Abtak Media Google News

ઓક્સિજન સહિતની સુવિધા અપાશે

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે, અને સરેરાશ ૧૦૦થી ૧૨૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ઉપરાંત જામનગર શહેરમાં જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના ની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં ૭૦૦ બેડની સુવિધા સાથે  કોવિડ સેન્ટર ઉભુ કરાયું છે, જેમાં મોટાભાગના દર્દીઓની સારવાર ચાલી રહી છે. અને જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર સહિતના આસપાસના જિલ્લાઓમાં થી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવી રહ્યા છે.

આ ઉપરાંત જી જી હોસ્પિટલ ના જુના બિલ્ડિંગમાં પણ ૨૦૦ થી વધુ બેડ શરૂ કરવા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, અને મોટાભાગનું કામ પૂર્ણ થયું છે. તબીબી ટીમ અને જરૂરી પેરા-મેડિકલ સ્ટાફની વ્યવસ્થા ગોઠવાયા પછી ટૂંક સમયમાં જૂના બિલ્ડિંગમાં પણ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ થઇ જશે.આ ઉપરાંત જામનગર શહેરમાં કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી શકે તે માટેની પણ જુદી જુદી ચાર હોસ્પિટલો શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ વિનસ કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું, અને પ્રારંભિક  ૨૦ બેડ થી હોસ્પિટલ નો પ્રારંભ થયો હતો. જેમાં હાલ ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, અને દર્દીઓની સારવાર ચાલી રહી છે.તેમજ જામનગરની ક્રિટી સર્જ હોસ્પિટલ ના તબીબોની ટીમ દ્વારા સૌપ્રથમ હોમ આઇસોલેશન ની સુવિધા અપાઈ હતી, અને તબીબોની ટીમ કોરોના ગ્રસ્ત દર્દીઓ ને ઘેર ઘેર જઈને સારવાર આપી રહ્યા હતા. જે પ્રક્રિયા હજુ ચાલુ છે.

સાથોસાથ ક્રિટી સર્જ હોસ્પિટલમાં  ૧૮ બેડ ની કોવિડ હોસ્પિટલ પણ શરૂ કરી દેવામાં આવી છે અને કોરોના દર્દીઓને સારવાર અપાઇ રહી છે.એ પછી જામનગરની ભાગોળે સ્વામિનારાયણ ગુરુકુળ વાળી જગ્યામાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવાયું છે, અને તેમાં સૌથી વધુ ૬૫ જેટલા બેડ કાર્યરત છે, અને વેન્ટિલેટર તેમજ ઓક્સિજન સહિતના બેડ ની સુવિધાઓ ઉપલબ્ધ છે.ત્યાર પછી જામનગરની વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી ખાનગી ગોકુલ હોસ્પિટલમાં પણ ૩૦ બેડ સાથેની કોવિડ સેન્ટર ની સુવિધા શરૂ થઈ ગઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના બેડ પણ ઉપલબ્ધ કરાવાયા છે, અને કોરોના ના દર્દી ની સરકારી ધારાધોરણ ના ચાર્જ સાથે દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે તમામ હોસ્પિટલ સાથે જામનગર મહાનગરપાલિકા અથવા તો જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એમઓયુ કરી લેવામાં આવ્યા છે.

જામનગરની સમર્પણ હોસ્પિટલ ના પ્રથમ માળે ૯૦ બેડની સુવિધા સાથે ની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટેના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે, અને ૯૦ ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સમર્પણ હોસ્પિટલના મુખ્ય વ્યવસ્થાપક અને ટ્રસ્ટી એવા વસ્તાભાઇ કેશવાલાની રાહબરી હેઠળ કોરોના ની સારવાર માટેનું સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. અને ટૂંક સમયમાં જ ઓક્સિજનની સુવિધા સાથેના ૯૦ બેડ વાળૂ કોવિડ સેન્ટર શરૂ થઈ જશે. જે અંગે મહાનગરપાલિકા દ્વારા એમઓયુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં સરકારી જી.જી હાસ્પિટલ ઉપરાંત જુદી-જુદી ચાર ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે અને પાંચમી સમર્પણ હોસ્પિટલ માં પણ નજીકના ભવિષ્યમાં જ સારવાર ઉપલબ્ધ થઈ જશે અને કોરોના ના દર્દીઓ ને સાજા કરવામાં મદદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.