ભારતથી સીંગાપુર સુધીની ૨૬ દિવસની ‘બાઈક રાઈડ’ યોજાશે

સાંસ્કૃતિક, ભૌગોલિક સદભાવ વધારવા અનોખી ‘રાઈડ ફોર યુનિટી’

૨૫ જાન્યુઆરીએ દિલ્હી, મુંબઈથી થશે પ્રારંભ

આઝાદીના ઈતિહાસને જાણવા તથા સાંસ્કૃતિક અને ભૌગોલિક સદભાવ વધારવાના હેતુથી જાન્યુઆરીમાં એક અદભૂત આંતરરાષ્ટ્રીય બાઈક રાઈડ ‘રાઈડફોર યુનિટી’નું આયોજન કરાયું છે.

અંગ્રેજોનાં અત્યાચારી શાસનથી ભારતને આઝાદ કરાવવા અનેક ક્રાંતિકારી, સ્વા. સેનાનીઓએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. દેશની આઝાદી માટે કરાયેલા આંદોલનની યાદો આજે કેટલાય રાજયોનાં ઈતિહાસનાં પાનામાં નોંધાયેલ છે.

આ ઈતિહાસને જાણવા અને સાંસ્કૃતિક, ભૌગોલિક સદભાવ વધારવાના ઉદેશથી આઝાદ હિન્દ સેનાના સંકલ્પ પથને રોશન કરતા એક અનોખી આંતરરાષ્ટ્રીય રાઈડ ફોર યુનિટીનું આયોજન કરાયું છે.

આયોજકોનાં જણાવ્યા મુજબ આ યાત્રા ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શરૂ થશે. બાઈક ચાલકો અને કાર ચાલકોને પૂર્વોતર ભારતનાં સાંસ્કૃતિક વૈભવને અનુભવવાનો આ રાઈડથી મોકો મળશે.

૭૫ વર્ષ પહેલા બીજા વિશ્ર્વ યુધ્ધ દરમિયાન સીંગાપૂર, મલેશિયા, થાઈલેન્ડ અને મ્યાનમારની યાત્રા કરી આઝાદ હિન્દ સેનાએ પૂર્વોતર ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ ઐતિહાસીક ઘટનાનો અનુભવ કરવા એજ રસ્તે બાઈકીંગની તક આપવામાં આવી રહી છે. પૂર્વોતર ભારત સાથે થાઈલેન્ડ, મ્યાંમાર, સીંગાપૂરની સંસ્કૃતિને પરિચિત કરાવવા તથા આ દેશની સાંસ્કૃતિક સુંદરતાનો અનુભવ કરાવવાના ઉદેશથી આ યાત્રા યોજાઈ રહી છે.

ત્રણ તબક્કાની આ રાઈડ ૯૦૦૦ કિ.મી.ની છે. અને તેના માટે ૨૬ દિવસ લાગશે ભારતમાં બે ભાગમાં વહેચાયેલી યાત્રા એક જ સમયે શરૂ થશે. મુંબઈથી પશ્ર્ચિમ શરૂ થશે રાઈડર્સ મુંબઈ અને દિલ્હીથી આ યાત્રામાં જોડાઈ શકશે. છેલ્લા સાત માસથી કોરોના મહામારીના લીધે લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા અને હવે લોકો બહાર નીકળવા લાગ્યા છે. ત્યારે આ બાઈક રાઈડમાં ઘણા લોકોએ રસ દાખવ્યો છે.