Abtak Media Google News

ભાણવડના રાણપરમાં કુખ્યાત બુટલેગરને તલાશ કરી રહેલા એલસીબીને એક ટાંકામાં છૂપાવેલી અંગ્રેજી શરાબની ૮૨૯ બોટલ સાંપડી છે. આ જથ્થો મંગાવનાર બે શખ્સોની શોધ શરૂ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના કુખ્યાત બુટલેગર અરજણ આલા કોડિયાતરને શનિવારે જામજોધપુર પોલીસે કલ્યાણપુરના એક મેળામાંથી પકડી પાડયા પછી અરજણ આલાને એક ટોળું છોડાવી ગયું હતું. આ વેળાએ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પછી દેવભૂમિ દ્વારકા એલસીબીએ ભાણવડ પંથકમાં સઘન બનાવેલા પેટ્રોલિંગ દરમ્યાન રાણપરના બધા ભોળા શામળા તથા અરજણ આલા કોડિયાતરે અંગ્રેજી શરાબનો જથ્થો મંગાવી એક ટાંકામાં છૂપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે પીઆઈ એલ.કે. ઓડેદરા તથા સ્ટાફે તે ટાંકાની તલાશી લીધી હતી.

આ ટાંકામાંથી એલસીબીને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ૮૨૯ બોટલ મળી આવી હતી. જ્યારે એલસીબીના દરોડા પહેલા ઉપરોકત બન્ને આરોપીઓ નાસી જવામાં સફળ થયા હતા. એલસીબીએ રૂ.૩,૩૧,૬૦૦ની કિંમતની શરાબની બોટલ ઝબ્બે લઈ બન્ને શખ્સો સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.