્ષર મહિલા માત્ર એક મહિનામાં આપબળે સાક્ષર બની જશે. આ પ્રોજેકટ હાલ પાયલોટ પ્રોજેકટ તરીકે કાર્યરત કરાયો છે. જેને સફળતા સાંપડતા જેની સમગ્ર જીલ્લામાં અમલવારી શરુ કરવામાં આવનાર છે.

આ પુસ્તકનું જીલ્લા વિકાસીત અધિકારી અનિલ રાણાવસીયા અને જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી ડો. એમ.જી. વ્યાસના માર્ગદર્શન હેઠળ નાયબ જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી કીરીટસિંહ પરમાર દ્વારા લેખન અને સંકલન કરવામાં આવ્યું છે.

આ પુસ્તકને નિયત કરેલા ગામોમાં વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગામોમાં શીક્ષિત બહેનો નિરક્ષક બહેનોને મદદ કરીને તેઓનું મોનીટરીંગ કરશે.

જસદણ અને વિછીંંયાના ૧૦૦ ગામોમાં પ્રોજેકટ શરૂ કરાશે: ડીડીઓ અનિલ રાણાવસીયા

ડીડીઓ અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે નારી શકિત  અભિયાનનો વિચાર એટલા માટે આવ્યો કે જસદણ-વીછીંયા પંથકમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. તે માટે એક પ્રોજેકટ વિચારવામાં આવ્યો હતો. ડિસ્ટ્રીક પ્રાઇમરી એજયુકેશન ઓફીસરને મળીને એક નારી શકિત અભિયાન શરુ કર્યુ જેમાં બાળક જેમ નર્સરીમાં જાય પછી પહેલા ધોરણ-બીજા ધોરણમાં જાય અને તબ્બકારવાર શિક્ષણ મેળવતું હોય તેમ આ મહીલાઓને તબ્બકાવાર સાક્ષર કરવાના છીએ. જેમાં શાળાના શિક્ષક હશે ઉપરાંત ગામની ભણેલી ગણેલી બહેનો હશે એમને પણ આમા જોડશું જેનાથી ગામની મહીલાઓને સારુ વાતાવરણ મળી રહે સારી રીતે ભણી શકે. અત્યારે અમે જસદણ અને વીછીંયા પંથકના ૧૦૦ જેટલા ગામોમાં આ પ્રોજેકટ કરવા જઇ રહ્યા છીએ. ગામમાં જયારે અમે આ વિચાર મુકયો હતો. ત્યારે ગામ તરફથી સારી પ્રતિષાદ મળ્યો છે. ગામનાં બહેનો પણ આ પ્રોજેકટ માટે ઉત્સાહી છે.

પ્રોજેકટના સારા પરિણામો મળશે તો તેને રાજયકક્ષાએ રજુ કરીશું: ડીપીઇઓ ડો. વ્યાસ

જીલ્લા શિક્ષણ અધિકારી ડો. એમ.જી. વ્યાસે જણાવ્યું કે  રાજકોટ જીલ્લામાં ૩૯ ગામોમાં સ્ત્રી સાક્ષરતા દર પ૦ ટકા કરતા ઓછો છે. આથી ઓછી સાક્ષરતા ધરાવતી મહીલાઓને પ્રાથમીક જ્ઞાન આપવા એસ.ટી. બસનું બોર્ડ તેમજ સામાન્ય વાંચન કરી શકે ફોર્મ ભરી શકે. મહીલાઓ જાતે કાર્ય કરી શકે આવા હેતુથી જીલ્લા વિકાસ અધિકારીની પ્રેરણાથી શિક્ષણ સમીતીએ નારી શકિત શિક્ષણ પ્રોજેકટ હાલમાં લીધો છે. આ પ્રોજેકટ માટે સ્વ ભંડોળમાં જોગવાઇ કરવામાં આવી છે. જે બુક બનાવવામાં આવી છે. તેમાંથી મહિલાઓ પ્રવૃતિઓ દ્વારા શિખી શકે અને ભણવામાં આત્મનિર્ભર થઇ શકે છે. આ પ્રોજેકટ પ્રમાણે ૩૦ બહેનોનો એક વર્ગ શરુ થશે. બહેનોની અનુકુળતા મુજબ વર્ગ શરુ કરીશું. ગામમાં કોઇ દિકરી કે જે ધોરણ ૧ર પાસ હોય અથવા ગ્રેજયુએટ થયેલ હોય તે દિકરી આ બહેનોને ભણાવશે. પાઇલોટ પ્રોજેકટ તરીકે હાલ ર૦૦૦ બુક છપાવી છે. સુચનો મળશે તે પ્રમાણે સુધારા વધારા કરીશું. અને છેવટે ૪૦ હજાર મહિલાઓને આવરી લેવાનું લક્ષ્યાંક છે.  રાજય કક્ષાએ બહેનોને સાક્ષર બનાવવાના કાર્યક્રમો થતા હોય છે. અમનો સફળતા મળશે તે અમારા આ પ્રોજેકટને સારી પ્રોજેકટ તરીકે સ્ટેટમાં પણ પ્રેઝન્ટ કરીશું.

મહિલાઓ માત્ર એક અક્ષરથી લઇને શબ્દો અને વાકયો લખતા-વાંચતા શીખી શકશે: કિરીટસિંહ પરમાર

નાયબ જીલ્લા શિક્ષણ અધિકરી કીરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે નારી શકિત એક અભિયાન પુસ્તક ખુબ જ ચીવટાઇથી બનાવામાં આવ્યું છે. જે સ્ત્રીઓ ને કોઇપણ જાતનું અક્ષર જ્ઞાન નથી તેઓ માત્ર એક મહિનામાં વાંચતા લખતા શીખે તે ઘ્યાનમાં રાખીને આ પુસ્તક બનાવામાં આવ્યું છે. જેમાં ટપકા પુરાવીને મહીલાઓના હાથ પર મરોડ લાવી શકીએ રોજબેરોજ ઘ્યાનમાં આવતી વસ્તુઓને તે ટપકા દ્વારા જોડીને તેમના હાથ બેસતા થઇ જશે. ત્યારબાદ અમે તેમને મુળાક્ષરોનું જ્ઞાન આપી છીએ. આ પુસ્તકથી તેમને અક્ષર જ્ઞાન મળે તો તે સવારનું છાપુ પણ વાચતા થઇ જશે. પુસ્તકમાંથી મહીલાઓ માત્ર એક અક્ષર થી લઇને શબ્દો અને વાકય રચના સુધી શીખી શકે છે. જે બહેનો નિરક્ષર છે જેમની પાસે અક્ષર જ્ઞાન નથી એવા બહેનો પણ એક મહિનાની અંદર આ પૂસ્તક દ્વારા સારી રીતે વાંચતા લખતા શીખી શકે છે. આ પુસ્તકથી આમતો સ્વેચ્છાએ શીખી શકાય. તેમ છતાંય સ્થાનીક સાક્ષર બહેનોની મદદ લેવાય તો નીરક્ષર બહેનો ખુબ ઝડપથી શીખી શકે.

Loading...