Abtak Media Google News

લગ્નની લાલચ દઇ રાજકોટ અને જસદણની હોટલમાં અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી: આશાપુરાનગરના શખ્સ સામે નોંધાતો ગુનો

મુળ ઢસાની વતની અને મનહર પ્લોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહી બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી વણિક યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી આશાપુરાનગરના રબારી શખ્સે અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કારના ગુનામાં સંડોવાયેલા બે સંતાનના પિતાની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મનહર પ્લોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી ૨૪ વર્ષની વણિક યુવતી સોશિયલ મિડીયાના માધ્યમથી આશાપુરાનગરના દિપક સાંગા આલ નામના રબારી યુવાનના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. દિપક રબારી પરિણીત હોવાનું અને બે સંતાનના પિતા હોવાનું યુવતીને જાણ થતા તેને પોતાની પત્નીને છુટાછેડા દઇ લગ્ન કરવાની લાલચ દઇ યુવતીનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

દિપક રબારી વણિક યુવતીને શહેરની અને જસદણની જુદી જુદી હોટલમાં લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાતા આઠ માસનો ગર્ભ રહી જતા લગ્ન કરવાનું કહ્યું હતું. આથી દિપક રબારીએ પ્રેમ સંબંધ તોડી નાખી પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વણિક યુવતીની માતાનું લાંબા સમય પહેલા મૃત્યુ નીપજ્યું છે. અને તેણીના પિતા વિસાવદર વીજ કંપનીમાં નોકરી કરે છે. બે બહેનમાં નાની હોવાનું જાણવા મળે છે. એક વર્ષ પહેલાં ઢસાથી રાજકોટ આવી પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીની ફરિયાદ પરથી દિપક રબારી સામે બળાત્કારનો ગુનો નોંધી એ ડિવિઝન પી.એસ.આઇ. જે.ડી.વસાવાએ શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.